Home Gujarat Ahmedabad Ahmedabad Dariyapur Avinash Masala Health Department Raid

અમદાવાદમાં ઝડપાયું 'નકલી' નું કૌભાંડ! : ભેળસેળયુક્ત 2500 કિલો હળદર અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો જપ્ત

નકલી હળદર અને કાજુના જથ્થાના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 12, 2026, 08:35 AM IST

અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ફરી એકવાર ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના દરિયાપુર વિસ્તારના માધુપુરામાં હેલ્થ વિભાગે કરેલી તપાસ દરમિયાન ‘અવિનાશ મસાલા ભંડાર’ નામના ગોડાઉનમાં ભેળસેળયુક્ત હળદર અને કાજુના ટુકડાનો મોટો જથ્થો ઝડપાયો છે. મહત્વની બાબત એ છે કે સંચાલકો પાસે FSSAI અંતર્ગત જરૂરી લાયસન્સ પણ નહોતું, છતાં મોટા પ્રમાણમાં વેચાણ ચાલી રહ્યું હતું.

હેલ્થ વિભાગે સ્થળ પરથી અંદાજે 2500 કિલો હળદર અને 1400 કિલો કાજુના ટુકડાનો જથ્થો કબજે કર્યો છે. જપ્ત કરાયેલા માલની કુલ કિંમત આશરે 9.90 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. પ્રાથમિક તપાસ બાદ સમગ્ર દુકાન અને ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે.

સેમ્પલ રિપોર્ટમાં સામે આવી ગંભીર ભેળસેળ

હેલ્થ ઓફિસર ડૉ. તેજસ શાહે જણાવ્યું કે તારીખ 8ના રોજ ટીમ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન હળદર અને કાજુના ટુકડાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ લેબોરેટરીમાં કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

તેમણે જણાવ્યું કે હળદરના સેમ્પલનો રિપોર્ટ 11મી તારીખે મળ્યો હતો, જેમાં સ્ટાર્ચનું પ્રમાણ નિયમિત મર્યાદા કરતાં ઘણી વધારે, આશરે 84 ટકા સુધી જોવા મળ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે હળદરના નામે વેચાતા પાઉડરમાં ઘઉંનો લોટ અને બેસન એટલે કે ચણાનો લોટ મિશ્રિત કરવામાં આવ્યો હતો.

હેલ્થ વિભાગના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની ભેળસેળનો મુખ્ય હેતુ નાણાકીય લાભ મેળવવાનો હોય છે. સસ્તા લોટનું મિશ્રણ કરીને વજન અને જથ્થો વધારવામાં આવે છે, જેથી વેપારી વધુ નફો કમાઈ શકે. પરંતુ આવી પ્રક્રિયા ગ્રાહકો સાથે સીધી છેતરપિંડી ગણાય છે.
અમદાવાદમાં કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો: ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી રસ્તા પર ઘસડ્યા! હચમચાવી દેતા CCTV સામે આવ્યા

FSSAI લાયસન્સ વગર ચાલતું હતું ગોડાઉન

તપાસ દરમિયાન એક વધુ ગંભીર બેદરકારી સામે આવી હતી. ‘અવિનાશ મસાલા ભંડાર’ પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)નું ફરજિયાત લાયસન્સ નહોતું. ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ માટે આ લાયસન્સ કાનૂની રીતે જરૂરી ગણાય છે.

હાલમાં વિભાગ દ્વારા સમગ્ર જથ્થો સીઝ કરી દેવાયો છે અને સંકળાયેલા વેપારીને FSSAI એક્ટની કલમ 46(4) હેઠળ નોટિસ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. વેપારીને 30 દિવસની અંદર અપીલ કરવાનો અધિકાર આપવામાં આવશે. જો સમયમર્યાદામાં કોઈ અપીલ નહીં કરવામાં આવે તો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જપ્ત કરાયેલા જથ્થાનો નાશ કરવામાં આવશે.

ભેળસેળથી આરોગ્ય પર શું અસર થઈ શકે?

ડૉ. તેજસ શાહે જણાવ્યું કે હળદર માત્ર મસાલો નથી પરંતુ ઔષધિક ગુણો માટે પણ જાણીતી છે. સામાન્ય રીતે હળદરનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા, ઇન્ફેક્શન ઘટાડવા અને ઘરેલુ ઉપચારમાં થાય છે. પરંતુ જ્યારે તેમાં ઘઉંનો લોટ અથવા બેસન જેવી વસ્તુઓ ભેળવી દેવામાં આવે ત્યારે તેની ગુણવત્તા અને ઔષધિક અસર બંને ઘટી જાય છે.

તેમણે વધુમાં કહ્યું કે આવી ભેળસેળથી ગ્રાહકોને મૂળ ગુણવત્તાવાળો ખાદ્ય પદાર્થ મળતો નથી, જે આરોગ્ય માટે નુકસાનકારક બની શકે છે. ખાસ કરીને એલર્જી ધરાવતા લોકો માટે આવી ભેળસેળ ગંભીર અસર ઊભી કરી શકે છે.
અમદાવાદ એરપોર્ટ આસપાસ અનેક વિસ્તારોમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ: નોનવેજ વેચતા પકડાશો તો 3 વર્ષની સજા

અમદાવાદમાં ભેળસેળ વિરોધી અભિયાન તેજ

તાજેતરના સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો હેલ્થ વિભાગ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે સતત કાર્યવાહી કરી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં મસાલા, દૂધ, મીઠાઈ અને ખાદ્ય તેલના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી રહી છે.

દરિયાપુરની આ કાર્યવાહી બાદ શહેરમાં મસાલા વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. હેલ્થ વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ખાદ્ય સુરક્ષાના મામલે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે અને ભેળસેળ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now