રાજકોટના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળ આરોપીઓ ફરાર થઈ જવાના મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાના કેટલાક કલાકોમાં પોલીસે કાર્યવાહી તેજ બનાવી હતી અને અત્યાર સુધીમાં કુલ 11માંથી 5 બાળ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે. જોકે હજુ પણ 6 બાળ આરોપીઓ લાપતા હોવાથી પોલીસ તંત્ર માટે આ કેસ પડકારરૂપ બન્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર ફરાર થયેલા બાળ આરોપીઓમાંથી બેને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારમાંથી અને અન્ય બેને વિરમગામ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા છે. અગાઉ એક બાળ આરોપી પોલીસ હાથે ઝડપાયો હતો. આમ કુલ પાંચ બાળ આરોપીઓ ફરીથી પોલીસ કસ્ટડીમાં આવી ચૂક્યા છે. બાકીના છ આરોપીઓની શોધખોળ માટે રાજ્યભરમાં પોલીસનું જાળ બિછાવવામાં આવ્યું છે.
13 ટીમો શોધખોળમાં જોડાઈ
ફરાર થયેલા બાળ આરોપીઓને શોધવા માટે રાજકોટ પોલીસે વિશેષ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં કુલ 13 ટીમો કાર્યરત કરવામાં આવી છે. આ ટીમોમાં સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ અને ટેકનિકલ સર્વેલન્સ યુનિટના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પોલીસ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, હાઇવે, જાહેર સ્થળો તેમજ સંભવિત છુપાવાના સ્થળો પર તપાસ ચલાવી રહી છે. સાથે જ અન્ય જિલ્લાઓની પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે જેથી કોઈપણ સ્થળે બાળ આરોપીઓ દેખાય તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે.
રૂમની ગ્રિલ અને CCTV તોડી ફરાર થયા
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. બાળ આરોપીઓએ માત્ર તકનો લાભ લઈને નહીં, પરંતુ પૂર્વ આયોજન સાથે ફરાર થવાનો કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે બાળકો સૌપ્રથમ રૂમની લોખંડની ગ્રિલ તોડી હતી. ત્યારબાદ સીસીટીવી કેમેરાઓને નુકસાન પહોંચાડી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવી કેમેરા તોડવામાં આવ્યા હોવાથી ઘટનાક્રમના કેટલાક ભાગોની માહિતી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જોકે ઉપલબ્ધ ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની કડી જોડવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: Salangpur વિવાદ અંગે મંદિરનો ખુલાસો : 'હનુમાનજી સૌના છે, કોપીરાઈટ માત્ર મૂર્તિનો છે, પૂજા પર કોઈ રોક નથી'
અગાઉથી જ બનાવાયો હતો ફરાર થવાનો પ્લાન
તપાસ દરમિયાન સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે બાળ આરોપીઓએ ભાગવાની યોજના પહેલેથી જ તૈયાર કરી હતી. તેઓએ કઈ રીતે ગ્રિલ તોડવી, કયા સમયે ભાગવું અને કયા માર્ગે બહાર નીકળવું તે અંગે અગાઉથી ચર્ચા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસને શંકા છે કે કેટલાક દિવસોથી આ યોજના પર કામ ચાલી રહ્યું હતું. ફરાર થયેલા બાળકો ગૃહની અંદરની સુરક્ષા વ્યવસ્થા અને નબળા સ્થળોથી સારી રીતે પરિચિત હતા. આ કારણે તેઓ એકસાથે ભાગવામાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો: રંગીનમિજાજી લોકોને ખુશ કરવા સુરતની હોટલમાં ચાલતું હતું કુટણખાનું! : જાણો કેવી રીતે ચાલતો હતો સમગ્ર ખેલ?
સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો
આટલી મોટી સંખ્યામાં બાળ આરોપીઓ એકસાથે ફરાર થઈ જાય અને તાત્કાલિક કોઈને જાણ ન થાય તે બાબતે ગંભીર સવાલો ઊભા થયા છે. બાળ સંરક્ષણ ગૃહમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક હતી અને રાત્રિના સમયે દેખરેખ કેવી રીતે રાખવામાં આવતી હતી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
CCTV, સુરક્ષા કર્મચારીઓ અને અન્ય વ્યવસ્થાઓ હોવા છતાં 11 બાળ આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા, જેના કારણે ગૃહના સંચાલન અને સુરક્ષા પ્રોટોકોલ અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજ્યના સંબંધિત વિભાગો દ્વારા પણ સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. બાળ આરોપીઓ ઝડપાઈ જાય અને તેમની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વિવિધ જિલ્લાઓમાં સંકલિત કામગીરી ચાલી રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બાકીના છ બાળ આરોપીઓને શોધવા માટે તમામ શક્ય ટેકનિકલ અને માનવબળ આધારિત સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં વધુ ધરપકડ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.





