ગુજરાત સરકાર રાજ્યના માર્ગ નેટવર્કને વધુ આધુનિક, મજબૂત અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે ગ્રીન ટેક્નોલોજી આધારિત રોડ નિર્માણ તરફ આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્પીડ અને સ્કેલ’ વિઝનને અનુરૂપ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે આ વર્ષે બજેટમાં ₹1147 કરોડના ખર્ચે ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને નવી ટેક્નોલોજી આધારિત માર્ગ નિર્માણ માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 20 માર્ગો પર ગ્રીન ટેક્નોલોજીથી રોડ નિર્માણ અને પુનઃનિર્માણની કામગીરી શરૂ થવા જઈ રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ જૂના રોડ મટેરિયલનો ફરી ઉપયોગ કરીને ખર્ચ ઘટાડવો, કુદરતી સંસાધનોની બચત કરવી અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવાનો છે.
કયા જિલ્લાઓમાં બનશે ગ્રીન રોડ?
રાજ્યના પાટણ, ગીર સોમનાથ, મહીસાગર, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, મહેસાણા, કચ્છ, ભાવનગર, જામનગર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આ કામગીરી હાથ ધરાશે.
મુખ્ય માર્ગોમાં લણવા-મણુંદ-સંડેર-બાલીસાણા રોડ, રાધનપુર-મશાલી-માધાપુરા રોડ, ભીડીયા સોમનાથ રોડ, દયાદરા-નબીપુર-ઝનોર રોડ, મોરબી-નાની વાવડી-બગથળા રોડ, સુરેન્દ્રનગર બાયપાસ, ડીંડોલી-કરડવા-ઇકલેરા રોડ અને તળાજા-ગોપનાથ રોડ સહિતના મહત્વપૂર્ણ રૂટ્સનો સમાવેશ થાય છે.
આ માર્ગો પર રોડ પહોળા કરવાનું કામ, RCC ગટરલાઈન, રિસર્ફેસિંગ, પ્રોટેક્શન વર્ક, ફોર લેન, સાઇડ શોલ્ડર, રમ્બલ સ્ટ્રીપ, વ્હાઇટ ટોપિંગ અને ગ્લાસ ગ્રીડ જેવી વિવિધ આધુનિક કામગીરી હાથ ધરાશે.
શું છે ગ્રીન ટેક્નોલોજી?
ગ્રીન ટેક્નોલોજી આધારિત રોડ નિર્માણમાં હાલના જૂના રોડના મટેરિયલનો ફરી ઉપયોગ કરવામાં આવે છે. રોડ ઉખાડ્યા બાદ તેની સામગ્રીને પલ્વરાઇઝ કરીને ફરી મજબૂત બેઝ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં સિમેન્ટ અને ખાસ કેમિકલ સાથે સ્ટેબિલાઇઝેશન કરવામાં આવે છે.
આ પ્રક્રિયામાં “સ્ટ્રેસ એબ્ઝોર્બિંગ મેમ્બ્રેન” એટલે કે SAMIનો પણ ઉપયોગ થાય છે. આ એક હાઈટેક ફાઇબર શીટ છે, જે રોડમાં તિરાડો પડતી અટકાવવામાં અને વાહનોના દબાણને શોષવામાં મદદરૂપ બને છે. પરિણામે રોડનું આયુષ્ય વધે છે અને મેન્ટેનન્સનો ખર્ચ ઘટે છે.
આ પણ વાંચો: ભરૂચમાં આદિવાસી ડ્રાઈવર પર અત્યાચારનો આરોપ : ‘ઊંધો લટકાવી 2 કલાક માર માર્યો’; ધારાસભ્યના પુત્ર સહિત 5 સામે ગુનો
પર્યાવરણને મળશે ફાયદો
આ ટેક્નોલોજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં નવી માટી અને મેટલની જરૂરિયાત ઓછી પડે છે. જૂના રોડના મટેરિયલનો ફરી ઉપયોગ થવાને કારણે કુદરતી સંસાધનોની બચત થાય છે અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો થાય છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ગ્રીન રોડ ટેક્નોલોજી પરંપરાગત પદ્ધતિ કરતાં વધુ ટકાઉ માનવામાં આવે છે. રોડની બેઝ લેયર મજબૂત બનતાં વારંવાર રિપેરિંગની જરૂરિયાત ઘટે છે અને લાંબા ગાળે સરકારના ખર્ચમાં પણ બચત થાય છે.
ભરૂચમાં ₹50 કરોડનો વિશેષ પ્રોજેક્ટ
ભરૂચ જિલ્લામાં જંબુસર-ટંકાલી-દેવલા રોડ પર ₹50 કરોડના ખર્ચે ગ્રીન ટેક્નોલોજી આધારિત રિકન્સ્ટ્રક્શનને મંજૂરી આપવામાં આવી છે. આ માર્ગ ફાર્માસ્યુટિકલ બલ્ક ડ્રગ પાર્ક, ONGC પ્લાન્ટ અને મીઠા તથા ઝીંગા ઉછેરના વિસ્તારોને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે.
આ રોડ વડોદરા અને અન્ય વિસ્તારો સાથે સીધી કનેક્ટિવિટી પ્રદાન કરતો હોવાથી ઔદ્યોગિક અને વેપારી દૃષ્ટિએ તેને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ પરિવહન વધુ ઝડપી અને સુરક્ષિત બનવાની શક્યતા છે.
નવી ટેક્નોલોજીથી મજબૂત બનશે માર્ગો
રાજ્યમાં રોડ નિર્માણ માટે અનેક આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ થવાનો છે. તેમાં પ્લાસ્ટિક મિશ્રિત ડામર, પોલિમર ગ્રીડ, ફાઇબર ગ્લાસ ગ્રીડ, જિયોગ્રીડ, કોલસા આધારિત ફ્લાય એશ, વ્હાઇટ ટોપિંગ અને પ્રીકાસ્ટ કોંક્રિટ સ્લેબ જેવી પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
ખાસ કરીને પોચી જમીન ધરાવતા વિસ્તારોમાં જિયોગ્રીડ ટેક્નોલોજી રોડને વધુ સ્થિર બનાવવામાં મદદરૂપ બને છે. જ્યારે ગ્લાસ ગ્રીડ ડામરની લેયર વચ્ચે લગાડવાથી રોડમાં તિરાડો પડવાની શક્યતા ઘટે છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની નિકોલ સંગઠન સાથે બેઠક : નવા કાઉન્સિલરોને આપ્યો સેવા અને સુશાસનનો સંદેશ
ટકાઉ વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું
ગુજરાત સરકારનો આ પ્રયાસ માત્ર રોડ નિર્માણ પૂરતો સીમિત નથી, પરંતુ ટકાઉ અને પર્યાવરણમૈત્રી વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. આગામી વર્ષોમાં રાજ્યમાં વધુ માર્ગો પર આવી ગ્રીન ટેક્નોલોજી અપનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.





