Rohingya Boat Accident: બંગાળની ખાડીમાં માનવતાને ઝંઝોડીને મૂકે તેવી એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. મ્યાનમારમાં અત્યાચારનો ભોગ બનેલા રોહિંગ્યા શરણાર્થીઓને લઈને જઈ રહેલી બે બોટ સમુદ્રમાં ડૂબી જતાં 500થી વધુ લોકોનાં મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટના અંગે સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી (UNHCR) અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM)એ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ બોટોમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને પરિવારો સવાર હતા, જેઓ મ્યાનમારમાં ચાલી રહેલા સંઘર્ષ, ભુખમરો અને અસુરક્ષિત પરિસ્થિતિમાંથી બચવા માટે જોખમી દરિયાઈ માર્ગે અન્ય દેશમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે ચોમાસાના ઉગ્ર વાતાવરણ અને ઊંચા મોજાં વચ્ચે તેમની મુસાફરી દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ.
જૂનના અંતમાં શરૂ થઈ હતી જોખમી મુસાફરી
સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓના જણાવ્યા અનુસાર બંને બોટોએ જૂનના અંતિમ સપ્તાહ દરમિયાન મ્યાનમારના રાખાઇન રાજ્યમાંથી સફર શરૂ કરી હતી. તેમાં મોટાભાગના મુસાફરો રોહિંગ્યા સમુદાયના હતા. કેટલાક લોકો બાંગ્લાદેશના શરણાર્થી કેમ્પોમાંથી પણ આ મુસાફરીમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે. રોહિંગ્યા શરણાર્થીઓ લાંબા સમયથી મ્યાનમાર છોડીને દક્ષિણ-પૂર્વ એશિયાના અન્ય દેશોમાં આશરો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે માનવ તસ્કરો દ્વારા અપનાવવામાં આવતા જોખમી દરિયાઈ માર્ગો ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.
એક બોટનો સંપર્ક તૂટી ગયો, બીજી 8 જુલાઈએ ડૂબી
અહેવાલો અનુસાર, આશરે 250 મુસાફરોને લઈને નીકળેલી પ્રથમ બોટનો સફરની શરૂઆત બાદ થોડા જ સમયમાં સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી. બીજી તરફ લગભગ 280 લોકો સવાર બીજી બોટ 8 જુલાઈએ મ્યાનમારના અયેયારવાડી (Ayeyarwady) કિનારા નજીક ડૂબી ગઈ હોવાનું જણાવાયું છે. બંને ઘટનાઓમાં મૃત્યુઆંક અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ 500થી વધુ લોકોનાં મોત અથવા ગુમ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચોમાસું અને ખરાબ હવામાન બન્યા જીવલેણ
સામાન્ય રીતે રોહિંગ્યા શરણાર્થીઓ ચોમાસા દરમિયાન સમુદ્ર માર્ગે મુસાફરી કરવાનું ટાળે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં ભારે વરસાદ, ઊંચા મોજાં અને તોફાની પવનને કારણે મુસાફરી અત્યંત જોખમી બની જાય છે. UNHCR અને IOMએ જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં વિસ્તારમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે બોટો માટે સલામત રીતે આગળ વધવું મુશ્કેલ બન્યું હતું. એજન્સીઓએ જણાવ્યું છે કે ઘટનાની સંપૂર્ણ વિગતો હજુ એકત્રિત કરવામાં આવી રહી છે.
રોહિંગ્યા શરણાર્થીઓ જીવનું જોખમ કેમ ઉઠાવી રહ્યા છે?
રોહિંગ્યા મુસ્લિમ સમુદાય વર્ષોથી મ્યાનમારમાં ભેદભાવ, હિંસા અને સૈન્ય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. વર્ષ 2017માં મ્યાનમારની સૈન્ય કાર્યવાહી બાદ લાખો રોહિંગ્યાઓને પોતાનો દેશ છોડવો પડ્યો હતો. હાલમાં અંદાજે 12 લાખથી વધુ રોહિંગ્યા બાંગ્લાદેશના ભીડભાડવાળા શરણાર્થી કેમ્પોમાં રહે છે. ત્યાં પણ ખોરાક, આરોગ્ય, રોજગાર અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓનો ગંભીર અભાવ છે. તાજેતરમાં અમેરિકા સહિત અનેક દાતા દેશોએ માનવતાવાદી સહાયમાં ઘટાડો કર્યો છે, જેના કારણે શરણાર્થી કેમ્પોમાં ખાદ્યસામગ્રી અને અન્ય જરૂરી સહાય ઓછી થઈ ગઈ છે. બીજી તરફ મ્યાનમારના રાખાઇન રાજ્યમાં સૈન્ય અને સશસ્ત્ર જૂથો વચ્ચેનો સંઘર્ષ હજુ પણ ચાલુ હોવાથી સુરક્ષિત રીતે વતન પરત ફરવાનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
વિશ્વના સૌથી જોખમી દરિયાઈ માર્ગોમાંનો એક
બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રનો આ દરિયાઈ માર્ગ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના સૌથી જોખમી શરણાર્થી માર્ગોમાં ગણાવા લાગ્યો છે. અહીં અગાઉ પણ અનેક બોટ દુર્ઘટનાઓમાં હજારો લોકોના જીવ ગયા છે. UNHCRના અગાઉના આંકડા દર્શાવે છે કે, વર્ષ 2025 દરમિયાન 6,500થી વધુ રોહિંગ્યાઓએ સમુદ્ર માર્ગે અન્ય દેશમાં પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી આશરે 900 લોકો મૃત અથવા ગુમ જાહેર કરવામાં આવ્યા હતા. માનવતાવાદી સંસ્થાઓનું માનવું છે કે આ માર્ગ પર મૃત્યુદર વિશ્વમાં સૌથી વધુ છે.
માનવ તસ્કરીનું મોટું જાળું પણ જવાબદાર
માનવાધિકાર સંગઠનોના જણાવ્યા મુજબ રોહિંગ્યા શરણાર્થીઓની મજબૂરીનો લાભ લઈને માનવ તસ્કરીના આંતરરાષ્ટ્રીય ગેંગ તેમને જોખમી બોટોમાં બેસાડી મોટી રકમ વસૂલે છે. ઘણી વખત ઓવરલોડેડ અને અસુરક્ષિત બોટો ખરાબ હવામાનમાં દરિયામાં ઉતારી દેવામાં આવે છે, જેના કારણે આવી દુર્ઘટનાઓ સર્જાય છે. કેટલાક સંગઠનોએ પ્રાદેશિક દરિયાઈ સત્તાધિકારીઓ પર પણ આરોપ લગાવ્યો છે કે મુશ્કેલીમાં ફસાયેલી બોટોને સમયસર મદદ પહોંચાડવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક સમુદાયને અપીલ
UNHCR અને IOMએ આંતરરાષ્ટ્રીય સમુદાયને બાંગ્લાદેશમાં રહેલા રોહિંગ્યા શરણાર્થીઓ માટે માનવતાવાદી સહાય વધારવાની અપીલ કરી છે. સાથે જ બંગાળની ખાડીમાં સર્ચ એન્ડ રેસ્ક્યૂ કામગીરીને વધુ મજબૂત બનાવવા, માનવ તસ્કરીના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા અને શરણાર્થીઓ માટે સુરક્ષિત વિકલ્પો ઉભા કરવા પર ભાર મૂક્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી મ્યાનમારમાં સ્થાયી શાંતિ સ્થાપિત નહીં થાય અને રોહિંગ્યા સમુદાયને સુરક્ષિત રીતે પોતાના વતનમાં પરત ફરવાની ખાતરી નહીં મળે, ત્યાં સુધી આવી માનવતાવાદી દુર્ઘટનાઓ અટકાવવી મુશ્કેલ રહેશે.





