Home Gujarat Kalpesh Shah Gets Interim Bail Supreme Court Nal Se Jal Scam

123 કરોડના 'નળ સે જળ' કૌભાંડમાં કલ્પેશ શાહને SCએ આપી રાહત : 2 કરોડ જમા કરાવવાની શરતે આપ્યા જામીન

કોન્ટ્રાક્ટર કલ્પેશકુમાર શાહની છબી
Image Credit: OBS Bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 15, 2026, 07:38 AM IST

મહીસાગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા અંદાજે 123 કરોડ રૂપિયાના 'નળ સે જળ' યોજના કૌભાંડ મામલે આરોપી કોન્ટ્રાક્ટર કલ્પેશકુમાર શાહને ભારતની સર્વોચ્ચ અદાલત તરફથી મહત્વપૂર્ણ રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમને રૂપિયા 2 કરોડ જમા કરાવવાની શરતે જામીન મંજૂર કર્યા છે. આ કેસમાં અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાહત ન મળતા કલ્પેશ શાહે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત સરકારને નોટિસ જારી કરીને 6 અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ અંતિમ સુનાવણી સુધી આરોપીને શરતી વચગાળાની રાહત આપવામાં આવી છે.

2 કરોડ જમા કરાવવાની શરતે મળી રાહત

સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે કલ્પેશકુમાર શાહે કોર્ટની રજિસ્ટ્રી સમક્ષ રૂપિયા 2 કરોડ જમા કરાવવા પડશે. આ શરતનું પાલન થયા બાદ જ તેમને વચગાળાના જામીનનો લાભ મળશે. કોર્ટના આ નિર્ણયને કેસમાં મહત્વપૂર્ણ વિકાસ માનવામાં આવી રહ્યો છે. જોકે, આ રાહત અંતિમ નિર્ણય નથી અને કેસની આગળની સુનાવણી તથા તપાસના આધારે કાનૂની પ્રક્રિયા ચાલુ રહેશે.

આ પણ વાંચો: ભાવનગરનાં પાલીતાણામાં રૂપિયાની લેતીદેતીનો વિવાદ બન્યો જીવલેણ : મારામારી થતા મળ્યું મોત, એક ગંભીર

CID ક્રાઈમમાં નોંધાયા છે ગંભીર ગુનાઓ

કલ્પેશ શાહ સામે વડોદરા CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે. FIR મુજબ તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 406, 409, 420 અને 467 હેઠળ ગુનાઓ નોંધાયા છે. આ કલમો વિશ્વાસઘાત, સરકારી નાણાંના દુરુપયોગ, છેતરપિંડી અને દસ્તાવેજી ગેરરીતિ જેવા ગંભીર આરોપોને આવરી લે છે.

આ ઉપરાંત તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) હેઠળ પણ ગુનો નોંધાયો છે. તપાસ એજન્સીઓના મતે સમગ્ર મામલો જાહેર નાણાંના દુરુપયોગ અને ખોટા દસ્તાવેજોના આધારે સરકારી રકમ ઉપાડી લેવાનો છે.

આ પણ વાંચો: લગ્ન ઇચ્છુક યુવકો ચેતજો, લૂંટેરી દુલ્હન ગેંગ તમને બનાવી શકે છે શિકાર : લગ્ન બાદ પહેલાં દુલ્હન ઘરમાં કરે છે કકળાટ, પછી દાગીના-રોકડ લઈને થઈ જાય છે રફુચક્કર

45 ગામોમાં ગેરરીતિનો આરોપ

તપાસ દરમિયાન સામે આવેલા આક્ષેપો અનુસાર મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ‘નળ સે જળ’ યોજના હેઠળ કામ દર્શાવી કરોડો રૂપિયાની ગેરરીતિ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓના દાવા મુજબ ખાનપુર તાલુકાના 30 ગામ, લુણાવાડા તાલુકાના 11 ગામ, સંતરામપુર તાલુકાના 2 ગામ, કડાણા તાલુકાના 1 ગામ અને બાલાસિનોર તાલુકાના 1 ગામ સહિત કુલ 45 ગામોમાં ખોટા બિલો, ખોટા માપપત્રકો અને ખોટા પ્રગતિ અહેવાલોના આધારે સરકારી નાણાં ઉપાડવામાં આવ્યા હોવાના આરોપો છે. તપાસમાં અનેક સ્થળોએ કામ અધૂરું હોવા છતાં પૂર્ણ બતાવાયું હોવાના તથા કેટલાક કિસ્સાઓમાં કાગળ પર જ કામ પૂર્ણ દર્શાવાયું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

કરોડોની રિકવરીનો દાવો

તપાસ દરમિયાન કોન્ટ્રાક્ટર કલ્પેશ શાહ પાસેથી રૂપિયા 4,58,50,759ની વસૂલાત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે આ રકમ કૌભાંડ સાથે સંકળાયેલી નાણાકીય ગેરરીતિઓનો એક ભાગ હોઈ શકે છે. હાલ તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ અધિકારીઓ, કર્મચારીઓ અથવા ખાનગી વ્યક્તિઓની સંડોવણી હતી કે નહીં.

આ પણ વાંચો: ગ્રિલ તોડી, CCTV ફોડ્યા અને ભાગી છૂટ્યા : રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી ફરાર થયેલા 11 બાળ આરોપીમાંથી 5 બાળ આરોપી ઝડપાયા

રાજકીય ચર્ચાઓ પણ તેજ

કલ્પેશ શાહનું નામ સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચામાં રહ્યું છે. તેઓ ભાજપ સાથે જોડાયેલા હોવાનું અને લુણાવાડા વ્યાપારી સેલમાં જવાબદારી સંભાળતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે કેસની તપાસ કાનૂની પ્રક્રિયા હેઠળ ચાલી રહી હોવાથી તપાસ એજન્સીઓ પુરાવાના આધારે જ આગળ વધી રહી છે. રાજકીય પક્ષો વચ્ચે પણ આ મુદ્દે આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ શરૂ થયા છે. વિરોધ પક્ષો દ્વારા સમગ્ર કેસની પારદર્શક તપાસની માંગ ઉઠાવવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now