Home Gujarat Vadodara Vadodara Municipal Election Hemang Joshi Controversy

વડોદરા મનપા ચૂંટણીમાં ગરમાયું રાજકારણ : 'પ્રોપેગેન્ડા' કરતા અઘિકારીઓ પર ઉકળ્યા સાંસદ...કહ્યું તમારો પણ હિસાબ થશે

સાંસદ હેમાંગ જોશીની છબી
Published by: Niraj Chokshi
Last Updated: Apr 23, 2026, 11:33 AM IST

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવતાં રાજકીય માહોલ ગરમાયો છે અને નેતાઓ વચ્ચે શબ્દીક યુદ્ધ તેજ બન્યું છે. વોર્ડ નં. 16માં યોજાયેલી એક ચૂંટણી સભામાં વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ આક્રમક અંદાજમાં પોતાના વિરોધીઓ અને કોર્પોરેશનના કેટલાક અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના નિવેદનોએ ચૂંટણીના માહોલમાં નવી ચર્ચા જગાવી છે. સાંસદે પોતાના સંબોધનમાં સીધો આક્ષેપ કરતા કહ્યું હતું કે મનપાના કેટલાક અધિકારીઓ ‘સેટિંગબાજ’ બની ગયા છે અને તેઓ રૂપિયા લઈને પાણીના વાલ્વ બંધ કરી દે છે. ત્યારબાદ વિપક્ષી કાઉન્સિલરો આવે અને વાલ્વ ચાલું કરી દેવાય છે. ચૂંટણી સમયે આવું કરી પોતાને ‘સમસ્યા હલ કરનાર’ તરીકે રજૂ કરે છે વિપક્ષી કાઉન્સિલરો.

પાણી મુદ્દે રાજકારણ

હેમાંગ જોશીએ કહ્યું કે શહેરમાં પાણી પુરવઠો એક મહત્વનો મુદ્દો છે પરંતુ તેને રાજકીય ફાયદા માટે વાપરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ, કેટલાક અધિકારીઓ અને વિપક્ષી નેતાઓ વચ્ચે સાંઠગાંઠ થઈ રહી છે. જેમાં પહેલાં પાણીનો પુરવઠો અટકાવવામાં આવે છે અને પછી ‘હસ્તક્ષેપ’ બતાવીને સમસ્યા હલ થતી હોવાનું દર્શાવવામાં આવે છે. તેમણે આક્ષેપ કર્યો કે “અધિકારીઓ વાલ્વ બંધ કરી દે અને કાઉન્સિલર પ્રગટ થાય એટલે પાણી આવી જાય” જે દર્શાવે છે કે સમગ્ર પ્રક્રિયા પૂર્વનિયોજિત હોઈ શકે છે. આ પ્રકારના કૃત્યોને તેઓએ ‘પ્રોપેગેન્ડા’ ગણાવીને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરી.

આ પણ વાંચો: "પાકિસ્તાનનો યુવક ભટકે તો આતંકવાદી બને અને ભારતનો કોંગ્રેસી" : વાવ-થરાદમાં ભાજપ પ્રમુખના કોંગ્રેસ પર પ્રહાર

અધિકારીઓને આપી ચેતવણી

સાંસદે સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે જો કોઈ અધિકારી આવા ગેરકાયદેસર કૃત્યોમાં સંડોવાયેલો હશે તો તેની સામે કડક કાર્યવાહી થશે. “અધિકારીઓ આવા કૃત્યો કરશો તો તમારો પણ હિસાબ થશે,” આ મુદ્દે કોઈ સંવેદનશીલતા રાખવામાં નહીં આવે. આ સાથે તેમણે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પર પણ સીધું નિશાન સાધતા કહ્યું, વિપક્ષી કાઉન્સિલરો અધિકારીઓ સાથે રૂપિયાનું સેટિંગ કરીને કૃત્રિમ પ્રશ્નો ઉભા કરે છે, જેથી ચૂંટણીમાં રાજકીય લાભ મળી શકે. આ આરોપો અંગે વિપક્ષ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ સામે આવ્યો નથી.

આ પણ વાંચો: મતદાનના દિવસે ગુજરાતમાં કેવું રહેશે તાપમાન? : જાણો અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

ચૂંટણીનાં માહોલમાં મતદારો પર અસર

વડોદરા મનપાની ચૂંટણીમાં પાણી, રોડ, સફાઈ અને નગરસેવા જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને છે. પરંતુ આ પ્રકારના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ચૂંટણીના માહોલને વધુ રાજકીય અને વિવાદાસ્પદ બનાવી રહ્યાં છે. મતદારો માટે હવે પ્રશ્ન એ છે કે કયા આક્ષેપોમાં તથ્ય છે અને કયા માત્ર રાજકીય વ્યૂહરચનાનો ભાગ છે.

હાલમાં આ સમગ્ર મુદ્દો આરોપ અને પ્રતિઆરોપ વચ્ચે જ અટવાયેલો છે. જો આક્ષેપોમાં કોઈ તથ્ય હશે તો તેની તપાસ જરૂરી બની શકે છે. બીજી તરફ, જો આ રાજકીય પ્રચારનો ભાગ છે તો ચૂંટણી બાદ તેની અસર ઓછી થઈ શકે છે. ચૂંટણી નજીક આવતા આવા નિવેદનો વધુ તેજ બનવાની શક્યતા છે. તંત્ર માટે પડકાર એ રહેશે કે તે શાંતિપૂર્ણ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now