સંસ્કારી નગરી વડોદરામાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. શહેરના વડસર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા વિદેશી દારૂના વેચાણ પર સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) દરોડા પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીનાં પગલે માંજલપુર પોલીસની નિષ્ક્રિયતા ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે વડસર ગામના ગોચર વિસ્તારમાં મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને ત્યાં દારૂનો જથ્થો છુપાવવા માટે ગોડાઉનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાતમીના આધારે SMCની ટીમે મોડી રેડ પાડી હતી ગોડાઉનમાંથી આશરે 40 થી 45 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મુખ્ય આરોપીઓ ફરાર
SMCની ટીમ સ્થળ પર પહોંચતા જ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા મુખ્ય આરોપીઓ અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. હાલમાં પોલીસ દ્વારા આ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને આ નેટવર્ક કેટલા સમયથી કાર્યરત હતું તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
માંજલપુર પોલીસ સામે સવાલો
આ સમગ્ર કાર્યવાહીમાં સૌથી મહત્વનો મુદ્દો સ્થાનિક પોલીસની ભૂમિકાનો છે. વડસર વિસ્તાર માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. સ્થાનિક પોલીસના નાકની નીચે આટલી મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોવા છતાં પોલીસ કેમ અજાણ હતી? શું સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આ વ્યવસાય ચાલતો હતો? આવા અનેક સવાલો વડોદરાવાસીઓમાં ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: તાપી નદી ફરી ગોઝારી બની : કાકરાપાર ડેમમાં નહાવા પડેલા 4 આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત
જ્યારે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કોઈ વિસ્તારમાં રેડ કરવામાં આવે છે, ત્યારે તે સીધી રીતે સ્થાનિક પોલીસની નિષ્ફળતા ગણાય છે. હાલમાં આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા માંજલપુર પોલીસની બેદરકારી
અંગે તપાસ કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
વડોદરામાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું જણાય છે. SMCની આ કડક કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, પરંતુ જ્યાં સુધી સ્થાનિક પોલીસ તંત્ર સજાગ નહીં થાય ત્યાં સુધી આવા ગેરકાયદેસર વ્યવસાયો પર લગામ કસવી મુશ્કેલ છે. પોલીસ હવે ફરાર આરોપીઓને ક્યારે ઝડપે છે તે જોવું રહ્યું.





