અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામમાં થોડા દિવસો પહેલાં બનેલા લૂંટના બનાવનો અમદાવાદ ગ્રામ્ય પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી સઘન તપાસના આધારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ પૈકી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ગત 14 જૂન, 2026ના રોજ અજાણ્યા શખ્સોએ કોઠ ગામમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવી લૂંટ ચલાવી હતી. આરોપીઓએ કાવતરું રચી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ફરિયાદી તેમજ અન્ય વ્યક્તિને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 2.10 લાખથી વધુનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા.
ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસ, એલસીબી, એસઓજી અને કોઠ પોલીસ સ્ટેશનની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી.
તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે લૂંટમાં સંડોવાયેલા શખ્સો શિહોરીપુરા ગામ ખાતે એકત્ર થયા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
કચ્છમાં માદક પદાર્થોની હેરાફેરી સામે SOG ની લાલ આંખ: લાખોની કિંમતના 37 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ
ત્રણ આરોપીઓની ધરપકડ
પોલીસે આ કેસમાં જયેન્દ્રભાઈ ઉર્ફે જયલો મફુતભાઈ મકવાણા (રહે. શિહોરીપુરા, તા. ધોળકા), હાર્દિકભાઈ ઉર્ફે મફુજી વશરામભાઈ મકવાણા (રહે. કેસરડી, તા. બાવળા) અને જગમાલભાઈ ઉર્ફે ગોગો મનસુખભાઈ સોલંકી (રહે. ડરણ, તા. સાણંદ)ની ધરપકડ કરી છે.
આરોપીઓની પૂછપરછ દરમિયાન લૂંટમાં ગયેલા મુદ્દામાલ અંગે માહિતી મળી હતી, જેના આધારે પોલીસે ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 68,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મુખ્ય આરોપી સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા
પોલીસના રેકોર્ડ મુજબ મુખ્ય આરોપી જયેન્દ્રભાઈ ઉર્ફે જયલો મકવાણા સામે અગાઉ પણ પ્રોહિબિશન તેમજ મારામારી અને અન્ય ગુનાઓના કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં રાખીને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં ભેળસેળિયા તત્વો સામે સરકારનું મેગા એક્શન: 2,12,948 કિલો/લિટરથી વધુના ખાદ્ય પદાર્થો સામે કાર્યવાહી
વધુ તપાસ ચાલુ
પોલીસ હાલમાં લૂંટમાં ગયેલા બાકીના મુદ્દામાલની શોધખોળ કરી રહી છે. સાથે જ આરોપીઓ કોઈ મોટા ગુનાહિત નેટવર્ક સાથે સંકળાયેલા છે કે કેમ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝડપી કામગીરી કરીને ગંભીર લૂંટકાંડનો ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.





