વડોદરા શહેરમાં શિક્ષણ ક્ષેત્રે ઝડપથી વધતી ‘ડમી સ્કૂલ’ પ્રથાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરની અગ્રણી સંસ્થા વડોદરા એકેડેમિક એસોસિએશને આ મુદ્દે સક્રિય ભૂમિકા ભજવી જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ને સત્તાવાર આવેદનપત્ર પાઠવ્યું છે. આ આવેદનમાં શાળાઓ અને ખાનગી કોચિંગ ક્લાસીસ વચ્ચે ચાલી રહેલી સાંઠગાંઠ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. એસોસિયેશનનું માનવું છે કે આ પ્રવૃત્તિઓને કારણે શિક્ષણ વ્યવસ્થાનો મૂળભૂત હેતુ ખોવાઈ રહ્યો છે અને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ અટકી રહ્યો છે.
આ રજૂઆતમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે શહેરની કેટલીક નોન-ગ્રાન્ટેડ શાળાઓ માત્ર નામમાત્રની હાજરી માટે વિદ્યાર્થીઓને એડમિશન આપે છે જ્યારે વાસ્તવિક શિક્ષણ કોચિંગ સેન્ટરોમાં આપવામાં આવે છે. આ મોડલમાં શાળા માત્ર કાગળ પર સક્રિય રહે છે જ્યારે શિક્ષણ વ્યવહાર સંપૂર્ણપણે ખાનગી સંસ્થાઓના હાથમાં સોંપાઈ જાય છે. આ પ્રણાલી શિક્ષણને માત્ર પરીક્ષાકેન્દ્રિત બનાવી રહી છે જે વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસ માટે હાનિકારક છે.
કાગળ પર શાળા
એસોસિયેશનના પ્રમુખ વિપુલ જોશીએ જણાવ્યું હતું કે હાલના સમયમાં ડમી સ્કૂલનો ટ્રેન્ડ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. વિદ્યાર્થીઓનું નામ શાળામાં નોંધાયેલું હોય છે પરંતુ તેઓ અઠવાડિયામાં એકાદ દિવસ જ શાળામાં હાજરી આપે છે. બાકીનો સમય તેઓ કોચિંગ ક્લાસીસમાં જ વિતાવે છે. પરિણામે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામાજિક વિકાસ જેવા મહત્વના પાસાઓથી તેઓ વંચિત રહી જાય છે. આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં એકપક્ષીય વિકાસ થાય છે, જેમાં માત્ર પુસ્તકીય જ્ઞાનને મહત્વ અપાય છે. શિક્ષણનો હેતુ માત્ર પરીક્ષા પાસ કરવાનો ન રહી, પરંતુ વ્યક્તિગત અને સામાજિક ઘડતર પણ હોવો જોઈએ. તે વાત પર એસોસિયેશને ભાર મૂક્યો છે. આ પરિસ્થિતિમાં શાળાઓની ભૂમિકા માત્ર સર્ટિફિકેટ આપતી સંસ્થાઓ સુધી સીમિત થઈ રહી છે.
વાલીઓનો આર્થિક બોજ અને વિદ્યાર્થીઓનો માનસિક સંકટ
આવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના નામે વાલીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. મધ્યમવર્ગીય પરિવારો માટે આ ખર્ચ મોટો બોજ બની રહ્યો છે. ઘણી વખત વાલીઓ સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આર્થિક રીતે તણાવમાં આવી જાય છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સ્થિતિ સરળ નથી. સતત અભ્યાસ અને સ્પર્ધાના દબાણ હેઠળ તેઓ માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે. કિશોરાવસ્થામાં જ ભારે સ્પર્ધા અને અપેક્ષાઓના ભારને કારણે ડિપ્રેશન, ચિંતા અને થાક જેવી સમસ્યાઓ વધી રહી છે. એસોસિએશને ચેતવણી આપી છે કે જો આ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ નહીં મુકાય તો આવનારી પેઢી માટે આ ગંભીર સામાજિક સમસ્યા બની શકે છે..
આ પણ વાંચો: NEETના 23 લાખ વિદ્યાર્થીઓની હાય લેનારો ઝડપાયો : હેયર સ્ટાઇલ અને લુક બદલીને નાસિકમાં છુપાયો હતો પાપી!
તંત્રને ચીમકી અને કાર્યવાહી માટે દબાણ
વડોદરા એકેડેમિક એસોસિએશને DEO કચેરીને આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવા અને સંકળાયેલા શાળાઓ તથા કોચિંગ સંસ્થાઓ સામે કડક પગલાં લેવા જણાવ્યું છે. સાથે જ આવેદનપત્રની નકલ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગોને પણ મોકલવામાં આવી છે. એસોસિયેશને ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો તેઓ સ્વતંત્ર રીતે પુરાવા એકત્ર કરીને આગળની કાર્યવાહી માટે રજૂ કરશે. આ મુદ્દે હવે શિક્ષણ વિભાગ કેવી રીતે પ્રતિસાદ આપે છે તે જોવાનું રહેશે.
શહેરમાં વધી રહેલી આ પ્રથાને રોકવા માટે નીતિગત ફેરફારો અને કડક અમલ જરૂરી હોવાનું નિષ્ણાતો માને છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો શિક્ષણ ક્ષેત્રે વિશ્વાસ અને ગુણવત્તા બંનેને ભારે નુકસાન પહોંચી શકે છે.





