Home National Isro Scientists Resignation Government New Rules Vrs July 2026

ISROમાંથી કેમ વૈજ્ઞાનિકો આપી રહ્યા છે રાજીનામા? : એક વર્ષમાં 100થી વધુ નિષ્ણાતોએ છોડી સંસ્થા, સરકારે લીધું મોટું પગલું

ISRO Scientists Resignation
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jul 16, 2026, 07:32 AM IST

ISRO Scientists Resignation: ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) દુનિયાની સૌથી વિશ્વસનીય અને સફળ સ્પેસ એજન્સીઓમાં સ્થાન ધરાવે છે. ચંદ્રયાન-3, આદિત્ય-L1 અને ગગનયાન જેવા મહત્વાકાંક્ષી મિશનોથી ભારતે વૈશ્વિક સ્તરે પોતાની વૈજ્ઞાનિક ક્ષમતા સાબિત કરી છે. જોકે હવે આ જ સંસ્થા એક નવા પડકારનો સામનો કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ISROમાંથી અનુભવી વૈજ્ઞાનિકો અને ટેકનિકલ નિષ્ણાતોના સતત રાજીનામાને કારણે સરકાર અને અંતરિક્ષ વિભાગ બંને ચિંતિત બન્યા છે. મળતી માહિતી મુજબ, છેલ્લા એક વર્ષ દરમિયાન અંદાજે 100થી 120 વૈજ્ઞાનિકોએ ISRO છોડીને ખાનગી સ્પેસ કંપનીઓમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ખાસ કરીને રાષ્ટ્રીય મહત્વના પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા અનુભવી અધિકારીઓના રાજીનામાને કારણે ભવિષ્યના મિશનો પર અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે વૈજ્ઞાનિકોના રાજીનામા અને સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) અંગે નવી અને વધુ કડક પ્રક્રિયા અમલમાં મૂકી છે.

સરકારે જાહેર કર્યો નવો આદેશ

અંતરિક્ષ વિભાગ (Department of Space - DoS) દ્વારા 14 જુલાઈના રોજ આંતરિક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. નવા નિર્દેશો અનુસાર હવે રાષ્ટ્રીય મહત્વના મિશન સાથે જોડાયેલા 'ગ્રુપ A'ના વૈજ્ઞાનિકો અને ટેકનિકલ અધિકારીઓના રાજીનામા અથવા VRSને સ્થાનિક સ્તરે સરળતાથી મંજૂરી આપવામાં આવશે નહીં. હવે આવા દરેક કેસની વિગત સંબંધિત સેન્ટરના ડિરેક્ટરે પોતાની ભલામણ સાથે ISRO મુખ્યાલયને મોકલવાની રહેશે. અંતિમ નિર્ણય હેડક્વાર્ટર સ્તરે લેવામાં આવશે.

શા માટે સરકારે કડક વલણ અપનાવ્યું?

તાજેતરમાં ગગનયાન, ચંદ્રયાન-3 અને અન્ય મહત્વના સ્પેસ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલા કેટલાક સિનિયર અધિકારીઓએ રાજીનામા આપ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારનું માનવું છે કે, આવા અનુભવી વૈજ્ઞાનિકો અચાનક સંસ્થા છોડે તો ચાલી રહેલા મિશનની ગતિ, આયોજન અને ટેકનિકલ કામગીરી પર સીધી અસર થઈ શકે છે. આથી હવે જ્યાં સુધી સંબંધિત પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા અધિકારીઓના રાજીનામા અંગે ખાસ વિચારણા કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો: બંગાળની ખાડીમાં ભયાનક દુર્ઘટના! : રોહિંગ્યાઓથી ભરેલી 2 બોટ ડૂબી; 500થી વધુ લોકોનાં મોતની આશંકા

ISRO પ્રમુખે શું કહ્યું?

ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણને આ નવી વ્યવસ્થાને સામાન્ય વહીવટી પ્રક્રિયાનો ભાગ ગણાવી છે. તેમના જણાવ્યા મુજબ તેનો હેતુ કોઈ કર્મચારીને રોકવાનો નથી, પરંતુ રાષ્ટ્રીય મહત્વના મિશનો વચ્ચે અચાનક સર્જાતી માનવસંસાધનની ખોટને નિયંત્રિત કરવાનો છે. તેમણે જણાવ્યું કે, દરેક કેસનું મૂલ્યાંકન પ્રોજેક્ટની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે જેથી મહત્વના અંતરિક્ષ કાર્યક્રમો પર તેની અસર ન પડે.

કયા કેન્દ્રોમાંથી સૌથી વધુ રાજીનામા?

સત્તાવાર રીતે સંપૂર્ણ આંકડા જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ ISROના કેટલાક મોટા કેન્દ્રોમાંથી નોંધપાત્ર સંખ્યામાં વૈજ્ઞાનિકોએ રાજીનામા આપ્યા છે.

વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)

કેરળ સ્થિત ISROના સૌથી મોટા કેન્દ્ર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં લગભગ 4,500થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. અહેવાલો મુજબ છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન અહીંથી ઓછામાં ઓછા 20 વૈજ્ઞાનિકોએ સંસ્થા છોડી છે. રાજીનામું આપનારાઓમાં LVM-3 લોન્ચ વ્હીકલના પ્રોજેક્ટ ડિરેક્ટર વિક્ટર જોસેફનું નામ પણ ચર્ચામાં છે.

યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટર (URSC)

બેંગલુરુ સ્થિત યુ. આર. રાવ સેટેલાઇટ સેન્ટરમાંથી સૌથી વધુ રાજીનામાની ચર્ચા છે. અંદાજે 80 જેટલા અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ છેલ્લા સમયગાળા દરમિયાન સંસ્થા છોડી હોવાનું જાણવા મળે છે. આ યાદીમાં SpaDeX મિશનના પ્રોજેક્ટ ડિરેક્ટર તેમજ ચંદ્રયાન-3 સાથે જોડાયેલા પ્રોજેક્ટ મેનેજર (સિમ્યુલેશન) આદિત્ય રલ્લાપલ્લીનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: NEET પેપર લીક કેસમાં CBIનો મોટો ખુલાસો : કોચિંગ સંચાલકના મોબાઇલમાં મળેલા 136 પ્રશ્નોમાંથી 111 પરીક્ષામાં પૂછાયા

વૈજ્ઞાનિકો ISRO કેમ છોડી રહ્યા છે?

વિશેષજ્ઞોના મતે ભારતનો ખાનગી સ્પેસ સેક્ટર છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ઝડપથી વિકસી રહ્યો છે. IN-SPACe જેવી નીતિઓ બાદ અનેક સ્ટાર્ટઅપ્સ અને ખાનગી સ્પેસ કંપનીઓ અંતરિક્ષ ક્ષેત્રમાં પ્રવેશી છે. આ કંપનીઓ અનુભવી ISRO વૈજ્ઞાનિકોને આકર્ષક વેતન, વધુ સુવિધાઓ, આધુનિક સંશોધન માહોલ અને નવી ટેક્નોલોજી પર કામ કરવાની વધુ સ્વતંત્રતા આપી રહી છે. ઘણા વૈજ્ઞાનિકો માટે ખાનગી ક્ષેત્રમાં કારકિર્દીની નવી તકો, આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને વધુ ઊંચું વેતન પણ મહત્વપૂર્ણ કારણ બની રહ્યા છે.

શું ISRO માટે આ ચિંતાનો વિષય છે?

વિશ્લેષકોનું માનવું છે કે ISRO જેવી સંસ્થાની સૌથી મોટી તાકાત તેનો અનુભવી માનવબળ છે. જો મોટા પ્રમાણમાં અનુભવી વૈજ્ઞાનિકો ખાનગી ક્ષેત્ર તરફ વળતા રહેશે તો નવી ટીમોને તાલીમ આપવા અને મહત્વના મિશનોમાં સતતતા જાળવવામાં પડકાર ઊભા થઈ શકે છે. બીજી તરફ, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, ખાનગી સ્પેસ સેક્ટરના વિકાસથી સમગ્ર ભારતીય સ્પેસ ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને વૈજ્ઞાનિકોને વધુ તકો મળશે. જોકે સરકાર માટે સંતુલન જાળવવું જરૂરી બન્યું છે જેથી રાષ્ટ્રીય મહત્વના મિશનો પર કોઈ નકારાત્મક અસર ન પડે.

આગળ શું?

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી પ્રક્રિયા બાદ હવે ISROમાં કાર્યરત મહત્વના વૈજ્ઞાનિકોના રાજીનામા અથવા VRSને લઈને વધુ કડક ચકાસણી કરવામાં આવશે. સરકારનો પ્રયાસ છે કે ગગનયાન સહિતના આગામી મહત્વના મિશનો સમયસર અને અસરકારક રીતે પૂર્ણ થાય તેમજ અનુભવી વૈજ્ઞાનિકોની અછતને કારણે રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સને કોઈ નુકસાન ન પહોંચે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now