Home Gujarat Ahmedabad Ahmedabad Juhapura Accident Truck Drags Bike Family Cctv Viral

અમદાવાદમાં કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો : ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને 70 મીટર સુધી રસ્તા પર ઘસડ્યા! હચમચાવી દેતા CCTV સામે આવ્યા

Ahmedabad Juhapura Truck Bike Collision
Published by: Nirali Gohil
Last Updated: May 12, 2026, 07:17 AM IST

અમદાવાદ: શહેરના જુહાપુરા ચાર રસ્તા પાસે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. એક બેફામ બનેલા ટ્રક ચાલકે બાઈક પર જઈ રહેલા નિર્દોષ પરિવારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રક ચાલક બાઈક સવાર પરિવારને અંદાજે 60 થી 70 મીટર સુધી રસ્તા પર ઘસડતો લઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણ વ્યક્તિ ધ્રૂજી ઉઠે તેમ છે. અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

ટ્રક ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર ટ્રક ચાલક નશાની હાલતમાં જોવા મળ્યો હતો. ટ્રકે બાઈકને ટક્કર માર્યા બાદ પણ ડ્રાઈવરે બ્રેક મારવાને બદલે ટ્રક હંકારી મૂકી હતી, જેના કારણે બાઈક પર સવાર પરિવાર ટ્રકની નીચે ફસાઈને લાંબા અંતર સુધી ઘસડાયો હતો. આસપાસના લોકોએ ભારે બૂમાબૂમ કરી મૂકતા અંતે ટ્રક ચાલકે વાહન રોક્યું હતું. લોકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને ઘાયલ પરિવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતની સૌથી 'સેફ' જેલમાંથી કેદી ફરાર : હાઈ સિક્યોરિટી જેલની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

પાણી ભરાયેલું હોવાથી અકસ્માત સર્જાયો હોવાની ચર્ચા

જુહાપુરા હાઈવે પર અત્યારે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કામકાજને કારણે અકસ્માત સ્થળે પાણી ભરાયેલું હતું, જેના કારણે વાહન સ્લિપ થયું કે કાબૂ ગુમાવ્યો હોઈ શકે છે. જોકે, ટ્રક ચાલકની નશાની હાલત અને બેદરકારીને કારણે આટલો મોટો બનાવ બન્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.

પોલીસનો કાફલો ઘટનાસ્થળે: ટ્રાફિક એમ ડિવિઝન દ્વારા તપાસ શરૂ

અકસ્માતની જાણ થતા જ વેજલપુર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટ્રાફિક એમ ડિવિઝન હદ વિસ્તારમાં આ બનાવ બન્યો હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે ઉશ્કેરાયેલા ટોળાને વિખેરીને રસ્તા પરનો ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો. નશાખોર ટ્રક ડ્રાઈવર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: "હવે શનિ મિથુન રાશિમાં જશે ત્યારે જ પવન આવશે" : અંબાલાલ પટેલે ગરમીને લઈને કેમ અપાવી 1912ની યાદ? આગાહી જાણીને ફફડી જશો


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now