મહીસાગર જિલ્લામાં તાલુકા પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય મહત્વપૂર્ણ હોદ્દાઓ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ 8 તાલુકા પંચાયતો પર કબજો જમાવી રાજકીય રીતે પોતાનું પ્રભુત્વ વધુ મજબૂત બનાવ્યું છે. જિલ્લાના કુલ 8 તાલુકા પંચાયતોમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડક સહિતના હોદ્દાઓ માટે વરણી કરવામાં આવી હતી. જેમાંથી 3 તાલુકા પંચાયત બિનહરીફ જાહેર થઈ હતી જ્યારે બાકીની 5 તાલુકા પંચાયતોમાં ચૂંટણી યોજાઈ હતી.
જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ચૂંટણી પહેલા તમામ હોદ્દાઓ માટે સત્તાવાર વ્હીપ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાને સત્તાવાર અધિકાર પત્ર સોંપવામાં આવ્યા બાદ સમગ્ર પ્રક્રિયા સંગઠનાત્મક રીતે હાથ ધરાઈ હતી. ચૂંટણી બાદ ભાજપે જિલ્લાની તમામ તાલુકા પંચાયતોમાં પોતાના પ્રતિનિધિઓને વિવિધ હોદ્દાઓ પર બિરાજમાન કરવામાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રીન ટેક્નોલોજીથી બનશે 20 આધુનિક રસ્તા : ₹1147 કરોડના પ્રોજેક્ટથી માર્ગ નેટવર્ક વધુ મજબૂત બનશે
વિરપુર અને સંતરામપુર તાલુકા પંચાયતમાં નવી ટીમની વરણી
વિરપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પીન્કીબેન મુકેશભાઈ પરમારની પસંદગી કરવામાં આવી છે જ્યારે ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ ખેમાભાઈ માલીવાડની વરણી થઈ છે. કારોબારી ચેરમેન તરીકે રજનીકાંત અમૃતલાલ પટેલ, પક્ષના નેતા તરીકે મહેન્દ્રકુમાર ભલાભાઈ ઠાકોર અને દંડક તરીકે રમીલાબેન જીતેન્દ્રભાઈ વાળંદને જવાબદારી સોંપાઈ છે.
સંતરામપુર તાલુકા પંચાયતમાં રજનીતાબેન નીલેશકુમાર તાવિયાડ પ્રમુખ બન્યા છે જ્યારે ઉપપ્રમુખ તરીકે રવિરાજભાઈ કલાલભાઈ પારગીની પસંદગી થઈ છે. ઈશ્વરભાઈ ખોભાઈ કલાસવા કારોબારી ચેરમેન, દીવાંગીબેન ઉમેશભાઈ પટેલ પક્ષના નેતા અને આશાબેન દક્ષેશભાઈ બામણીયા દંડક તરીકે નિયુક્ત થયા છે.
કોઠંબા અને ગોધરા તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો
કોઠંબા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અનિતાબેન નિલેશકુમાર પટેલની વરણી થઈ છે. ઉપપ્રમુખ પદે અરવિંદભાઈ ઉદાભાઈ પગીની પસંદગી થઈ છે. કારોબારી ચેરમેન તરીકે રીટાબેન સુરેશગર ગોસાઈ, પક્ષના નેતા તરીકે કિરપાલસિંહ સર્દુલસિંહ ગોહિલ અને દંડક તરીકે સુમિત્રાબેન રણવીરસિંહ પરમારને જવાબદારી આપવામાં આવી છે.
ગોધરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જગદીશભાઈ બળવંતભાઈ બારિયા અને ઉપપ્રમુખ તરીકે રમણભાઈ કાળુભાઈ સેલોતની પસંદગી થઈ છે. કારોબારી ચેરમેન તરીકે જતીનકુમાર પ્રભાતભાઈ ખાંટ, પક્ષના નેતા તરીકે પર્વતભાઈ ગવાભાઈ પલાસ અને દંડક તરીકે લક્ષ્મીબેન કિરણભાઈ ડામોરની વરણી કરવામાં આવી છે.
કડાણા, બાલાસિનોર અને લુણાવાડામાં પણ ભાજપનું પ્રભુત્વ
કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયંતીભાઈ સુરમાભાઈ ડામોરની પસંદગી થઈ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે કપીલાબેન વેચાતભાઈ વાગડીયાને જવાબદારી સોંપાઈ છે. હરીશભાઈ ઉજમાભાઈ પાંડોર કારોબારી ચેરમેન, સંગીતાબેન પ્રવિણભાઈ ડામોર પક્ષના નેતા અને રમણભાઈ સરદાભાઈ વાગડિયા દંડક બન્યા છે.
બાલાસિનોર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજેન્દ્રકુમાર વખતસિંહ સોલંકીની વરણી થઈ છે. દિપીકાબેન પંકજકુમાર ઠાકોર ઉપપ્રમુખ બન્યા છે જ્યારે અજીતભાઈ પ્રભાતભાઈ પરમાર કારોબારી ચેરમેન તરીકે નિયુક્ત થયા છે. પક્ષના નેતા તરીકે રામાભાઈ અર્જુનભાઈ સોલંકી અને દંડક તરીકે મહેન્દ્રભાઈ મંગળભાઈ ચૌહાણની પસંદગી થઈ છે.
લુણાવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીબેન કિરીટકુમાર પટેલની પસંદગી કરવામાં આવી છે. ઉપપ્રમુખ તરીકે હીરાભાઈ રામાભાઈ બારિયા, કારોબારી ચેરમેન તરીકે શૈલેષકુમાર ગજાનંદ પંડયા, પક્ષના નેતા તરીકે મધુબેન ભારતસિંહ પરમાર અને દંડક તરીકે શીતલબેન બાબુભાઈ બારિયા નિયુક્ત થયા છે.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની નિકોલ સંગઠન સાથે બેઠક : નવા કાઉન્સિલરોને આપ્યો સેવા અને સુશાસનનો સંદેશ
ખાનપુર તાલુકા પંચાયત સહિત તમામ બેઠકો પર ભાજપનો કબજો
ખાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કલ્પેશકુમાર પ્રતાપભાઈ ખાંટની વરણી કરવામાં આવી છે. સીમાબેન અરવિંદભાઈ કટારા ઉપપ્રમુખ બન્યા છે જ્યારે મનહરભાઈ સોમાભાઈ પટેલને કારોબારી ચેરમેન તરીકે જવાબદારી આપવામાં આવી છે. પક્ષના નેતા તરીકે નયનાબેન નરેશભાઈ મછાર અને દંડક તરીકે દલાભાઈ મનોરભાઈ તાભીયારની પસંદગી થઈ છે.
આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બાદ મહીસાગર જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બન્યું હોવાનું રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપે સતત પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને આ પરિણામો તેને વધુ બળ આપનારા માનવામાં આવી રહ્યા છે.
જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ તમામ ચૂંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપની વિકાસયાત્રાને વધુ ગતિ આપશે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને ઘર-ઘર સુધી પહોંચાડવાનું કાર્ય વધુ અસરકારક રીતે કરશે. તેમણે કહ્યું કે તાલુકા પંચાયત સ્તરે વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપીને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં આવશે.
મહીસાગર જિલ્લામાં ભાજપના આ એકતરફી પ્રભુત્વને આગામી સ્થાનિક રાજકારણ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. સ્થાનિક સંગઠન, ચૂંટણી વ્યવસ્થાપન અને આંતરિક એકતાના આધારે ભાજપે ફરી એકવાર જિલ્લાની રાજકીય દિશા પોતાના પક્ષમાં રાખવામાં સફળતા મેળવી છે.





