ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોરગામે નવીનગરી વિસ્તારમાં રહેતા એક આદિવાસી ડમ્પર ડ્રાઈવર પર અમાનવીય અત્યાચાર ગુજાર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. ડીઝલ ચોરીના શંકા આધારે ઓફિસમાં બોલાવી લોખંડ અને પ્લાસ્ટિકની પાઈપોથી માર મારવો, ઊંધા માથે લટકાવવો અને જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલવાના આક્ષેપો વચ્ચે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.
પીડિત નટવરભાઈ વસાવાની ફરિયાદના આધારે વલણ પોલીસે અક્ષય પટેલના પુત્ર રૂષી પટેલ સહિત પાંચ લોકો સામે એટ્રોસિટી અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ તમામ આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
“બહારથી લોક મારી દીધું, પછી મારવાનું શરૂ કર્યું”
પીડિત નટવરભાઈ વસાવા છેલ્લા એક વર્ષથી રૂષી પટેલના હાઈવા ડમ્પરમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ મુજબ, 15 મેના રોજ તેઓ જંબુસરથી રેતી ખાલી કરીને પરત આવ્યા બાદ તેમને બકાપુર સ્થિત ઓફિસે બોલાવવામાં આવ્યા હતા.
નટવરભાઈએ જણાવ્યું કે ઓફિસમાં પહોંચ્યા બાદ તેમને ડીઝલ ચોરી અંગે પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ હુમલો શરૂ થયો.
પીડિતે જણાવ્યું; “અમે કોઈ ભૂલ કરી નહોતી. અમને ઓફિસમાં બોલાવી બહારથી લોક મારી દીધું. પછી રૂષી પટેલ અને બીજા લોકોએ લોખંડ તથા પ્લાસ્ટિકની પાઈપોથી માર મારવાનું શરૂ કર્યું.”
તેમણે વધુમાં દાવો કર્યો કે લગભગ બે થી અઢી કલાક સુધી સતત માર મારવામાં આવ્યો હતો.
“ઊંધા પગે લટકાવી માર્યા”
પીડિતના આક્ષેપો મુજબ, હુમલો માત્ર મારપીટ પૂરતો સીમિત નહોતો. આરોપીઓએ તેમના પગ દોરડાથી બાંધી ઓફિસમાં ઊંધા માથે લટકાવ્યા હતા અને ત્યારબાદ પણ માર માર્યો હતો.
નટવરભાઈએ જણાવ્યું; “મને ઊંધા લટકાવીને માર્યો. મારો હાથ તોડી નાખ્યો છે. હું ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો.”
ફરિયાદ મુજબ, આરોપીઓએ જાતિવિષયક અપમાનજનક શબ્દો બોલી ગડદા-પાટુનો પણ માર માર્યો હતો. હુમલા દરમિયાન પીડિતનો મિત્ર ગિરીશ વસાવા પણ હાજર હોવાનું જણાવાયું છે.
ગંભીર ઇજાઓ, હોસ્પિટલમાં સારવાર
મારપીટ બાદ નટવરભાઈ ગંભીર રીતે ઘાયલ હાલતમાં પડી રહ્યા હતા. બાદમાં ઓફિસના અન્ય કર્મચારીઓએ તેમને બહાર કાઢ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ તેમને મોટરસાઈકલ મારફતે કહોણા હોડી ઘાટ સુધી પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાંથી પરિવારજનોએ ઘરે લાવ્યા હતા.
પછી 108 એમ્બ્યુલન્સ મારફતે પહેલા ઉમલ્લા સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પીડિતના હાથમાં ફ્રેક્ચર સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજાઓ હોવાનું સામે આવ્યું છે.
આદિવાસી સમાજમાં આક્રોશ
ઘટનાને પગલે આદિવાસી સમાજના આગેવાનો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીડિત પક્ષના વકીલ એડવોકેટ મિનેશ પરમારે જણાવ્યું કે પીડિતની હાલત ગંભીર છે અને તેઓ આગામી બે થી ત્રણ મહિના સુધી કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી.
તેમણે આક્ષેપ કર્યો કે હાલ નોંધાયેલી ફરિયાદમાં હજુ BNS 109 અને 118(2) જેવી ગંભીર કલમો ઉમેરવામાં આવી નથી. આ મુદ્દે ટૂંક સમયમાં DySP સમક્ષ રજૂઆત કરવામાં આવશે.
સ્થાનિક આગેવાનો દ્વારા રાજકીય દબાણ વગર નિષ્પક્ષ તપાસ, તમામ પુરાવા સુરક્ષિત રાખવા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ ઉઠી છે.
પોલીસની કાર્યવાહી
વલણ પોલીસે રૂષી અક્ષય પટેલ, જયદત્ત બાપુ, સાહીલ પટેલ ઉર્ફે સાહીલ પઠાણ, જાવેદ પઠાણ અને વિજયભાઈ સામે ગુનો નોંધી અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
આ મામલે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
હવે સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે અને ફરાર આરોપીઓની ધરપકડ ક્યારે થાય છે તેના પર સૌની નજર છે.





