Vaibhav Suryavanshi : IPL 2026 માં સોમવારે રમાયેલી મેચમાં મેદાન પર ક્રિકેટના રોમાંચની સાથે સાથે સ્ટેન્ડમાં રહેલા માલિકોના રિએક્શન પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની ટક્કરમાં 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની વિકેટ એવી રીતે પડી કે હૈદરાબાદની માલિક કાવ્યા મારનની ખુશીનો પાર રહ્યો નહીં.
વૈભવનો ખૌફ અને કાવ્યાનું રિએક્શન
15 વર્ષીય બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશી આ સિઝનમાં વિરોધી ટીમો માટે આતંક બની ગયો છે. હૈદરાબાદ સામેની મેચમાં જ્યારે પ્રફુલ હિંગેના બોલ પર વૈભવે શોટ માર્યો અને બોલ હવામાં ગયો, ત્યારે કાવ્યા મારન પોતાની સીટ પરથી ઉભી થઈ ગઈ હતી. બોલ હવામાં હતો ત્યાં સુધી તેનું મોં ખુલ્લું રહી ગયું હતું અને તે મનોમન પ્રાર્થના કરી રહી હતી કે, કેચ છૂટી ન જાય. જેવો સલિલ અરોરાએ કેચ પકડ્યો, કાવ્યા ખુશીથી નાચવા લાગી હતી.
મેચનો ટૂંકો અહેવાલ
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતાં 216 રન બનાવ્યા હતા. કેપ્ટન ઈશાન કિશને 91 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદે આ મેચ 57 રનથી જીતી લીધી હતી.
આ પણ ખાસ વાંચો : એક જ મેચમાં IPL સ્ટાર બન્યો પ્રફુલ હિંગે! : ‘પહેલા જ બોલે આઉટ કરીશ...’, વૈભવની વિકેટ પર આપ્યું મોટું નિવેદન
નવા ખેલાડીઓનો કમાલ
હૈદરાબાદની જીતમાં ડેબ્યુ કરનારા ખેલાડીઓ પ્રફુલ હિંગે અને સાકિબ હુસૈને મહત્વની ભૂમિકા ભજવી હતી. હિંગેએ પહેલી જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને રાજસ્થાનની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી નાખી હતી. બીજી તરફ સાકિબ હુસૈને પણ 4 ઓવરમાં માત્ર 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
આ પણ ખાસ વાંચો : ભારતીય સેનામાં જોડાવાનું હતું સપનું, પણ બની ગયો ક્રિકેટર! : માતાએ ઘરેણાં વેચ્યા અને દીકરાએ IPL માં રચ્યો ઇતિહાસ
રાજસ્થાનની વિજયકૂચ અટકી
રિયાન પરાગની કેપ્ટન્સીમાં અત્યાર સુધી અપરાજિત રહેલી રાજસ્થાન રોયલ્સની આ સિઝનની આ પહેલી હાર છે. વૈભવ સૂર્યવંશી પહેલા જ બોલે શૂન્ય રને આઉટ થતાં ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી અને અંતે હૈદરાબાદે આસાન જીત મેળવી આ સિઝનમાં પોતાની બીજી જીત નોંધાવી હતી.





