Chinese CCTV Ban India: ભારતમાં સુરક્ષાને લઈને કેન્દ્ર સરકાર આગામી સમયમાં એક અત્યંત કડક નિર્ણય લેવા જઈ રહી છે. દેશની આંતરિક સુરક્ષા અને ડેટા પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને 1 એપ્રિલથી અસુરક્ષિત અને સર્ટિફિકેશન વગરના ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર પ્રતિબંધ મુકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને Hikvision, Dahua અને TP-Link જેવી જાણીતી ચાઈનીઝ બ્રાન્ડ્સ સરકારના રડારમાં છે. રિપોર્ટ્સ મુજબ, આ કંપનીઓના કેમેરા અને સોફ્ટવેર ભારતીય નાગરિકોની અંગત માહિતી અને દેશની સુરક્ષા માટે ગંભીર ખતરો સાબિત થઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી એવી ફરિયાદો ઉઠી રહી છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતા મોટાભાગના CCTV કેમેરા ઈન્ટરનેટ દ્વારા વિદેશી સર્વરો સાથે જોડાયેલા હોય છે. જો આ સર્વર સુરક્ષિત ન હોય, તો તમારી અંગત પળો કે ઓફિસની ગુપ્ત માહિતી દુશ્મન દેશોના હાથમાં પહોંચી શકે છે. આ જોખમને જોતા સરકારે હવે દરેક કેમેરાનું કડક ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન ફરજિયાત બનાવવાનું નક્કી કર્યું છે, જેથી ચીન જેવા દેશો દ્વારા થતી જાસૂસીને રોકી શકાય.
પાકિસ્તાનની ISI સુધી પહોંચી રહી હતી ભારતીય CCTV ફીડ્સ!
થોડા સમય પહેલા એક ચોંકાવનારો ખુલાસો થયો હતો કે દેશના અનેક રેલવે સ્ટેશનો પર લાગેલા CCTV કેમેરાની લાઈવ ફીડ્સ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI સુધી પહોંચી રહી હતી. આ ઘટના બાદ ભારતીય સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી હતી. સરકારે તાત્કાલિક અસરથી તમામ સરકારી કચેરીઓને આદેશ આપ્યો હતો કે હવેથી માત્ર એવા જ કેમેરા ખરીદવા જે સંપૂર્ણપણે સુરક્ષિત અને પ્રમાણિત હોય. 1 એપ્રિલથી આ નિયમો વધુ કડક બનાવીને સામાન્ય બજારમાં પણ તેનો અમલ કરવામાં આવશે.
આ પણ વાંચો: 1 એપ્રિલથી હાઈવે પર મુસાફરી થશે મોંઘી : ગુજરાતના ટોલ ટેક્સના દરોમાં વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે
તમારા ઘર કે ઓફિસમાં લાગેલા કેમેરા કેટલા સુરક્ષિત?
આજે મોટાભાગના લોકો ઘર કે દુકાનની સુરક્ષા માટે સસ્તા ચાઈનીઝ કેમેરા લગાવે છે, જે મોબાઈલ એપ દ્વારા ઓપરેટ થાય છે. આ કેમેરા કંપનીના સર્વર સાથે કનેક્ટ હોય છે. જો કેમેરાનું સોફ્ટવેર કે સર્વર સિક્યોર ન હોય, તો હેકર્સ સરળતાથી તમારા વીડિયો જોઈ શકે છે. નવા નિયમો હેઠળ, હવે કેમેરાના હાર્ડવેરની સાથે સાથે સોફ્ટવેર અને ડેટા સિક્યુરિટીની પણ તપાસ કરવામાં આવશે. જે કેમેરા આ ટેસ્ટમાં ફેઈલ જશે, તેના વેચાણ પર ભારતમાં કાયમી પ્રતિબંધ લાગી શકે છે.
કેમેરાના ભાવ વધશે પણ સુરક્ષાની ગેરંટી મળશે
સરકારના આ નિર્ણયની સીધી અસર બજાર પર જોવા મળશે. સસ્તા અને ગુણવત્તા વગરના ચાઈનીઝ કેમેરા માર્કેટમાંથી હટતા CCTVની કિંમતોમાં થોડો વધારો થઈ શકે છે. જોકે, બીજી તરફ આ નિર્ણય ભારતીય કંપનીઓ માટે મોટી તક લઈને આવશે. ભારતીય સ્ટાર્ટઅપ્સ હવે વધુ સુરક્ષિત અને ભરોસાપાત્ર 'મેક ઇન ઇન્ડિયા' કેમેરા બજારમાં ઉતારશે. નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો જૂના કેમેરા વાપરે છે, તેમણે તાત્કાલિક તેના પાસવર્ડ બદલવા જોઈએ અને સોફ્ટવેર અપડેટ રાખવું જોઈએ.
આ પણ વાંચો: નોકરી કરતા ટેક્સપેયર્સને મોટો ઝટકો : 1 એપ્રિલ 2026થી બંધ થઈ જશે Form-16! આ નવું ફોર્મ નક્કી કરશે તમારો ટેક્સ
સાયબર વોર: કેમેરા બની શકે છે સોફ્ટ ટાર્ગેટ
વર્તમાન સમયમાં યુદ્ધ માત્ર સરહદો પર જ નથી ખેલાતું, પરંતુ સાયબર વોર પણ તેટલું જ ખતરનાક છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં જોવા મળ્યું છે કે હેકર્સ CCTV કેમેરા હેક કરીને લોકોને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં પણ જાહેર સ્થળોએ લાગેલા કેમેરા જો હેક થાય, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેથી જ સરકાર હવે દેશના તમામ જાહેર સ્થળો પર લાગેલા કેમેરાનું 'સિક્યુરિટી ઓડિટ' કરાવવાની દિશામાં વિચારી રહી છે.





