છોકરી બતાવી દલાલો 50,000 થી 2,50,000 રૂપિયા પડાવે છે, લગ્ન બાદ દુલ્હન દાગીના-રોકડ લઈને રફુચક્કર
ગુજરાતના જૂનાગઢ સહિત વિવિધ જિલ્લાઓમાં લગ્ન કરવા ઈચ્છતા નવયુવાનો અને છૂટાછેડા લીધેલા પુરુષોને નિશાન બનાવતી એક આંતરરાજ્ય 'લૂંટેરી દુલ્હન' અને લેભાગુ દલાલોની સંગઠિત ટોળકી સક્રિય થઈ હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. લગ્ન જેવા પવિત્ર બંધનનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આ ગેંગ નિર્દોષ યુવકો પાસેથી લાખો રૂપિયા પડાવી રહી છે. સ્થાનિક કક્ષાએ પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા આખરે પીડિતોએ ન્યાય માટે રાજ્યના પોલીસ વડા (DGP) અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે.
નકલી માતા-પિતા અને સંબંધીઓનું આખું નેટવર્ક
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ચોંકાવનારી છે. દલાલો લગ્ન ઉત્સુક યુવકોના પરિવારનો સંપર્ક કરીને સુરત, નવસારી, કામરેજ અથવા મહારાષ્ટ્રના માલેગાંવ જેવા વિસ્તારોમાં છોકરી બતાવવા લઈ જાય છે. છોકરી પસંદ આવતા જ ટોકન અને ખર્ચના નામે 50,000 રૂપિયાથી લઈને 2,50,000 રૂપિયા કે તેથી વધુની રકમ ઓનલાઈન અથવા રોકડીથી વસૂલવામાં આવે છે. પકડાઈ જવાના ડરથી લગ્ન કોઈ મંદિર કે કોર્ટમાં ખૂબ જ સાદાઈથી કરાર આધારિત કરાવવામાં આવે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે છોકરી જોવા જતી વખતે જે લોકો માતા-પિતા કે ભાઈ-બહેન તરીકે ઓળખાણ આપે છે, તેઓ વાસ્તવમાં નકલી હોય છે. આ આખી ગેંગ લોહીના સંબંધોનું નાટક કરીને લોકોને છેતરે છે.
ઘરે આવીને કકળાટ કરવો અને ભાગી જવું એ જ પ્લાન
લગ્ન પછી કન્યા થોડા દિવસ સાસરીમાં સારી રીતે રહે છે અને પછી અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ માવતરે જવાનું કહીને નીકળી જાય છે. જો કન્યાને માવતરે જવાનો મોકો ન મળે, તો તે સાસરીયાઓ પર શારીરિક-માનસિક ત્રાસના ખોટા આક્ષેપો કરવાનું શરૂ કરે છે, કપડાં ફાડીને 181 અભયમ હેલ્પલાઇન કે પોલીસને ફોન કરવાની ધમકી આપે છે. કંટાળીને પતિ તેને મૂકી જાય એટલે તે દાગીના અને રોકડ રકમ લઈને કાયમ માટે ગાયબ થઈ જાય છે.
ભોગ બનનારા પીડિતોની આપવીતી
પ્રદીપભાઈ (પિખોર ગામ): દલાલ સુનિલ ડાકી તેમને છોકરી બતાવવા સુરત લઈ ગયો હતો. લગ્ન નક્કી થતાં પ્રદીપભાઈ પાસેથી કુલ 1,80,000 રૂપિયા પડાવી લેવાયા હતા. લગ્ન બાદ જાગૃતિ નામની યુવતીએ ઘરમાં કકળાટ શરૂ કર્યો, પોતાના કપડાં જાતે ફાડીને પોલીસ અને અભયમમાં ખોટી ફરિયાદો કરી અને અંતે પૈસા-દાગીના લઈને ચાલી ગઈ.
મનીષભાઈ સોલંકી (જૂનાગઢ): તેઓ કુરિયર કંપનીમાં નોકરી કરે છે. મહારાષ્ટ્રના માલેગાંવમાં લગ્ન કરાવી આપવાના નામે અબ્દુલ રહેમાન અને મોહમ્મદ અર્શદ નામના દલાલોએ તેમની પાસેથી 2,00,000 રૂપિયા પડાવ્યા હતા. લગ્ન બાદ યુવતી લાખોના દાગીના અને 5,000 રૂપિયા રોકડા લઈને રાતોરાત ભાગી ગઈ હતી.
ધવલભાઈ સતાસિયા (વાડાસીમડી ગામ): તેમની પાસેથી પણ આ જ રીતે લગ્નના નામે દલાલોએ 2,50,000 રૂપિયા પડાવી લીધા હતા.
પોલીસની કામગીરી સામે સવાલો, માનવ તસ્કરીનો ગુનો નોંધવા માંગ
જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ ઓબીસી સેલના મહામંત્રી વી. ટી. સીડાએ આ મામલે સરકાર અને તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 3 વર્ષથી આવા અસંખ્ય કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પીડિત યુવાનો જ્યારે પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધવામાં 6-6 મહિનાનો વિલંબ કરે છે અથવા અરજી લઈને મામલો રફેદફે કરી દે છે.
તેમણે DGPને પત્ર લખીને માંગ કરી છે કે આ માત્ર છેતરપિંડી નથી પરંતુ માનવ તસ્કરી (Human Trafficking) નો ગંભીર ગુનો છે. આ નેટવર્ક ચલાવતા દલાલો અને નકલી કન્યાઓ વિરુદ્ધ તાત્કાલિક અસરથી કડક કલમો હેઠળ ગુનો નોંધીને પીડિતોને ન્યાય અપાવવામાં આવે.






