Driving Licence Suspension: ગુજરાતના વાહનચાલકો માટે હવે ટ્રાફિક નિયમોનું પાલન કરવું અનિવાર્ય બની ગયું છે. ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા નિયમો હેઠળ હવે બેદરકાર વાહનચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
નવા નિયમોની મુખ્ય વિગતો
નવી જોગવાઈઓ મુજબ, ઈ-ચલણની પ્રક્રિયાને વધુ પારદર્શક અને કડક બનાવવામાં આવી છે. તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે. જો તમને લાગે કે ઈ-ચલણ ભૂલથી ફાટ્યું છે, તો તમે ચલણ ઈશ્યુ થયાના ૪૫ દિવસમાં 'ઈ-ચલણ પોર્ટલ' પર ઓનલાઈન રજૂઆત કરી શકો છો. જો ૪૫ દિવસમાં કોઈ ફરિયાદ કરવામાં ન આવે, તો એવું માની લેવામાં આવશે કે તમે ભૂલ સ્વીકારી લીધી છે. ત્યારબાદ તમારે ૩૦ દિવસની અંદર દંડની રકમ ભરવાની રહેશે.
જો નિર્ધારિત સમયમાં દંડ નહીં ભરો, તો તમારું વાહન 'વાહન પોર્ટલ' પર બ્લોક કરી દેવાશે. આ સ્થિતિમાં તમે વાહન વેચી શકશો નહીં, આર.સી. બુકની કામગીરી કે લાયસન્સ રિન્યુઅલ જેવી વહીવટી સેવાઓનો લાભ લઈ શકશો નહીં. જો તમારી ફરિયાદ નકારવામાં આવે, તો ૩૦ દિવસમાં દંડ ભરવો પડશે અથવા ૫૦% રકમ ડિપોઝિટ જમા કરાવી કોર્ટમાં અપીલ કરવાની રહેશે.
ચલણ અને લાઇસન્સ સસ્પેન્ડ!
આ સુધારાની સૌથી મહત્વની અને કડક જોગવાઈ એ છે કે, જો કોઈ વાહનચાલક કે માલિકના નામે એક જ વર્ષમાં ૫ કે તેથી વધુ ઈ-ચલણ ફાટશે, તો સત્તાધિકારીઓ દ્વારા તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમનો હેતુ વારંવાર નિયમો તોડતા ચાલકો પર લગામ કસવાનો છે.
વહીવટી તંત્રની અપીલ
રાજ્ય સરકાર અને ટ્રાફિક વિભાગ દ્વારા તમામ નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરો. તમારા બાકી ઈ-ચલણ સમયસર ચેક કરતા રહો અને તેને ભરી દો. કાયદાકીય ગૂંચવણો અને લાઇસન્સ સસ્પેન્શન જેવી સ્થિતિથી બચો. યાદ રાખો, રોડ પર તમારી સુરક્ષા એ જ તમારી પ્રાથમિકતા હોવી જોઈએ!





