ગાંધીનગર: ગુજરાત સરકાર વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે મક્કમ બની છે. રાજ્ય સરકારે હવે એવા કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે જેઓ વયમર્યાદાના આરે છે પરંતુ તેમની કામગીરી સંતોષજનક નથી. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા એક તાજેતરના પરિપત્ર મુજબ, જે કર્મચારીઓએ 55 વર્ષની વય પૂર્ણ કરી હોય અને ફરજ પ્રત્યે બેદરકાર અથવા બિનકાર્યક્ષમ સાબિત થયા હોય, તેમને સમય પૂર્વે નિવૃત્ત કરી 'ઘરભેગા' કરવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ માટે તમામ વિભાગો પાસેથી 11 મુદ્દાઓને આધારે વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે.
સરકારના આ કડક વલણને કારણે સચિવાલયથી લઈને જિલ્લા કચેરીઓ સુધીના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ સરકારી કામકાજમાં આવતી શિથિલતા દૂર કરવાનો અને યુવા તેમજ ઉત્સાહી વહીવટી તંત્રનું નિર્માણ કરવાનો છે. જો સમીક્ષા દરમિયાન કોઈ કર્મચારી સામે શિસ્તભંગના ગંભીર કેસ જણાશે અથવા તેનો સેવા રેકોર્ડ ખરાબ હશે, તો તેને ફરજિયાત નિવૃત્તિ (Compulsory Retirement) આપી 'પાણીચું' પકડાવી દેવામાં આવશે.
55 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓનું થશે સ્ક્રિનિંગ
હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, રાજ્યના ગ્રુપ-1 થી ગ્રુપ-4 સુધીના તમામ કેડરના કર્મચારીઓની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ખાસ કરીને એવા કર્મચારીઓ જેઓ 1 ઓક્ટોબર 2026 થી 31 ડિસેમ્બર 2026 દરમિયાન 55 વર્ષની વય પૂરી કરી રહ્યા છે, તેમના રેકોર્ડની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. સરકાર આવા કર્મચારીઓના છેલ્લા 10 વર્ષના ગુપ્ત અહેવાલો (ACR) અને તેમની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરશે.
આ પણ વાંચો: ભારતમાં 4-Day Work Week આવશે? : નવા લેબર કોડને લઈને વધી ચર્ચા
આ 11 મુદ્દાઓના આધારે લેવાશે એક્શન
સરકારે કર્મચારીઓની સમીક્ષા કરવા માટે ચોક્કસ 11 માપદંડો નક્કી કર્યા છે. જેમાં મુખ્યત્વે નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
કર્મચારીનું નામ/હોદ્દો
કર્મચારીની જન્મ તારીખ
કર્મચારીના છેલ્લા 10 વર્ષના ખાનગી મૂલ્યાંકન અહેવાલની ગુણકક્ષા
કર્મચારીના ખાનગી અહેવાલમાં જો વિરુદ્ધ નોંધ હોય તો તેની વિગત
કર્મચારીની છેલ્લા 10 વર્ષમાં તબીબી કારણોસરની લાંબી બિમારી રજા પરની વિગત
કર્મચારીની અન્ય અનધિકૃત ગેરહાજરીની વિગત અન્યથા સદર બાબતનું પ્રમાણપત્ર
કર્મચારીની ફરજમોકૂફીની વિગત
કર્મચારીની સામે આજની તારીખે કોઈ કોર્ટ કેસ સહિત ચાલુ/સૂચિત/કે પડતર ખાતાકીય તપારાની વિગત તેમજ જો એસીબી કેસ હોય તો તેની વિગત અન્યથા સદર બાબતનું પ્રમાણપત્ર
કામગીરી સંતોષકારક હોવાનું પ્રમાણપત્ર
કર્મચારી નોકરી કરવા માટે શારીરિક/માનસિક રીતે સક્ષમ છે કે કેમ?
કર્મચારીને 55 વર્ષ પછી નોકરીમાં ચાલુ રાખવા કે કેમ? તે અંગે કચેરીના વડાનો સ્પષ્ટ અભિપ્રાય
આ પણ વાંચો: અમદાવાદમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો : આદિત્ય રાઠોડ ઝડપાયો, 2 આરોપી ફરાર
30 મે સુધીમાં તમામ વિભાગોએ આપવો પડશે રિપોર્ટ
રાજ્ય સરકારે તમામ ખાતાના વડાઓ અને વિભાગોને કડક સૂચના આપી છે કે 55 વર્ષ વટાવેલા કર્મચારીઓની માહિતી 30 મે 2026 સુધીમાં સબમિટ કરી દેવી. આ માહિતી મળ્યા બાદ ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા તેની સમીક્ષા કરવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે વહીવટી તંત્રમાં માત્ર સક્રિય અને પ્રામાણિક કર્મચારીઓ જ રહે, જ્યારે બિનઉત્પાદક કર્મચારીઓને વહેલી નિવૃત્તિ આપી તંત્ર પરનો બોજ ઓછો કરવામાં આવે.





