ભારતમાં નવા લેબર કોડ્સને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. સોશિયલ મીડિયા હોય કે કોર્પોરેટ ઓફિસો, દરેક જગ્યાએ એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું હવે ભારતમાં પણ 4-Day Work Week અમલમાં આવશે? એટલે કે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ અને 3 દિવસ રજા મળશે? નવા શ્રમ કાયદાઓ હેઠળ સરકાર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે, જે કર્મચારીઓના કામના કલાકો, ઓવરટાઇમ, પગાર અને રજાઓ પર સીધી અસર કરી શકે છે.
કેન્દ્ર સરકારે જૂના 29 શ્રમ કાયદાઓને એકીકૃત કરીને 4 નવા લેબર કોડ તૈયાર કર્યા છે. તેમાં વેતન, સામાજિક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને કામકાજની પરિસ્થિતિઓ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે. જોકે આ કોડ્સને લઈને હજી તમામ રાજ્યોમાં સંપૂર્ણ અમલ પ્રક્રિયા બાકી છે, છતાં તેમાં સમાવાયેલા નિયમોને લઈને કર્મચારીઓ અને કંપનીઓ બંનેમાં ઉત્સુકતા વધી રહી છે.
શું ખરેખર માત્ર 4 દિવસ કામ કરવું પડશે?
નવા લેબર કોડ્સ હેઠળ કંપનીઓને 4-Day Work Week અપનાવવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એટલે કે કોઈ કંપની ઇચ્છે તો કર્મચારીઓ માટે અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસ રજાની વ્યવસ્થા અમલમાં મૂકી શકે છે. પરંતુ આ નિયમ ફરજિયાત નહીં હોય. દરેક કંપની માટે તેને લાગુ કરવું જરૂરી નથી.
અહીં મહત્વની વાત એ છે કે કામના કુલ કલાકોમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. હાલની જેમ જ અઠવાડિયામાં કુલ 48 કલાક કામ કરવાનું રહેશે. જો કંપની 4 દિવસીય વર્ક વીક પસંદ કરે, તો કર્મચારીઓને દરરોજ લગભગ 12 કલાક સુધી કામ કરવું પડી શકે છે. તેમાં બ્રેક સમયનો પણ સમાવેશ થાય છે.
જો કોઈ કંપની પરંપરાગત 5 દિવસીય વર્ક મોડલ જાળવી રાખે, તો દૈનિક કામના કલાકો ઓછા રહેશે. એટલે કે લાંબી રજાનો લાભ મેળવવા માટે કર્મચારીઓને લાંબા સમય સુધી કામ કરવું પડી શકે છે.
ઓવરટાઇમ માટે ડબલ પેમેન્ટનો નિયમ
નવા લેબર કોડ્સમાં ઓવરટાઇમને લઈને પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. કર્મચારીઓ પાસેથી નિર્ધારિત સમય કરતાં વધુ કામ લેવાય તો કંપનીઓએ ડબલ દરે ઓવરટાઇમ ચૂકવવો પડશે.
સરળ ભાષામાં કહીએ તો જો કોઈ કર્મચારી 1 કલાક વધારાનું કામ કરે છે, તો તેને 2 કલાકના દરે ચૂકવણી મળશે. આ ગણતરી બેઝિક સેલેરી અને ડીયરનેસ એલાઉન્સ (DA)ના આધારે કરવામાં આવશે.
નવા નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી શિફ્ટ પૂર્ણ થયા પછી 15થી 30 મિનિટ સુધી વધારાનું કામ કરે છે, તો તેને અડધા કલાકનો ઓવરટાઇમ ગણાશે. જ્યારે 30 મિનિટથી વધુ વધારાનું કામ થાય, ત્યારે તેને સંપૂર્ણ 1 કલાકના ઓવરટાઇમ તરીકે ગણવામાં આવશે.
અત્યાર સુધી ઘણી કંપનીઓ ટૂંકા સમયના વધારાના કામને અવગણતી હોવાના આક્ષેપો થતા રહ્યા છે. નવા નિયમો લાગુ થયા બાદ આવી પ્રથા ગેરકાનૂની ગણાઈ શકે છે.
કેટલો ઓવરટાઇમ કરાવી શકશે કંપની?
કર્મચારીઓના આરોગ્ય અને કામ-જીવન સંતુલનને ધ્યાનમાં રાખીને સરકારે ઓવરટાઇમની મર્યાદા પણ નક્કી કરી છે.
નિયમો મુજબ:
કોઈ પણ કર્મચારી પાસેથી ઓવરટાઇમ વગર અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ લેવાઈ શકશે નહીં.
ઓવરટાઇમ સહિત પણ દિવસના કુલ કામના કલાકો 12 થી વધુ ન હોવા જોઈએ.
એક ત્રિમાસિક ગાળામાં (3 મહિના) મહત્તમ 125 થી 144 કલાક સુધી જ ઓવરટાઇમ કરાવી શકાશે.
અલગ-અલગ રાજ્યોના નિયમો અનુસાર આ મર્યાદામાં થોડો ફેરફાર થઈ શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આ નિયમો કર્મચારીઓના શોષણને રોકવા અને વધુ પારદર્શિતા લાવવા માટે બનાવવામાં આવ્યા છે.
નૌકરી છોડ્યા પછી ઝડપથી મળશે બાકી રકમ
નવા લેબર કોડ્સમાં કર્મચારીઓ માટે વધુ એક મોટી રાહતની જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ કર્મચારી નોકરી છોડે, રાજીનામું આપે અથવા કંપની દ્વારા દૂર કરવામાં આવે, તો કંપનીએ 2 વર્કિંગ ડેઝની અંદર તેનું ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ પૂર્ણ કરવું પડશે.
આ સેટલમેન્ટમાં બાકી રહેલો પગાર, ઓવરટાઇમની રકમ અને અન્ય ભથ્થાંનો સમાવેશ થશે. અત્યાર સુધી ઘણી કંપનીઓ મહિનાઓ સુધી કર્મચારીઓની બાકી ચૂકવણી અટકાવતી હોવાની ફરિયાદો સામે આવતી રહી છે. નવા નિયમો લાગુ થયા બાદ આવી વિલંબિત પ્રક્રિયાઓ પર નિયંત્રણ આવી શકે છે.
નવા લેબર કોડ્સ પાછળ સરકારનો ઉદ્દેશ શું છે?
કેન્દ્ર સરકારનું કહેવું છે કે નવા શ્રમ કાયદાઓનો મુખ્ય ઉદ્દેશ દેશના કામકાજના માહોલને વધુ આધુનિક અને પારદર્શક બનાવવાનો છે. કર્મચારીઓને તેમના અધિકારો અંગે વધુ જાગૃત બનાવવાની સાથે કંપનીઓ માટે પણ સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે.
સાથે જ, સરકાર કામ અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન લાવવા, ડિજિટલ વર્ક કલ્ચર સાથે સુસંગત નીતિઓ બનાવવા અને કર્મચારીઓના કલ્યાણને મજબૂત બનાવવા પર ભાર મૂકી રહી છે.
હાલ, નવા લેબર કોડ્સને લઈને અનેક રાજ્યોમાં નિયમોની પ્રક્રિયા ચાલુ છે. એટલે 4-Day Work Week સહિતના નિયમો ક્યારે અને કેવી રીતે અમલમાં આવશે તે રાજ્ય અને કંપનીની નીતિ પર આધાર રાખશે.





