MS Dhoni : T20 વર્લ્ડ કપ 2026 ના રોમાંચ બાદ હવે આખું ભારત IPL 2026 ના રંગમાં રંગાઈ જવા તૈયાર છે. આજે ટુર્નામેન્ટની પ્રથમ મેચ RCB અને SRH વચ્ચે રમાવાની છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે ચેન્નઈ સુપર કિંગ્સના કેમ્પમાંથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી MS ધોની ઈજાના કારણે શરૂઆતની મેચોમાં રમી શકશે નહીં.
ચેન્નઈ સુપર કિંગ્સના સોશિયલ મીડિયા પર જાહેરાત
ચેન્નઈ સુપર કિંગ્સે 28 માર્ચે સોશિયલ મીડિયા પર એક સત્તાવાર પોસ્ટ શેર કરીને ફેન્સને આ જાણકારી આપી છે. CSK ના જણાવ્યા અનુસાર, ધોની અત્યારે 'calf strain' (પિંડીના સ્નાયુ ખેંચાવા) ની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ડોક્ટરોએ તેને ગંભીરતાથી લેતા ધોનીને આગામી બે સપ્તાહ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે.
થાલા કઈ મેચો ગુમાવશે?
ધોનીને બે સપ્તાહનો આરામ આપવામાં આવ્યો હોવાથી તે ટુર્નામેન્ટના પ્રથમ 14 દિવસમાં રમાનારી 3 મહત્વની મેચોમાં જોવા મળશે નહીં. જેમાં 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ, 3 એપ્રિલે હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ સામેની ટક્કર અને 5 એપ્રિલે બેંગલુરુ સામે રમાનારી હાઈ-વોલ્ટેજ મેચનો સમાવેશ થાય છે. આ ત્રણ મોટી મેચોમાં CSK એ ધોની વગર મેદાનમાં ઉતરવું પડશે.
આ પણ ખાસ વાંચો : IPL 2026; 4 એપ્રિલે અમદાવાદમાં જામશે હાઇ-વોલ્ટેજ મેચ! : સ્ટેડિયમમાં જઈને માણો IPL નો રોમાંચ, જાણો ટિકિટના ભાવ
ક્યારે કરશે કમબેક?
ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના સમાચાર એ છે કે, એમ. એસ ધોની સંપૂર્ણ ટુર્નામેન્ટમાંથી બહાર થયો નથી. અત્યારની મેડિકલ સ્થિતિ જોતાં એવી આશા રાખવામાં આવી રહી છે કે, ધોની 11 એપ્રિલના રોજ દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં મેદાન પર પરત ફરી શકે છે. જોકે, ત્યાં સુધી તેની ગેરહાજરીમાં વિકેટકીપિંગ અને મિડલ ઓર્ડરમાં ફિનિશરની જવાબદારી કોણ સંભાળશે તે CSK માટે મોટો પડકાર રહેશે.





