Home Gujarat Ahmedabad Ambalal Patel Weather Forecast Gujarat Monsoon Rain July 2026

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અલનીનો વચ્ચે અંબાલાલ પટેલની મોટી આગાહી : આ તારીખથી ગુજરાતમાં તૂટી પડશે મેઘરાજા!

Ambalal Patel Gujara Rain Prediction
Published by: Nirali Gohil
Last Updated: Jun 16, 2026, 09:42 AM IST

Ambalal Patel Gujara Rain Prediction: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદની રાહ જોતા લોકો અને ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડતાં અનેક વિસ્તારોમાં ગરમી અને ઉકળાટનો માહોલ યથાવત રહ્યો છે. અલનીનોની અસર અને વારંવાર સક્રિય થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસું આગળ વધી શક્યું નથી, જેના કારણે વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વપૂર્ણ આગાહી કરતા જણાવ્યું છે કે હાલની સ્થિતિ તાત્કાલિક છે અને 22 જૂન બાદ ચોમાસું ફરી સક્રિય થવાની શક્યતા છે. તેમની આગાહી મુજબ જૂનના અંતિમ સપ્તાહથી વરસાદની ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળશે અને જુલાઈ મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.

હાલ ચોમાસું કેમ અટકી પડ્યું?

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર ભારતના ગંગા-યમુના મેદાનોમાં જરૂરી તાપમાન વિકસ્યું નથી, જેના કારણે વરસાદી સિસ્ટમોને પૂરતી મજબૂતી મળી શકી નથી. બીજી તરફ પશ્ચિમી વિક્ષેપો (Western Disturbance) પણ ચોમાસાની ગતિને અસર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, 18 જૂનની આસપાસ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ શકે છે, જેના કારણે હવામાનમાં ફરી બદલાવ આવશે. જોકે આ સમયગાળા દરમિયાન ધીમે ધીમે વાદળોનું પ્રમાણ વધશે અને વરસાદી માહોલ સર્જાવા લાગશે.

આ પણ વાંચો: ચોમાસા પર અલ નીનોની અસર!: વરસાદમાં 10% સુધી ઘટાડાની આશંકા; જુલાઈ-ઓગસ્ટમાં ખેતીથી લઈને વીજ ઉત્પાદન સુધી દુષ્કાળનો ખતરો

22 જૂનથી બદલાશે હવામાનનો મિજાજ

અંબાલાલ પટેલની આગાહી મુજબ 18થી 20 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ત્યારબાદ 22 જૂન સુધીમાં કેટલાક વિસ્તારોમાં અચાનક વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. તેમના જણાવ્યા મુજબ, 23 જૂનથી ચોમાસાની સત્તાવાર અને અસરકારક શરૂઆત જોવા મળી શકે છે. 23થી 26 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, જેનાથી ખેડૂતોને પણ રાહત મળશે.

જુલાઈમાં આવશે વરસાદનું મજબૂત મોજું

હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મુંબઈ સહિતના વિસ્તારોમાં મજબૂત વરસાદી સિસ્ટમ વિકસશે. આ સિસ્ટમના કારણે જુલાઈ મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો અને વ્યાપક વરસાદ નોંધાઈ શકે છે. અંબાલાલ પટેલનું માનવું છે કે જુલાઈમાં આવનારું વરસાદી મોજું સમગ્ર ચોમાસાની ખામી પૂરી કરી શકે છે અને કૃષિ ક્ષેત્ર માટે પણ લાભદાયી સાબિત થશે.

અલનીનોની અસર છતાં આશાજનક સ્થિતિ

આ વર્ષે અલનીનોની અસરને કારણે ચોમાસા અંગે શરૂઆતથી જ ચિંતાઓ વ્યક્ત થઈ રહી છે. હવામાન નિષ્ણાતો માને છે કે અલનીનોના કારણે વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી શકે છે. તેમ છતાં અંબાલાલ પટેલનું કહેવું છે કે, વચ્ચે-વચ્ચે અલનીનોની અસર જોવા મળશે, પરંતુ ચોમાસું સંપૂર્ણપણે નબળું નહીં પડે. ખાસ કરીને જુલાઈ મહિનામાં સક્રિય થનારી વરસાદી સિસ્ટમ રાજ્ય માટે રાહત લાવશે.

હવામાન વિભાગની શું છે આગાહી?

ભારતીય હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન ભાવનગરમાં રાજ્યનું સૌથી વધુ 41.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ સહિત અનેક શહેરોમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘો ભૂક્કા કાઢશે કે ખેડૂતોને ચોંધાર આંસુએ રડાવશે?: અંબાલાલ પટેલની ચોમાસા અંગે સૌથી ઘાતક આગાહી

આગામી દિવસોમાં ક્યાં પડી શકે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ 15થી 17 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.18થી 19 જૂન દરમિયાન વરસાદનો વિસ્તાર વધવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત ઉપરાંત છોટાઉદેપુર, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે. 19થી 21 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન મોટાભાગે સૂકું રહી શકે છે.

ખેડૂતો અને જનતા માટે રાહતના સંકેત

વરસાદની લાંબી રાહ જોતા ખેડૂતો માટે આ આગાહી આશાજનક માનવામાં આવી રહી છે. જો જૂનના અંતિમ સપ્તાહથી વરસાદ સક્રિય થાય તો ખરીફ પાકની વાવણીને પણ ગતિ મળી શકે છે. હાલ સમગ્ર રાજ્યની નજર 22 જૂન બાદની હવામાનની સ્થિતિ પર છે, કારણ કે તેનાથી આગામી ચોમાસાની દિશા અને વરસાદના પ્રમાણનો અંદાજ મળી શકે છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now