ગુજરાતમાં ભેળસેળયુક્ત અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ સઘન કાર્યવાહી હાથ ધરી છે. નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે હેતુથી ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને પનીરના મોટા જથ્થાની તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના આંકડા મુજબ આ વિશેષ અભિયાન દરમિયાન કુલ 2,12,948 કિલો/લિટરથી વધુ ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘી, ખાદ્ય તેલ, દૂધ અને દૂધજન્ય પદાર્થો તેમજ પનીરના જથ્થાનો સમાવેશ થાય છે.
નવું ઘર ખરીદતા પહેલાં અચૂક ધ્યાન રાખજો આ 10 મહત્ત્વની બાબતો: એક ખોટો નિર્ણય કરાવી શકે છે તમારું લાખો રૂપિયાનું નુકસાન
કયા ખાદ્ય પદાર્થો સામે થઈ કાર્યવાહી?
તપાસ દરમિયાન 39,787 કિલો ઘી, 1,67,256.60 કિલો/લિટર ખાદ્ય તેલ, 675.40 કિલો દૂધ અને દૂધજન્ય પદાર્થો તેમજ 5,229 કિલો પનીરના જથ્થા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
અધિકારીઓ દ્વારા વિવિધ બ્રાન્ડેડ તેમજ ખુલ્લા વેચાણમાં રહેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈને તેની ગુણવત્તા અને ખાદ્ય સુરક્ષા ધોરણો મુજબ ચકાસણી કરવામાં આવી હતી. જ્યાં નિયમોનું ઉલ્લંઘન અથવા ગુણવત્તા અંગે શંકા જણાઈ ત્યાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
રૂ. 5.89 કરોડથી વધુના જથ્થાની તપાસ
રાજ્યવ્યાપી અભિયાન દરમિયાન તપાસ હેઠળ આવેલા ખાદ્ય પદાર્થોની કુલ અંદાજિત કિંમત રૂ. 5.89 કરોડથી વધુ હોવાનું જણાવાયું છે.
તેમાં ઘીના જથ્થાની કિંમત અંદાજે રૂ. 2.38 કરોડ, ખાદ્ય તેલની કિંમત રૂ. 3.34 કરોડ, દૂધ અને દૂધજન્ય પદાર્થોની કિંમત રૂ. 47 હજારથી વધુ તેમજ પનીરની કિંમત રૂ. 15.68 લાખ જેટલી હોવાનું જણાવાયું છે. આમ કુલ રૂ. 5,89,39,470ના ખાદ્ય પદાર્થો સામે તપાસ અને નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ખેડૂતો બાદ સમગ્ર ગુજરાતમાં શિક્ષકોના આંદોલનની જાહેરાત: TET મુદ્દે 33 જિલ્લાઓમાં ધરણા-પ્રદર્શન થશે
રાજ્યના અનેક જિલ્લાઓમાં એકસાથે ચેકિંગ
આ વિશેષ અભિયાન અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દાહોદ, કચ્છ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ખાદ્ય સુરક્ષા અધિકારીઓ દ્વારા બજારો, ગોડાઉન, ઉત્પાદન એકમો તેમજ વેચાણ કેન્દ્રો પર જઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન વિવિધ સ્થળોએથી નમૂનાઓ એકત્રિત કરીને પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા.
આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં: પ્રફુલ પાનશેરીયા
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. ભેળસેળયુક્ત, ગુણવત્તા વિહોણા અથવા ખાદ્ય સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરતા ઉત્પાદકો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
તેમણે જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા અને ધોરણો જાળવવા માટે રાજ્યભરમાં નિયમિત સેમ્પલિંગ, ચેકિંગ અને દરોડાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે. ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે તંત્ર સતત સજાગ છે.
કચ્છમાં માદક પદાર્થોની હેરાફેરી સામે SOG ની લાલ આંખ: લાખોની કિંમતના 37 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ
‘સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત’ તરફ પગલું
રાજ્ય સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – સુરક્ષિત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરવા માટે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભેળસેળ અને નકલી ખાદ્ય પદાર્થો સામે ચાલી રહેલી કાર્યવાહીને વધુ ગતિ આપવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે ભવિષ્યમાં પણ આવા વિશેષ અભિયાનો નિયમિત રીતે ચાલુ રાખવામાં આવશે, જેથી ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા થઈ શકે અને બજારમાં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે.





