ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યને નૈતિક અને નાગરિક-કેન્દ્રિત શાસન માટે દેશનું અગ્રણી રાજ્ય બનાવવા માટે મક્કમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. વહીવટી તંત્રમાં પારદર્શિતા વધે અને અધિકારીઓ જવાબદારીપૂર્વક કાર્ય કરે તે હેતુથી ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગની ‘ચિંતન શિબિર-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વહીવટમાં ‘ઓથોરિટીથી જવાબદારી સુધી’ની સફર અને નૈતિક મૂલ્યોના સુદ્રઢીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ચિંતન શિબિર માત્ર એક બેઠક બનીને ન રહેતા, રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ માટે અનુભવોના આદાન-પ્રદાન અને સુશાસનના નવા આયામો સર કરવાનું પ્લેટફોર્મ બની હતી. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકની સમસ્યાઓનો ઝડપી અને નૈતિક રીતે નિકાલ લાવી ગુજરાતને સમગ્ર દેશમાં વહીવટી ક્ષેત્રે એક 'બેન્ચમાર્ક' તરીકે સ્થાપિત કરવાનો છે.
નૈતિક મૂલ્યો જ સુશાસનનો પાયો: ડૉ. જયંતી રવિ
સત્ર દરમિયાન અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી એસ. રવિએ વહીવટમાં નૈતિકતાનું મહત્વ સમજાવતા ખ્યાતનામ સાહિત્યકાર મનુભાઈ પંચોળી 'દર્શક'ના જીવનના ઉદાહરણો ટાંક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ અધિકારી જ્યારે નૈતિક મૂલ્યોને પ્રાધાન્ય આપે છે ત્યારે જ તે સાચા અર્થમાં જનસેવા કરી શકે છે. વહીવટી તંત્રમાં માત્ર સત્તા (Authority) હોવી પૂરતી નથી, પરંતુ તે સત્તાની સાથે જવાબદારી (Responsibility)નું વહન કરવું પણ અનિવાર્ય છે.
ડિજિટલ વર્કફ્લો અને ટેક્નોલોજી દ્વારા પારદર્શિતા
કૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવ આર. સી. મીણાએ સુશાસનના આઠ મુખ્ય સ્તંભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આધુનિક યુગમાં ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂકતા જણાવ્યું કે, 'એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ વર્કફ્લો' અપનાવવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને પારદર્શિતા વધશે. આ ઉપરાંત, તેમણે અધિકારીઓને ‘સ્પીકિંગ ઓર્ડર્સ’ એટલે કે તર્કબદ્ધ નિર્ણયો લેવા અનુરોધ કર્યો હતો, જેથી સામાન્ય જનતાને લેવાયેલા નિર્ણયો પાછળના કારણો સ્પષ્ટ થઈ શકે.
રૂમ ન મળતા પોલીસકર્મીએ યુવકને વાળ ખેંચીને લાફા ઝીંક્યા: અમદાવાદમાં પોલીસની ગુંડાગીરીનો વીડિયો વાયરલ
પંચમહાલના અનુભવો અને ગાંધીજીની પ્રતિજ્ઞાના ઉદાહરણો
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિન્દ તોરવણેએ પોતાના પંચમહાલ કલેક્ટર તરીકેના કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે સમજાવ્યું કે કઈ રીતે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નૈતિક નિર્ણયો લઈને વહીવટને વધુ લોકભોગ્ય બનાવી શકાય છે. બીજી તરફ, રેરા (RERA) અધ્યક્ષ અનિતા કરવાલે ગાંધીજીના જીવનના પ્રસંગો ટાંક્યા હતા. તેમણે ‘ગોળ ન ખાવાની પ્રતિજ્ઞા’નું ઉદાહરણ આપીને સમજાવ્યું કે નૈતિકતાના સિદ્ધાંતોનું પાલન પહેલા સ્વયંથી શરૂ કરવું જોઈએ.
દેહવ્યાપાર માટે બદનામ આખું ગામ: જ્યાં પરંપરાના નામે રમાતો હતો ‘દેહવ્યાપાર’નો ખેલ, જાણો આ ગામનો કલંકિત ઈતિહાસ અને બદલાતી તસવીર
ખેડૂતોના પડતર કેસોનો ઝડપી નિકાલ કરવા તાકીદ
આ શિબિરમાં માત્ર સૈદ્ધાંતિક વાતો જ નહીં પરંતુ વ્યવહારુ ઉકેલો પર પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં હાજર ઉચ્ચ અધિકારીઓએ રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને ખેડૂત ખરાઈ અને ક્ષતિ સુધારણા જેવા પડતર પ્રશ્નોનો યુદ્ધના ધોરણે નિકાલ કરવા સૂચના આપી હતી. મહેસૂલ વિભાગના આ પડતર કેસોનો ઝડપી નિકાલ એ નાગરિક-કેન્દ્રિત શાસનની દિશામાં અત્યંત મહત્વનું પગલું સાબિત થશે.







