GT vs RR : IPL 2026 ની શરૂઆતમાં હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આ સીઝનની 9 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જોરદાર મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ 4 એપ્રિલ, શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ક્રિકેટ રસિયાઓ આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
સમય અને ટિકિટની વિગત
ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જો તમે સ્ટેડિયમમાં બેસીને મેચ જોવા ઈચ્છો છો, તો ટિકિટ BookMyShow પર ઉપલબ્ધ છે. ટિકિટના ભાવ 1,000 રૂપિયાથી શરૂ થઈને 25,000 રૂપિયા સુધીના રાખવામાં આવ્યા છે. 2 વર્ષથી ઉપરના બાળકો માટે પણ ટિકિટ લેવી ફરજિયાત છે.
ટીમની જૂની હરીફાઈ
ગુજરાત ટાઇટન્સ પોતાની પાંચમી સીઝન રમી રહી છે અને અત્યાર સુધીમાં રાજસ્થાન રોયલ્સ સાથે તેમની હરીફાઈ ખૂબ જ રસપ્રદ રહી છે. 2022 ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું, જ્યારે 2023 માં રાજસ્થાન રોયલ્સે શાનદાર વાપસી કરી હતી.
આમને-સામને આંકડા
અત્યાર સુધી બંને ટીમો કુલ 8 વખત સામસામે ટકરાઈ છે. જેમાં ગુજરાત ટાઇટન્સનો દબદબો જોવા મળ્યો છે, ગુજરાતે 6 મેચ જીતી છે જ્યારે રાજસ્થાન રોયલ્સે 2 મેચમાં જીત મેળવી છે. ગયા વર્ષે જયપુરમાં રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશીએ માત્ર 38 બોલમાં 101 રન ફટકારીને રાજસ્થાનને જીત અપાવી હતી.
આ પણ ખાસ વાંચો : 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પર RR ને હતો અતૂટ વિશ્વાસ! : IPL ઓક્શન પર RR ટીમનો મોટો ખુલાસો
વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1,32,000 ની ક્ષમતા સાથે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ મેદાન પર અગાઉ 2023 વનડે વર્લ્ડ કપ અને 2026 T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચો પણ રમાઈ ચૂકી છે, જે તેને ઐતિહાસિક બનાવે છે.
આગામી મેચ
અમદાવાદમાં મેચ રમ્યા બાદ રાજસ્થાન રોયલ્સની ટીમ ગુવાહાટી જશે. ત્યાં 7 એપ્રિલના રોજ તેમનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. રાજસ્થાનની હોમ મેચોની ટિકિટ તેમના ઓફિશિયલ પાર્ટનર 'ડિસ્ટ્રિક્ટ' પરથી મેળવી શકાશે.





