Toll tax hike Gujarat: નવા નાણાકીય વર્ષની શરૂઆત સામાન્ય જનતા માટે મોંઘવારીનો ફટકો લઈને આવી રહી છે. 1 એપ્રિલથી દેશભરના નેશનલ હાઈવે અને એક્સપ્રેસ-વે પર મુસાફરી કરવી મોંઘી બનશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ટોલ ટેક્સના દરોમાં સરેરાશ 3 થી 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પણ વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે સહિતના મહત્વના હાઈવે પર વાહનચાલકોએ હવે ખિસ્સા વધુ ઢીલા કરવા પડશે.
રાજ્યના વિવિધ ટોલ પ્લાઝા પર વાહનના પ્રકાર મુજબ 5 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા કોમર્શિયલ વાહનો પર આની સીધી અસર જોવા મળશે. નોંધનીય છે કે દર વર્ષે ફુગાવાના દરને આધારે ટોલ ટેક્સમાં ફેરફાર કરવામાં આવતો હોય છે, જેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે.
કેશ પેમેન્ટ ભૂલી જજો: હવે માત્ર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન
નવા નિયમો મુજબ, હવે ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવાની દિશામાં પગલાં લેવાઈ રહ્યા છે. 1 એપ્રિલથી ટોલ નાકા પર રોકડ રકમ સ્વીકારવામાં આવશે નહીં. વાહનચાલકોએ ફરજિયાતપણે FASTag અથવા UPI દ્વારા જ પેમેન્ટ કરવાનું રહેશે. ડિજિટલ ઇન્ડિયાના અભિયાન હેઠળ તમામ ટોલ પ્લાઝાને 100% ઓનલાઈન બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો: નોકરી કરતા ટેક્સપેયર્સને મોટો ઝટકો : 1 એપ્રિલ 2026થી બંધ થઈ જશે Form-16! આ નવું ફોર્મ નક્કી કરશે તમારો ટેક્સ
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ-વે: નવા દરની યાદી
અમદાવાદ અને વડોદરા વચ્ચે મુસાફરી કરતા લાખો વાહનચાલકો માટે નીચે મુજબના નવા દરો લાગુ થશે:
કાર-જીપ: 140 થી વધીને 145 રૂપિયા
એલસીવી (LCV) / મિની બસ: 235 રૂપિયા
બસ અને ટ્રક: 490 રૂપિયા
અન્ય મહત્વના રૂટ:
વડોદરાથી ઔડા રિંગ રોડ: કાર માટે 140, મિની બસ માટે 225 અને ટ્રક માટે 470 રૂપિયા.
વડોદરાથી નડિયાદ: કાર માટે 75 રૂપિયા (યથાવત), મિની બસ 125 અને ટ્રક 260 રૂપિયા.
વડોદરાથી આણંદ: કાર માટે 55 રૂપિયા (યથાવત), મિની બસ 85 અને ટ્રક 185 રૂપિયા.
નેશનલ હાઈવે 48 (ખેડા-વાસદ-ભરથાણા) પર વધારો
NH-48 પર આવતા ટોલ પ્લાઝા પર પણ ભાવ વધારો લાગુ કરાયો છે. ખાસ કરીને કરજણ પાસે આવેલું ભરથાણા ટોલ પ્લાઝા, જે દેશના સૌથી વધુ કમાણી કરતા પ્લાઝામાંનું એક છે, ત્યાં પણ દરોમાં ફેરફાર થયો છે.
વાહનનો પ્રકાર | જૂનો ભાવ (રૂ.) | નવો ભાવ (રૂ.) |
કાર / જીપ | 155 | 155 (યથાવત) |
મિની બસ / LCV | 250 | 255 |
ટ્રક / બસ | 520 | 530 |
થ્રી એક્સેલ વાહન | 565 | 580 |
4 થી 6 એક્સેલ | 815 | 835 |
નોંધ: ભરથાણા ખાતે કાર અને જીપના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી, જે રાહતની વાત છે.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે (NE4) પર પણ ખર્ચ વધશે
નવી દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પર વડોદરાથી ગણદેવા સુધીના પેચમાં પણ મુસાફરી મોંઘી થશે. આ રૂટ પર આવતા દોડકા, ફાજલપુર, સમિયાલા, સાંપા, દેહગામ, મોટીનરોલી અને એના ટોલ પ્લાઝા પર વાહનચાલકોએ વાહનના પ્રકાર મુજબ 5 થી 20 રૂપિયા વધુ ચૂકવવા પડશે.





