Cyber Crime Case: તાજેતરમાં ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કરીમ સિપાઇ નામના શખ્સે પોતે આદિત્ય પટેલ હોવાની ખોટી પ્રોફાઇલ સોશિયલ મીડિયામાં બનાવીને 100થી વધુ મહિલાઓને પોતાની શિકાર બનાવી હતી. ત્યાર બાદ તે મહિલાઓના ગંદા વીડિયો બનાવીને એડલ્ટ વેબસાઈટમાં વેચતો હોવાની આશંકા પણ પોલીસ દ્વારા વ્યકત કરાઈ છે. ત્યારે સવાલ એ થાય છેકે, AI ના યુગમાં સોશિયલ મીડિયા પર તમારા કે તમારી ફેમીલીના ફોટા મુકવા કેટલાં સુરક્ષિત છે? જાણી સોશિયલ મીડિયા પર ફોટો કે વીડિયો શેર કરતા પહેલાં કઈ-કઈ બાબતોનું રાખવું જોઈએ ખાસ ધ્યાન,,, આ અંગે શું કહે છે નિષ્ણાતો...
ફોટો શેર કરવો સામાન્ય લાગે છે, પરંતુ પ્રાઈવસી, લોકેશન, ડીપફેક અને બ્લેકમેલિંગ જેવા જોખમોને અવગણવાથી વ્યક્તિગત સુરક્ષા પર ગંભીર અસર પડી શકે છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવું રોજિંદી જીવનનો ભાગ બની ગયું છે. જન્મદિવસ, પ્રવાસ, પરિવારની ક્ષણો, ઓફિસ ઇવેન્ટ કે વ્યક્તિગત લુક- દરેક બાબત ફોટો મારફતે દુનિયા સુધી પહોંચે છે. પરંતુ ઘણી વખત આપણે ભૂલી જઈએ છીએ કે એકવાર ફોટો જાહેર પ્લેટફોર્મ પર મૂકાઈ જાય પછી તેના પર આપણું નિયંત્રણ મર્યાદિત થઈ જાય છે. કોઈ પણ અજાણ્યો વ્યક્તિ તે ફોટો ડાઉનલોડ કરી શકે, સ્ક્રીનશોટ લઈ શકે અથવા તેનો દુરુપયોગ કરી શકે છે.
આદિત્ય પટેલ બનીને કડીના કરીમે 100 મહિલાઓને ફસાવી: મહિલાઓના ગંદા Video બનાવી ઊંચી કિંમતે વેંચ્યાની આશંકા, 8000થી વધુ Video મળ્યા
તાજેતરના સમયમાં ફેક પ્રોફાઇલ, ડીપફેક વીડિયો, મોર્ફિંગ, ઓનલાઈન બ્લેકમેલિંગ અને ઓળખ ચોરી જેવા સાયબર ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ, યુવતીઓ અને કિશોરો માટે સોશિયલ મીડિયા પર શેર કરાયેલા ફોટા ગંભીર જોખમ ઊભું કરી શકે છે. તેથી ફોટો પોસ્ટ કરતા પહેલા થોડી સાવચેતી રાખવી માત્ર સમજદારી નહીં, પરંતુ વ્યક્તિગત સુરક્ષાની જરૂરી શરત બની ગઈ છે.
પ્રાઈવસી સેટિંગ્સ પહેલા તપાસો
ફોટો શેર કરતા પહેલા સૌથી મહત્વની બાબત એ છે કે તમારી પ્રાઈવસી સેટિંગ્સ કોણ શું જોઈ શકે તે સ્પષ્ટ કરે છે કે નહીં. ઘણી વખત લોકો પોતાના એકાઉન્ટને પબ્લિક રાખે છે, જેના કારણે તેમની દરેક પોસ્ટ અજાણ્યા લોકો સુધી પહોંચી જાય છે. આવા ફોટા સ્ક્રીનશોટ, ફેક પ્રોફાઇલ અથવા મોર્ફિંગ માટે સરળતાથી વપરાઈ શકે છે. તમારું એકાઉન્ટ શક્ય હોય ત્યાં સુધી પ્રાઈવેટ રાખવું જોઈએ. ફોલોઅર્સની યાદી નિયમિત રીતે ચકાસવી જોઈએ અને અજાણ્યા, શંકાસ્પદ અથવા ફેક લાગતા એકાઉન્ટને દૂર કરવાં જોઈએ. ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા વ્યક્તિની ઓળખ, કોમન કનેક્શન અને પ્રોફાઇલની વાસ્તવિકતા તપાસવી જરૂરી છે.
ઘર ખરીદવાનું વિચારતા લોકો માટે સૌથી મોટા સમાચાર: અમદાવાદ સહિત ગુજરાતમાં 15 દિવસ પછી નવા ઘરની કિંમતમાં થઇ શકે છે 5 થી 7 લાખનો વધારો
લોકેશન અને વ્યક્તિગત માહિતી છુપાવો
ઘણા ફોટામાં પાછળનું બેકગ્રાઉન્ડ, વાહનની નંબરપ્લેટ, ઘરનો દરવાજો, સ્કૂલ-કોલેજનું નામ, ઓફિસ લોકેશન અથવા પ્રવાસની વિગતો દેખાઈ જાય છે. આ માહિતી સામાન્ય લાગે, પરંતુ તેનો ઉપયોગ તમારી હિલચાલ, રહેવાનું સ્થળ અથવા દૈનિક રૂટિન જાણવા માટે થઈ શકે છે. ફોટો પોસ્ટ કરતા પહેલા તપાસો કે તેમાં કોઈ ઓળખાય તેવી વ્યક્તિગત માહિતી દેખાતી નથી ને? ખાસ કરીને ઘરની બહાર, બાળકોની સ્કૂલ, ઓફિસ આઈડી કાર્ડ, ફ્લાઇટ ટિકિટ, હોટેલ રૂમ નંબર અથવા લાઈવ લોકેશન સાથેના ફોટા શેર કરવાનું ટાળવું જોઈએ. પ્રવાસ દરમિયાન રિયલ-ટાઇમ લોકેશન પોસ્ટ કરવું પણ જોખમી બની શકે છે.
બાળકો અને પરિવારના ફોટા અંગે વધારે સાવચેતી રાખો
બાળકોના ફોટા શેર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બાળકનું નામ, સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બસ, રમતગમતનું સ્થળ અથવા રોજની પ્રવૃત્તિઓ બતાવતા ફોટા અજાણ્યા લોકો માટે સંવેદનશીલ માહિતી બની શકે છે. બાળક પોતે નિર્ણય લઈ શકે એટલું મોટું ન હોય ત્યારે તેની ડિજિટલ ઓળખ માતા-પિતાની જવાબદારી બને છે. પરિવારના ફોટા પણ મર્યાદિત લોકો સુધી જ રાખવા યોગ્ય છે. ઘણી વખત ફેક એકાઉન્ટ બનાવનારાઓ પરિવારના ફોટાનો ઉપયોગ વિશ્વાસપાત્ર દેખાવા માટે કરે છે. તેથી પરિવાર અથવા બાળકોના ફોટા પોસ્ટ કરતા પહેલા વિચારવું જોઈએ કે આ માહિતી જાહેર થવાથી કોઈ જોખમ ઊભું થશે કે નહીં.
આ પણ વાંચોઃ આદિત્યના નામે કરીમે 20 મહિલાઓને ફસાવી : વિધવા અને ત્યક્તાને બનાવતો હતો શિકાર, હવસખોર પાસેથી મળ્યા મહિલાઓના 8000થી વધુ Video
ડીપફેક અને મોર્ફિંગના જોખમને હળવાશથી ન લો
AI ટેક્નોલોજી વધતા હવે સામાન્ય ફોટાથી પણ ખોટા વીડિયો અથવા મોર્ફ કરેલી તસવીરો બનાવવી શક્ય બની છે. આ પ્રકારની સામગ્રીનો ઉપયોગ બદનામી, બ્લેકમેલિંગ અથવા માનસિક હેરાનગતિ માટે થઈ શકે છે. તેથી ક્લોઝ-અપ ફોટા, અતિ વ્યક્તિગત ફોટા અથવા સરળતાથી એડિટ થઈ શકે તેવી તસવીરો જાહેરમાં મૂકતા પહેલા સાવચેત રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ તમારો ફોટો ગેરરીતે વાપરે, ફેક પ્રોફાઇલ બનાવે અથવા ધમકી આપે તો શરમ કે ડર રાખ્યા વગર તરત પુરાવા સાચવવા જોઈએ. સ્ક્રીનશોટ, પ્રોફાઇલ લિંક, મેસેજ અને તારીખ-સમયની વિગતો સાચવીને સાયબર ક્રાઈમ પોર્ટલ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી જોઈએ.
પોસ્ટ કરતા પહેલા ‘એકવાર ફરી વિચારવું’ જરૂરી
સોશિયલ મીડિયા પર ફોટો મૂકતા પહેલા એક સરળ સવાલ પૂછવો જોઈએ: “આ ફોટો અજાણ્યા લોકો સુધી પહોંચે તો મને અથવા મારા પરિવારને કોઈ નુકસાન થઈ શકે?” જો જવાબ હા હોય અથવા થોડી પણ શંકા હોય તો તે ફોટો શેર ન કરવો વધુ યોગ્ય છે. ફોટો શેર કરવો ખોટું નથી, પરંતુ સમજદારી વગર શેર કરવું જોખમી છે. ડિજિટલ દુનિયામાં પ્રાઈવસી એકવાર ગુમાય પછી પાછી મેળવવી મુશ્કેલ બને છે. સાવચેતી, મર્યાદિત શેરિંગ અને મજબૂત પ્રાઈવસી સેટિંગ્સ જ ઓનલાઈન સુરક્ષાનો સૌથી અસરકારક માર્ગ છે.





