Home Automobile E20 Petrol Historic Consumer Court Verdict New Car Or Refund India

E20 પેટ્રોલ કેસમાં દેશનો પ્રથમ ઐતિહાસિક ચુકાદો : કાર કંપનીએ નવી E20-સપોર્ટેડ કાર આપવી પડશે અથવા આપવું પડશે રિફંડ

E20 Petrol
Image Credit: AI
Published by: Nirali Gohil
Last Updated: Jul 16, 2026, 06:40 AM IST

E20 Petrol: દેશમાં E20 પેટ્રોલને પ્રોત્સાહન આપવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ તેનાથી સંબંધિત વાહનોની સુસંગતતા (Compatibility) અંગે હવે એક મહત્વપૂર્ણ કાનૂની પ્રશ્ન પણ સામે આવ્યો છે. છત્તીસગઢના રાયપુર જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે એક એવા કેસમાં ઐતિહાસિક નિર્ણય આપ્યો છે, જેને E20 પેટ્રોલ સંબંધિત દેશનો પ્રથમ મહત્વપૂર્ણ ગ્રાહક ચુકાદો માનવામાં આવી રહ્યો છે. આ નિર્ણય માત્ર એક ગ્રાહકને ન્યાય અપાવતો નથી, પરંતુ ભવિષ્યમાં વાહન ઉત્પાદકો અને ડીલરો માટે પણ પારદર્શિતા જાળવવાનો સ્પષ્ટ સંદેશ આપે છે. આયોગે એક જાણીતી કાર ઉત્પાદક કંપની અને તેના સ્થાનિક ડીલરને ગ્રાહક સાથે થયેલી બેદરકારી અને મહત્વની માહિતી છુપાવવા બદલ જવાબદાર ઠેરવ્યા છે. આદેશ અનુસાર કંપનીએ ફરિયાદીને એ જ મોડલની નવી E20-સપોર્ટેડ કાર આપવાની રહેશે. જો કંપની 45 દિવસની અંદર નવી કાર આપવામાં નિષ્ફળ જશે, તો તેને કારની સંપૂર્ણ કિંમત સાથે આરટીઓ, વીમા અને અન્ય ખર્ચ મળીને કુલ રૂ.20.50 લાખ ઉપરાંત વ્યાજ પણ ચૂકવવું પડશે.

શું છે સમગ્ર મામલો?

આ સમગ્ર કેસ રાયપુરના જાણીતા કિડની રોગ નિષ્ણાત ડૉ. પ્રેમરાજ દેવતા સાથે જોડાયેલો છે. તેમણે જૂન 2024માં એક જાણીતી કંપનીના અધિકૃત શોરૂમમાંથી નવી કાર ખરીદી હતી. જોકે કાર ખરીદ્યા બાદ શરૂઆતથી જ તેમાં ટેકનિકલ ખામીઓ જોવા મળી હતી. ડૉક્ટરના જણાવ્યા અનુસાર, કારનું એન્જિન વારંવાર બંધ થઈ જતું હતું અને ડ્રાઇવિંગ દરમિયાન પણ સતત સમસ્યાઓ સર્જાતી હતી. અનેક વખત સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નહોતો.

સર્વિસ સેન્ટરે વોરંટીનો ઇનકાર કર્યો

કારમાં ખામી દૂર કરવાની માંગ સાથે જ્યારે ગ્રાહક સર્વિસ સેન્ટર પહોંચ્યા ત્યારે કંપની અને ડીલરે વોરંટી હેઠળ મફત સમારકામ કરવાનો ઇનકાર કર્યો હતો.

કંપનીના ઇજનેરોએ દાવો કર્યો કે કારના એન્જિનને E20 પેટ્રોલના કારણે નુકસાન થયું છે અને તેથી આ ખામી વોરંટી હેઠળ આવતી નથી. કંપનીએ કારના સમારકામ માટે અંદાજે રૂ.5.30 લાખનો ખર્ચ પણ બતાવ્યો હતો. ગ્રાહકે કંપનીના આ દાવાથી અસંતુષ્ટ થઈને રાયપુર જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: કારમાં Dashcam લગાવશો તો શું થશે ફાયદો? : અકસ્માત પછી જાણો કેટલો ઉપયોગી બને છે આ કેમેરો

અદાલતમાં કંપની સામે સામે આવી બે મોટી હકીકતો

સુનાવણી દરમિયાન ગ્રાહક આયોગ સમક્ષ કંપનીની કામગીરી અંગે બે મહત્વપૂર્ણ બાબતો સામે આવી હતી. પ્રથમ, ગ્રાહકને જૂન 2024માં જે કાર વેચવામાં આવી હતી તેનું ઉત્પાદન જાન્યુઆરી 2023માં થયું હોવાનું જાણવા મળ્યું. એટલે કે લગભગ 17 મહિના જૂની કાર નવી હોવાનું દર્શાવી વેચવામાં આવી હતી, જ્યારે ખરીદદારને આ બાબતની જાણ કરવામાં આવી નહોતી. બીજું, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કારનું એન્જિન E20 પેટ્રોલ માટે સંપૂર્ણ રીતે સુસંગત નહોતું. દેશમાં હવે મોટા પ્રમાણમાં 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ છે, છતાં કંપનીએ વાહન વેચતી વખતે ગ્રાહકને આ મહત્વપૂર્ણ માહિતી આપી નહોતી.

અદાલતે ગ્રાહકના પક્ષમાં કેમ આપ્યો ચુકાદો?

ગ્રાહક આયોગે સ્પષ્ટ કર્યું કે દેશમાં ઉપલબ્ધ પેટ્રોલમાં કેટલું ઇથેનોલ મિશ્રિત છે તેના પર સામાન્ય ગ્રાહકનો કોઈ નિયંત્રણ નથી. જો કંપનીને ખબર હતી કે, વાહન E20 પેટ્રોલ માટે યોગ્ય નથી, તો વેચાણ પહેલાં ગ્રાહકને તેની સંપૂર્ણ માહિતી આપવી કંપનીની જવાબદારી હતી. આયોગે માન્યું કે, કંપનીએ જરૂરી માહિતી જાહેર કર્યા વગર વાહન વેચ્યું હતું, જેના કારણે ગ્રાહકને આર્થિક નુકસાન અને માનસિક તકલીફ બંનેનો સામનો કરવો પડ્યો.

કંપનીને શું આદેશ અપાયો?

ગ્રાહક આયોગે કંપની અને તેના ડીલરને 45 દિવસની અંદર ફરિયાદીને એ જ મોડલની નવી E20-સપોર્ટેડ કાર આપવાનો આદેશ કર્યો છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં નવી કાર આપવામાં નહીં આવે તો કંપનીએ ગ્રાહકને કારની ખરીદી કિંમત, આરટીઓ અને વીમા ખર્ચ સહિત કુલ રૂ.20,50,494 પરત ચૂકવવાના રહેશે. આ રકમ પર આદેશની તારીખથી ચૂકવણી થાય ત્યાં સુધી વાર્ષિક 7 ટકા વ્યાજ પણ ચૂકવવું પડશે. આ ઉપરાંત માનસિક યાતના બદલ રૂ.1 લાખનું વળતર અને કોર્ટ ખર્ચ તરીકે રૂ.10,000 અલગથી ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: હવે હાઇડ્રોજનથી દોડશે ટ્રેન અને કાર : CNG કરતાં કેટલી વધુ શક્તિશાળી અને સસ્તી છે ગ્રીન ફ્યૂલ?

E20 પેટ્રોલ શું છે?

E20 પેટ્રોલ એટલે 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ. સરકાર દ્વારા ઇંધણ આયાતમાં ઘટાડો, પ્રદૂષણ નિયંત્રણ અને કૃષિ આધારિત ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે દેશભરમાં E20 પેટ્રોલનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. તેમ છતાં તમામ જૂના વાહનો અથવા એન્જિન E20 પેટ્રોલ માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. તેથી વાહન ખરીદતા પહેલાં તે E20-કમ્પેટિબલ છે કે નહીં તેની માહિતી મેળવવી મહત્વપૂર્ણ બની ગઈ છે.

આ ચુકાદો કેમ છે મહત્વપૂર્ણ?

કાનૂની નિષ્ણાતોના મતે આ ચુકાદો દેશભરના લાખો વાહન માલિકો માટે માર્ગદર્શક બની શકે છે. જો કોઈ કંપની વાહનની ટેકનિકલ ક્ષમતાઓ અંગે મહત્વપૂર્ણ માહિતી ગ્રાહકથી છુપાવે અથવા ખોટી માહિતી આપે, તો ગ્રાહકને કાયદાકીય રાહત મળી શકે છે. આ નિર્ણયથી ઓટોમોબાઇલ કંપનીઓ માટે પણ સ્પષ્ટ સંદેશ ગયો છે કે નવા ઇંધણ ધોરણો અંગે ગ્રાહકોને સંપૂર્ણ અને પારદર્શક માહિતી આપવી તેમની કાનૂની જવાબદારી છે. ભવિષ્યમાં E20 પેટ્રોલ સંબંધિત વિવાદોમાં આ કેસ મહત્વપૂર્ણ દાખલા તરીકે જોવામાં આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now