સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. કાળઝાળ ગરમી અને લૂ (હીટ વેવ)ના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યારે સુરત અને વડોદરામાં ગરમીના કારણે મોતના કિસ્સા સામે આવતા ફફડાટ વ્યાપ્યો છે. સુરતના સચિન GIDC વિસ્તારમાં કામ કરી રહેલા એક પરપ્રાંતીય યુવકનું હીટ સ્ટ્રોકના કારણે મોત નીપજ્યું છે, જ્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં પણ હીટ વેવને કારણે એક વ્યક્તિએ દમ તોડ્યો હોવાનું સામે આવ્યું છે.
સુરત: સચિન GIDCમાં કામ દરમિયાન યુવક ઢળી પડ્યો
સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન GIDCના પાલીગામમાં એક અત્યંત કરૂણ ઘટના બની છે. મૂળ બિહારના ગોપાલનગરનો રહેવાસી અને સુરતમાં નોકરી કરતો આનોશકુમાર વિનુ (ઉંમર અંદાજે 27-28 વર્ષ) બપોરે પોતાના કામમાં વ્યસ્ત હતો. કાળઝાળ ગરમી વચ્ચે કામ કરી રહેલા આનોશકુમારને અચાનક ચક્કર આવ્યા હતા અને તે જમીન પર ઢળી પડ્યો હતો. આસપાસના લોકો અને સહકર્મચારીઓએ તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી અને યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, યુવકનું મોત અતિશય ગરમી એટલે કે 'હીટ સ્ટ્રોક' (Heat Stroke) લાગવાના કારણે થયું છે. યુવાન પુત્રના મોતના સમાચાર મળતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મરનારના સંબંધી કુંદન શાહ જણાવે છે કે,મારો ભાઈ આનોશકુમાર જેની ઉંમર અંદાજે ૨૭-૨૮ વર્ષ હતી, તે સચિન જીઆઈડીસીમાં નોકરી કરતો હતો. બપોરના સમયે કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ગરમીના કારણે તેને ચક્કર આવ્યા અને તે પડી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ ડોક્ટરે કહ્યું કે અતિશય ગરમી (હીટ સ્ટ્રોક) ને કારણે તેનું અવસાન થયું છે. અમે બિહારના રહેવાસી છીએ અને અહીં કમાવવા આવ્યા હતા, પણ ગરમીએ તેને છીનવી લીધો.
વડોદરા: SSG હોસ્પિટલમાં મહિલાનું મોત
વડોદરામાં તાપમાનનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો છે. આકરી ગરમીના કારણે લોકોમાં સામાન્ય ફ્લૂ, ઝાડા-ઊલ્ટી જેવા રોગ પણ જોવા મળી રહ્યા છે. વડોદરાની SSG હોસ્પિટલ ખાતે જનરલ ઓપીડીમાં સામાન્ય વધારો થયો છે. જો કે, હોસ્પિટલ દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. તો શહેરના આજવા રોડ ઉપર રહેતા એક મહિલાને ઘરે ગભરામણ થયા બાદ તેઓનું મોત નીપજ્યું હતું. બીજી તરફ વડોદરામાં પણ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. વડોદરાની જાણીતી SSG હોસ્પિટલમાં ગરમીની ગંભીર અસરોને ધ્યાનમાં રાખીને ખાસ 'હીટસ્ટ્રોક વોર્ડ' શરૂ કરવામાં આવ્યો છે. અહીં ગરમીના કારણે બીમાર પડેલા દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. વડોદરામાં પણ હીટ વેવના કારણે એક વ્યક્તિનું મોત થયાની વિગતો પ્રાપ્ત થઈ છે, જેના પગલે તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
વડોદરાનાં વડસરના ગોચરમાં SMCની રેડ: 40 પેટી દારૂ ઝડપાયો, સ્થાનિક પોલીસ પર ઉઠ્યા સવાલ
તંત્રની અપીલ: હીટ સ્ટ્રોકથી બચવા શું કરવું?
રાજ્યમાં વધી રહેલા તાપમાનને જોતા આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
બપોરે 12 થી 4 વાગ્યા દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવું.
શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સતત પાણી, છાસ અને લીંબુ પાણી જેવા પ્રવાહી લેતા રહેવું.
હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા.
જો ચક્કર આવે, માથું દુખે કે અશક્તિ લાગે તો તાત્કાલિક તબીબી સલાહ લેવી.
ગુજરાતના મુખ્ય શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે ત્યારે આ બંને ઘટનાઓ લાલબત્તી સમાન છે. ખાસ કરીને શ્રમિક વર્ગ જે ખુલ્લામાં કામ કરે છે, તેમના માટે આ ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે.





