Home Gujarat Surat Jamnagar Municipal Corporation Bomb Threat Email Police Investigation

ગુજરાતની 3 મનપાને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી : ઈ-મેલ મળતા તંત્ર થયું દોડતું, બિલ્ડિંગમાં કરાઈ તપાસ

જામનગર મનપા અને ડોગ સ્કોડની ટીમની છબી
Play Video
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 17, 2026, 07:33 AM IST

જામનગર શહેરમાં સોમવારે ત્યારે અચાનક ચકચાર મચી ગઈ જ્યારે જામનગર મહાનગરપાલિકાને બોમ્બ હોવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યાની માહિતી સામે આવી. આ ઈ-મેલ મળતા જ મહાનગરપાલિકા તંત્ર, પોલીસ વિભાગ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ તરત જ હરકતમાં આવી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા બિલ્ડિંગ અને આસપાસના સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ હેઠળ લઈ લેવામાં આવ્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, મહાનગરપાલિકાના સત્તાવાર ઈ-મેલ પર અજાણ્યા વ્યક્તિ દ્વારા બોમ્બ હોવાનો સંદેશ મોકલવામાં આવ્યો હતો. ઈ-મેલની માહિતી મળતા જ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી અને સુરક્ષા સંબંધિત તમામ એજન્સીઓને એલર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને બોમ્બ ડિટેક્શન ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

સુરક્ષા એજન્સીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

બોમ્બની ધમકીની જાણ થતાં જ જામનગર પોલીસ ઉપરાંત બોમ્બ સ્ક્વોડ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને અન્ય સુરક્ષા એજન્સીઓની ટીમો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી ગઈ હતી.

અધિકારીઓએ કોઈપણ જોખમ ટાળવા માટે સમગ્ર બિલ્ડિંગને ઘેરી લીધું હતું. બોમ્બ સ્ક્વોડ દ્વારા વિશેષ સાધનોની મદદથી બિલ્ડિંગના વિવિધ વિભાગો, ઓફિસો, બેઠકખંડો, સ્ટોરરૂમ અને પાર્કિંગ વિસ્તારની તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષા દળોએ બિલ્ડિંગની અંદર અને બહાર દરેક શંકાસ્પદ વસ્તુ પર નજર રાખી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઓપરેશન દરમિયાન અધિકારીઓ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા.

આ પણ વાંચો: ભાવનગરથી સુરત જઈને 22 વર્ષીય પરણિતાએ જીવન ટૂંકાવ્યું : એવું તો શું થયું કે 1.5 વર્ષની બાળકી માત્ર 3 માસમાં બની ગઈ અનાથ?

મુખ્ય પ્રવેશદ્વાર બંધ, અવરજવર પર પ્રતિબંધ

સુરક્ષાના ભાગરૂપે મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશદ્વારને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. કોઈપણ વ્યક્તિને બિલ્ડિંગની અંદર પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી. આ ઉપરાંત બિલ્ડિંગની અંદર હાજર કર્મચારીઓ અને મુલાકાતીઓને સુરક્ષા માર્ગદર્શિકા અનુસાર જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં પણ બેરિકેડિંગ કરીને લોકોની અવરજવર પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની બેદરકારી રાખવામાં આવશે નહીં અને તમામ જરૂરી સુરક્ષા પગલાં અમલમાં રહેશે.

દરેક વિભાગમાં સઘન ચેકિંગ

સુરક્ષા એજન્સીઓ દ્વારા મહાનગરપાલિકાના તમામ વિભાગોમાં વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડના નિષ્ણાતો દ્વારા ખાસ ડિટેક્શન સાધનોની મદદથી શંકાસ્પદ વસ્તુઓ અને સામાનની ચકાસણી કરવામાં આવી હતી.

મહાનગરપાલિકાની વિવિધ ઓફિસો, રેકોર્ડ રૂમ, જાહેર સેવા વિભાગો, મીટિંગ હોલ તેમજ અન્ય સ્થળોની સઘન તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત બિલ્ડિંગની બહાર પાર્ક કરાયેલા વાહનો અને આસપાસના વિસ્તારોની પણ તપાસ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કોઈપણ માહિતી અથવા ધમકીને હળવાશથી લેવામાં આવતી નથી અને દરેક સંજોગોમાં સંપૂર્ણ તપાસ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવે છે.

આ પણ વાંચો: 'આદિત્ય' બની મહિલાઓનું શારીરિક શોષણ કરનાર 'કરીમ' સકંજામાં : 8000 અશ્લીલ વીડિયો, લેપટોપનો ડેટા અને FSL તપાસમાં ઉચકાશે રહસ્ય પરથી પડદો

ઈ-મેલ મોકલનાર અંગે તપાસ શરૂ

બોમ્બની ધમકી આપતો ઈ-મેલ ક્યાંથી મોકલવામાં આવ્યો, તેની પાછળ કોણ છે અને તેનો હેતુ શું હતો તે અંગે પણ સાયબર ક્રાઇમ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે. ઈ-મેલનો ટેક્નિકલ ટ્રેસ મેળવવા અને તેની મૂળ માહિતી સુધી પહોંચવા માટે ડિજિટલ ફોરેન્સિક વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે. જો આ ધમકી ખોટી સાબિત થશે તો જવાબદાર વ્યક્તિ સામે કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

તાજેતરના વર્ષોમાં દેશના વિવિધ શહેરોમાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને જાહેર સ્થળોને આવી પ્રકારની ધમકીભર્યા ઈ-મેલ મળવાના બનાવો સામે આવ્યા છે. તેથી સુરક્ષા એજન્સીઓ દરેક ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે.

આ પણ વાંચો: વડોદરા ભાજપમાં હાઇકમાન્ડનો ‘માસ્ટરસ્ટ્રોક’? : 30 વર્ષ જૂની પરંપરા બંધ, હવે VMC ના નિર્ણયો પર સીધી CM-DyCM ની નજર

કર્મચારીઓ અને નાગરિકોમાં ચિંતા

મહાનગરપાલિકા શહેરના હજારો નાગરિકો માટે રોજિંદી કામગીરીનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. અચાનક બોમ્બની ધમકી મળતાં કર્મચારીઓ તેમજ કામકાજ માટે આવેલા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિને ઝડપી કાબૂમાં લઈને કોઈપણ પ્રકારની ગભરાટની સ્થિતિ સર્જાય નહીં તે માટે સતત કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ પણ કરી હતી.

સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવવાની ધમકી

સુરત મહાનગરપાલિકાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડૉગ સ્ક્વોડે પાલિકાની મુખ્ય કચેરીમાં સઘન સર્ચ ઓપરેશન કર્યું. તમામ વિભાગો અને પાર્કિંગ વિસ્તારની તપાસ હાથ ધરાઈ.આસપાસના સમગ્ર પરિસરમાં સુરક્ષા વધુ કડક બનાવાઈ. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખી દરેક એંગલથી તપાસ ચાલી રહી છે. ધમકી આપનાર કોણ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી. હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી હોવાની સત્તાવાર માહિતી સામે આવી નથી.

વડોદરા મનપાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં સમગ્ર તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ધમકીભર્યો મેઈલ મ્યુનિસિપલ કમિશનર અને મેયરના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે, જેને પગલે સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, આ ઈ-મેઈલ કોણે અને ક્યાંથી મોકલ્યો છે તે દિશામાં સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઈ-મેઈલનું આઈપી (IP) એડ્રેસ ટ્રેસ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પાલિકાના કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે પરિસ્થિતિ પર પૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ દેશના વિવિધ શહેરોની સંસ્થાઓને આવા ફેક ઈ-મેઈલ મળ્યા હોવાના કિસ્સા બન્યા છે, ત્યારે વડોદરા પોલીસ આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now