Ahmedabad News: ગુજરાતના રાજકારણમાં હાલ નિવેદનબાજીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોંગ્રેસને લઈને કરવામાં આવેલા 'ચર્કટ' અને નવરાત્રી અંગેના નિવેદન બાદ વિપક્ષી નેતા અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં હવે નિમ્ન કક્ષાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
જવાબદારી વધી છતાં વાણીમાં સંયમ નથી
અમિત ચાવડાએ હર્ષ સંઘવી પર નિશાન સાધતા જણાવ્યું કે, "હર્ષ સંઘવી પહેલા માત્ર ગૃહ રાજ્યમંત્રી હતા, હવે તેમને પ્રમોશન આપીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પદનું કદ વધ્યું છે, પરંતુ તેમના નિવેદનો હજુ પણ બિનજવાબદારીપૂર્વકના છે. સત્તાના નશામાં તેઓ પદની ગરિમા ભૂલી રહ્યા છે."
નવરાત્રી અને 'રીલ'ની રાજનીતિ
નવરાત્રીના આયોજન અને મોડી રાત સુધીના ગરબા અંગે ચાલી રહેલી ચર્ચાઓ પર ચાવડાએ હકીકત રજૂ કરતા કહ્યું સરકાર કહે છે કે વરઘોડા નીકળશે અને આખી રાત ગરબા થશે, પરંતુ જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે જવાબ આપવામાં આ જ મંત્રીઓ પીછેહઠ કરે છે. મુખ્યમંત્રીને પાછળ પાડીને પોતે આગળ દેખાવાની મંત્રીઓમાં સ્પર્ધા જામી છે. રીલ બનાવવાની જે હોડ ચાલી છે, તેમાં જનતાના પાયાના પ્રશ્નો વિસરાઈ ગયા છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા હવે આ 'વાણી વિલાસ'ની હકીકત સમજી ગઈ છે. જનતા કોઈનાથી ડરવાની નથી અને આવા બિનજવાબદારીપૂર્વકના નિવેદનોને સમર્થન પણ આપવાની નથી.
2027માં જનતા બનાવશે 'રીલ'
આક્રમક મૂડમાં દેખાતા અમિત ચાવડાએ ચેતવણી આપતા કહ્યું કે, અત્યારે ભલે સત્તાધારી પક્ષ સોશિયલ મીડિયા પર ચમકવા માટે રીલ બનાવી રહ્યો હોય, પરંતુ આવનાર 2027ની વિધાનસભા ચૂંટણીમાં જનતા આ નેતાઓની સાચી 'રીલ' બનાવશે. લોકોનો રોષ આગામી દિવસોમાં મતદાન પેટી પર જોવા મળશે તેવું તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
ગુજરાતનું રાજકારણ જે રીતે વ્યક્તિગત આક્ષેપો અને શબ્દોની મર્યાદા ઓળંગી રહ્યું છે, તે જોતા સ્પષ્ટ છે કે આગામી સમયમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બનશે. શું ખરેખર વિકાસની વાતો પાછળ રહી ગઈ છે અને માત્ર 'રીલ' અને 'નિવેદનો'ની રાજનીતિ જ બચી છે? તે એક મોટો પ્રશ્ન છે.





