અમદાવાદના વાસણા વિસ્તારમાં મહિલાના આપઘાતના કેસે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. 15 એપ્રિલે ગીતા રાજપુરોહિત નામની મહિલાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે વાસણા પોલીસે મૃતકના પતિ અને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અર્જુન પુરોહિત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. જોકે ઘટનાના 20 દિવસ બાદ પણ આરોપીની ધરપકડ ન થતા મૃતકનો પિયર પક્ષ અને રાજસ્થાની સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
ન્યાયની માંગ સાથે આજે મોટી સંખ્યામાં લોકો અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. અંદાજે 500 જેટલા લોકો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જેમાં કરણી સેના, રાજસ્થાની સમાજ અને વિવિધ સંગઠનોના સભ્યો સામેલ રહ્યા હતા. કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત પણ કમિશનર કચેરીએ પહોંચતા મામલો વધુ ગરમાયો હતો.
કમિશનર કચેરી બહાર તણાવપૂર્ણ માહોલ
મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા પોલીસ દ્વારા કમિશનર કચેરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનકારીઓ ગેટની બહાર જ બેસી રહ્યા હતા અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજસ્થાનથી પણ અનેક સમાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અમદાવાદ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પરિવારના સભ્યોને શરૂઆતમાં અંદર લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ કમિશનર સાથે સીધી મુલાકાત ન મળતા પરિવારજનોમાં વધુ રોષ ફેલાયો હતો. પરિવારજનોએ ચીમકી આપી હતી કે જો પોલીસ કમિશનર તેમને નહીં મળે તો તેઓ કચેરી બહાર જ અનિશ્ચિત ધરણા પર બેસી જશે.
પોલીસ કમિશનર હાજર ન હોવાથી પરિવારને ઈન્ચાર્જ કમિશનર સમક્ષ રજૂઆત કરવા લઈ જવામાં આવ્યા હતા. જોકે, પરિવાર અને સમાજના આગેવાનો આરોપીની તાત્કાલિક ધરપકડ અને કેસમાં કડક કાર્યવાહી કરવાની માંગ પર અડગ રહ્યા હતા.
અમદાવાદમાં ઝડપાયું 'નકલી' નું કૌભાંડ!: ભેળસેળયુક્ત 2500 કિલો હળદર અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો જપ્ત
“આ આત્મહત્યા નહીં, સુનિયોજિત હત્યા” - પરિવારના ગંભીર આક્ષેપ
મૃતક ગીતા રાજપુરોહિતના પરિવારજનોનો આક્ષેપ છે કે આ માત્ર આત્મહત્યાનો મામલો નથી પરંતુ સુનિયોજિત રીતે હત્યા કરીને તેને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરિવારનું કહેવું છે કે છેલ્લા લાંબા સમયથી ગીતાબેનને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.
પરિવારના જણાવ્યા મુજબ આરોપી પતિ અવારનવાર ઝઘડા કરતો અને મારઝુડ કરતો હતો. વધુમાં તેમના પુત્રની તબિયત અને મેડિકલ રિપોર્ટને લઈને પણ ઘરમાં સતત તણાવ રહેતો હતો. પરિવારનો આક્ષેપ છે કે ઘટના પહેલા ગીતાબેનને ઉંઘની ગોળીઓ આપવામાં આવી હતી, જેના કારણે સમગ્ર ઘટનાને લઈને શંકા વધુ ઘેરી બની છે.
પરિવારજનો છેલ્લા 20 દિવસથી વાસણા પોલીસ સ્ટેશન બહાર ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓ સતત માંગ કરી રહ્યા છે કે કેસમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની જગ્યાએ હત્યાનો ગુનો નોંધવામાં આવે.
રાજકોટમાં ફરી બુલડોઝર એકશન: ભીમનગર વિસ્તારમાં 33 મિલકતો પર ડિમોલેશન
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી ગીતા રાજપુરોહિતના પતિ અર્જુન પુરોહિત સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. પરિવારજનોના આક્ષેપ મુજબ, ગીતા પર લાંબા સમયથી માનસિક અને શારીરિક અત્યાચાર થતો હતો.
ઘટનાના એક દિવસ પહેલા એટલે કે 14 એપ્રિલે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ગીતાબેને એક વીડિયો પોતાના વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો, જે હવે તપાસનો મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે.
ઘટના બાદ મૃતકના ભાઈએ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે અર્જુન પુરોહિત સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો. જોકે હજુ સુધી આરોપીની ધરપકડ ન થતાં પરિવાર અને સમાજમાં પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે.
તાપી નદી ફરી ગોઝારી બની: કાકરાપાર ડેમમાં નહાવા પડેલા 4 આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી કરુણ મોત
તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાની માંગ
મૃતકના પરિવારજનો અને વિરોધ પ્રદર્શનકારીઓની મુખ્ય માંગ છે કે કેસની તપાસ સ્થાનિક પોલીસને બદલે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે. તેઓનો આક્ષેપ છે કે આરોપી પોલીસ કર્મચારી હોવાના કારણે તપાસ પ્રભાવિત થવાની શક્યતા છે.
પરિવારનું કહેવું છે કે જો નિષ્પક્ષ તપાસ નહીં થાય તો તેમને ન્યાય નહીં મળે. બીજી તરફ પોલીસ વિભાગ તરફથી સત્તાવાર રીતે એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે મામલાની તપાસ ચાલી રહી છે અને તમામ પાસાઓની ચકાસણી કરવામાં આવશે.





