રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ અને આરોગ્ય વિભાગ અચાનક જ એક્શન મોડમાં આવ્યું છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જાણીતી ‘બાલાજી થાળ’ રેસ્ટોરન્ટમાં ફૂડ સેફ્ટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરતા વેપારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. તપાસ દરમિયાન રેસ્ટોરન્ટના સ્ટોર અને રસોડા વિભાગમાંથી શંકાસ્પદ તથા અખાદ્ય ગણાય તેવી ખાદ્ય સામગ્રી મળી આવ્યાનો દાવો કરવામાં આવ્યો છે.
ફૂડ વિભાગના અધિકારીઓએ સ્થળ પર તપાસ કર્યા બાદ મળેલી સામગ્રીનો નાશ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ અંદાજે 150 કિલો જેટલી ખાદ્ય સામગ્રી નાશ કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.
શું મળ્યું તપાસ દરમિયાન?
ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જીવાતવાળો લોટ, અગાઉથી તૈયાર કરાયેલ ખાદ્ય સામગ્રી (Pre-prepared Food) સહિત કેટલીક વસ્તુઓમાં સ્વચ્છતા અને ગુણવત્તા સંબંધિત ખામીઓ જોવા મળી હતી. આ સામગ્રીને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમો અનુસાર શંકાસ્પદ ગણાવી તેનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર શહેરમાં અનહાઈજેનિક પરિસ્થિતિમાં ખાદ્ય પદાર્થો તૈયાર કરતા અથવા ભેળસેળ કરતા વેપારીઓ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ કાર્યવાહી તેનો જ એક ભાગ છે.
જુનાગઢ કોંગ્રેસમાં ભડકો!: ચૂંટણી ફંડ અને નાણાકીય વ્યવહારોને લઈને જિલ્લા પ્રમુખ સામે ગંભીર આક્ષેપ
રેસ્ટોરન્ટ સંચાલકનો બચાવ
દરોડા બાદ રેસ્ટોરન્ટ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. બાલાજી થાળના પ્રતિનિધિ પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે સ્ટોર વિભાગમાં રાખેલા ચોખામાં એકાદ-બે ધનેડા જોવા મળ્યા હતા, પરંતુ રસોડામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી સંપૂર્ણપણે ચકાસ્યા અને સાફ કર્યા બાદ જ ઉપયોગમાં લેવામાં આવે છે.
તેમણે દાવો કર્યો હતો કે ગ્રાહકોને પીરસવામાં આવતી કોઈપણ તૈયાર વાનગીમાં શંકાસ્પદ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ચટણી, પોરણપુરી અને અન્ય ખાદ્ય વસ્તુઓ રોજ તાજી બનાવવામાં આવે છે અને નિર્ધારિત માત્રામાં જ ઉત્પાદન કરવામાં આવે છે.
મરચાંના પાવડર અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મરચું જાતે દળાવીને લાવવામાં આવે છે અને તેમાં તેલનો છાંટ મારવામાં આવે છે. તેમણે ફરી એકવાર સ્વીકાર્યું હતું કે સ્ટોરમાં એકાદ-બે ધનેડા જોવા મળ્યા હતા, પરંતુ તે રસોડાના ઉપયોગમાં લેવાતા માલમાં નહોતા.
GNFCના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે સર્જાયો ઈતિહાસ: CM ભુપેન્દ્ર પટેલે 1 લાખથી વધુ વૃક્ષો ધરાવતા મિયાવાકી વનનું કર્યું લોકાર્પણ
ફૂડ વિભાગે આપી કડક ચેતવણી
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર વર્ષ દરમિયાન શહેરમાં સઘન ચેકિંગ અભિયાન ચાલુ રહેશે. ખાદ્ય સુરક્ષા કાયદાનો ભંગ કરનાર અને ભેળસેળયુક્ત અથવા અસ્વચ્છ ખાદ્ય પદાર્થો વેચનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે અગાઉની કાર્યવાહીમાં આશરે 250 કિલો ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો અને રૂ. 35 હજાર જેટલો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે બાલાજી થાળમાં થયેલી તપાસ દરમિયાન અંદાજે 150 કિલો જેટલી સામગ્રીનો નાશ કરવામાં આવશે તેમજ વહીવટી દંડની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
100 મહિલાઓને શિકાર બનાવનારના કિસ્સા પરથી સાવધાન: Social Media પર ફોટા શેર કરતા પહેલાં ખાસ ધ્યાનમાં રાખો આ 5 બાબતો
પુનરાવર્તન થશે તો સીલિંગ સુધીની કાર્યવાહી
ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે સંબંધિત સંસ્થાને નોટિસ ફટકારવામાં આવશે અને નિયમો મુજબ દંડ વસૂલવામાં આવશે. જો ભવિષ્યમાં ફરીથી આવી જ પ્રકારની ખામીઓ અથવા ઉલ્લંઘન સામે આવશે તો માત્ર દંડ પૂરતો નહીં, પરંતુ સંસ્થાને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.
રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા રેસ્ટોરન્ટ, હોટલ, મીઠાઈની દુકાનો અને અન્ય ખાદ્ય વ્યવસાયિક એકમો સામે સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બાલાજી થાળ જેવી જાણીતી સંસ્થા પર થયેલી કાર્યવાહીએ ગ્રાહકોમાં પણ ખાદ્ય સુરક્ષા અંગે જાગૃતિ અને ચર્ચા વધારી છે.





