Home Gujarat Vadodara Vadodara Mahisagar Bridge Couple Rescued By Nandesari Police

વડોદરા પોલીસ બની દેવદૂત! : મહીસાગર બ્રિજ પર જિંદગી ટૂંકાવવા પહોંચેલા દંપતીને મોતના મુખમાંથી ઉગાર્યું!

Vadodara News
Published by: Viral Patel
Last Updated: Jun 15, 2026, 06:57 AM IST

Vadodara News: વડોદરા નજીક ફાજલપુર પાસે આવેલી મહીસાગર નદીના બ્રિજ પર પત્ની સાથેના ઘરેલુ કકળાટથી કંટાળીને જિંદગી ટૂંકાવવા પહોંચેલા એક ૨૬ વર્ષના યુવકને નંદેસરી પોલીસે સમયસૂચકતા વાપરીને મોતના મુખમાંથી ઉગારી લીધો છે. જનરક્ષક-૧૧૨ કંટ્રોલ રૂમને મળેલી તાત્કાલિક વર્ધીના આધારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહેલા યુવક અને તેની પત્નીને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા અને નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે લાવી દંપતીનું યોગ્ય કાઉન્સેલિંગ કરાવ્યું હતું.

હોમગાર્ડ વિભાગની હરિયાળી પહેલ : જામનગરમાં 12,000 સીડ્સ બોલ તૈયાર, 6,000થી વધુ વૃક્ષો ઉગવાની આશા

રોજિંદા ઝઘડાથી કંટાળી આપઘાતનો નિર્ણય કર્યો

બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા વ્હાઇટ વુડાના મકાનમાં રહેતો એક ૨૬ વર્ષનો યુવક તેની પત્ની સાથે રહે છે. છેલ્લા કેટલાય સમયથી પત્ની સાથે થતા રોજિંદા ઘરેલુ ઝઘડાથી આ યુવક માનસિક રીતે કંટાળી ગયો હતો. દંપતી વચ્ચે વિવાદ એટલો ઉગ્ર બન્યો કે યુવકે પત્નીને કહી દીધું કે, "આજે તો મારે નદીમાં કૂદીને આપઘાત કરવો છે." આ જીદ સાથે તે પોતાની પત્નીને સાથે બેસાડીને સમા વિસ્તારથી એક્ટિવા બાઈક પર ફાજલપુર મહીસાગર બ્રિજ સુધી લઈ આવ્યો હતો, જ્યાં તે જિંદગી ટૂંકાવવા મક્કમ હતો.

જાગૃત નાગરિકની સમયસૂચકતા અને પોલીસની ત્વરિત કામગીરી

બ્રિજ પર એક્ટિવા ઊભું રાખીને પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો ઉગ્ર ઝઘડો અને યુવકની આત્મઘાતી હિલચાલ જોઈને ત્યાંથી પસાર થતી એક જાગૃત વ્યક્તિએ તુરંત જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી. જેના કારણે જનરક્ષક-૧૧૨ ની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને પતિ-પત્ની બંનેને સહીસલામત પકડી લીધા હતા. ત્યારબાદ આ દંપતીને નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યું હતું.

ગુજરાતમાં મેઘો ભૂક્કા કાઢશે કે ખેડૂતોને ચોંધાર આંસુએ રોશે? : અંબાલાલ પટેલની ચોમાસાની અંગે સૌથી ઘાતક આગાહી

‘શી-ટીમ’ અને પોલીસે કર્યું કાઉન્સેલિંગ: "આત્મહત્યા એ સમસ્યાનો અંત નથી"

નંદેસરી પોલીસ સ્ટેશનના પીઆઇ બી.ડી. જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ એએસઆઇ શૈલેષભાઈ રાઠોડ સહિતના સ્ટાફ અને મહિલા 'શી-ટીમ' દ્વારા સાંત્વના કેન્દ્ર હેઠળ આ દંપતીનું વિશેષ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે માનવતાવાદી અભિગમ અપનાવીને દંપતીને પ્રેમથી સમજાવ્યું હતું કે, "આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો અંત કે સમાધાન નથી." જીવનના અમૂલ્ય મૂલ્ય અંગે સમજણ આપીને યુવકને માનસિક હિંમત પૂરી પાડવામાં આવી હતી.

લેખિત ખાતરી આપી દંપતી મોસાળ પક્ષે રવાના થયું

પોલીસની સમજાવટ બાદ દંપતી શાંત પડ્યું હતું અને ભવિષ્યમાં ક્યારેય આવું નકારાત્મક પગલું નહીં ભરવાની લેખિત ખાતરી આપી હતી. ત્યારબાદ બંનેને તેમના સગા મામાની હાજરીમાં રાજીખુશીથી પરિવારને સોંપવામાં આવ્યા હતા. આ કપરા સમયે દેવદૂત બનેલી પોલીસની આ માનવતાભરી અને સરાહનીય કામગીરી બદલ દંપતી અને તેમના સમગ્ર પરિવારે ભારે હૃદયે નંદેસરી પોલીસનો આભાર માન્યો હતો. પોલીસે બતાવેલી આ તત્પરતા અને સંવેદનશીલતાની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

ગુજરાતમાં ‘લૂંટેરી દુલ્હન’ ગેંગ સક્રિય : છોકરી બતાવી દલાલો 50 હજારથી લઈને 2.50 લાખ રૂપિયા પડાવે છે, લગ્ન બાદ દુલ્હન દાગીના-રોકડ લઈને રફુચક્કર


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now