ગુજરાતમાં ઉનાળાએ હવે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. હાલ ગુજરાતની આસપાસ એકસાથે ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફથી ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન સતત ઊંચું નોંધાઈ રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 14 મે સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ યથાવત રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે ગરમીના આ તીવ્ર તબક્કા બાદ રાજ્યમાં થોડું રાહતજનક વાતાવરણ સર્જાઈ શકે છે. વિભાગના અંદાજ પ્રમાણે આગામી ત્રણ દિવસ પછી તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.
ત્રણ હવામાન સિસ્ટમથી વધ્યો ગરમીનો પ્રભાવ
હવામાન વિભાગ અનુસાર, હાલમાં પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિલોમીટર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર 1.5 કિલોમીટર ઊંચાઈ સુધી બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન કાર્યરત છે. ત્રીજી સિસ્ટમ ઉત્તર પાકિસ્તાન વિસ્તારમાં 3.1 કિલોમીટર સુધી સક્રિય હોવાનું જણાવાયું છે.
આ ત્રણેય સિનોપ્ટિક સિસ્ટમના સંયુક્ત પ્રભાવને કારણે ગુજરાત તરફ ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે 12થી 18 મે દરમિયાન રાજ્યમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં જોવા મળે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે.
ગુજરાતમાં ગરમી જીવલેણ બની!: આ જિલ્લામાં હીટસ્ટ્રોકથી બેના મોતે તંત્રને દોડતું કર્યું, જાણો બચવાના ઉપાયો
12 જિલ્લામાં હીટવેવનું એલર્ટ જાહેર
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે.
12 મે માટે કચ્છ, સુરેન્દ્રનગર અને સુરત જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, વડોદરા, રાજકોટ, બોટાદ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આગામી 13 અને 14 મે દરમિયાન પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે કચ્છ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં ફરી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, રાજકોટ, બોટાદ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.
55 વર્ષ વટાવેલા અને બિનકાર્યક્ષમ કર્મચારીઓની હવે ખેર નથી: સરકારે વિભાગો પાસે મંગાવી યાદી, આ 11 મુદ્દાના આધારે લેવાશે એક્શન
સુરેન્દ્રનગર સૌથી વધુ તપ્યું
રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યાં પારો 45.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. આ સિવાય ગાંધીનગર એરપોર્ટ વિસ્તારમાં 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં 44.3 ડિગ્રી અને ગાંધીનગર શહેરમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો બપોર દરમિયાન રસ્તાઓ પર નીકળવાનું ટાળી રહ્યા છે. સુરતમાં 42.2 ડિગ્રી, કેશોદમાં 41.4 ડિગ્રી અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં 38 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારોમાં દબાણ વધુ હોવાથી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે આ પવનો ગરમીમાં ખાસ રાહત આપશે તેવી શક્યતા ઓછી છે.
સુરતમાં ગરમીના કારણે 28 વર્ષીય યુવકનું મોત!: "હજુ પણ વધશે ગરમી..." અંબાલાલ પટેલે કરી 'માથું ફાડતી' આગાહી
હીટવેવથી બચવા તંત્રની સલાહ
વધતી ગરમી વચ્ચે આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા નાગરિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને બપોરના 12 થી 4 વાગ્યા દરમિયાન બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને સીધા સૂર્યપ્રકાશથી બચવા સૂચના આપવામાં આવી છે.
ડોક્ટરોનું કહેવું છે કે હીટસ્ટ્રોક, ડિહાઇડ્રેશન અને થાક જેવી સમસ્યાઓ વધવાની શક્યતા હોવાથી બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો માટે ખાસ કાળજી રાખવી જરૂરી છે. બહાર કામ કરતા મજૂરો અને ટ્રાફિક પોલીસ જેવા કર્મચારીઓને પણ નિયમિત આરામ અને પાણી લેવાની સલાહ આપવામાં આવી છે.





