તાજેતરમાં સાળંગપુર હનુમાનજી મંદિરને લઈને ઊભા થયેલા કોપીરાઈટ વિવાદ વચ્ચે મંદિર સંચાલક સંસ્થાએ વિગતવાર સ્પષ્ટતા જાહેર કરી છે. સંસ્થાએ જણાવ્યું છે કે હનુમાનજીના નામ, સ્વરૂપ કે પૂજા પર કોઈ પ્રકારનો કોપીરાઈટ લેવામાં આવ્યો નથી. માત્ર સાળંગપુરધામ ખાતે સ્થાપિત વિશિષ્ટ "કિંગ ઓફ સાળંગપુર" પ્રતિમા, તેના સુવર્ણ વાઘા અને સંસ્થાના સત્તાવાર લોગો માટે જ કોપીરાઈટ અને ટ્રેડમાર્કની કાનૂની નોંધણી કરાવવામાં આવી છે.
મંદિર ટ્રસ્ટના નિવેદન મુજબ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોમાં એવી ચર્ચાઓ થઈ રહી હતી કે સાળંગપુરધામે હનુમાનજી પર કોપીરાઈટ મેળવી લીધો છે. ટ્રસ્ટે આ પ્રકારના દાવાઓને ભ્રામક ગણાવતા જણાવ્યું છે કે ભગવાન હનુમાન સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ છે અને તેમના પર કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા ટ્રસ્ટનો માલિકી હક હોઈ શકે નહીં.
હનુમાનજીની પૂજા પર કોઈ પ્રતિબંધ નહીં
સંસ્થાએ ભારપૂર્વક જણાવ્યું છે કે હનુમાનજીનું નામ લેવાથી, તેમની પૂજા-અર્ચના કરવાથી, પાઠ-જાપ કરવાથી અથવા નવા હનુમાન મંદિરો સ્થાપવાથી કોઈને રોકવામાં આવી રહ્યું નથી. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર સનાતન પરંપરામાં દેવતાઓ પર કોઈ વ્યક્તિગત માલિકીનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "હનુમાનજી સૌના છે અને સદૈવ સૌના રહેશે." ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે કોપીરાઈટ અને ટ્રેડમાર્ક માત્ર ચોક્કસ ડિઝાઇન, કલાત્મક રચના અને સંસ્થાની ઓળખ સાથે સંકળાયેલા મુદ્દાઓ માટે લેવામાં આવ્યા છે, ધાર્મિક આસ્થા કે ઉપાસનાને નિયંત્રિત કરવા માટે નહીં.
નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજથી ચિંતા
સાળંગપુરધામના સંચાલકોના જણાવ્યા મુજબ 54 ફૂટ ઊંચી "કિંગ ઓફ સાળંગપુર" પ્રતિમાની સ્થાપના બાદ કેટલાક અસામાજિક તત્વોએ મંદિરના નામનો ગેરલાભ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ટ્રસ્ટના દાવા અનુસાર અનેક નકલી વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા પેજ બનાવીને ભક્તોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા.
સંસ્થાએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકો દ્વારા સાળંગપુરધામના નામે ઓનલાઈન રૂમ બુકિંગ, વિશેષ દર્શન, દાન અને અન્ય સેવાઓના બહાને ભક્તો પાસેથી રકમ વસૂલવામાં આવી રહી હતી. આ પ્રવૃત્તિઓના કારણે માત્ર આર્થિક નુકસાન જ નહીં પરંતુ ભક્તોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચી રહી હોવાનું ટ્રસ્ટનું કહેવું છે.
આ પણ વાંચો: “સમય આવશે ત્યારે ખુલ્લા પાડીશ” : ભરૂચના સાંસદ મનસુખ વસાવા વિફર્યા! પોતાની જ પાર્ટીના કેટલાક કાર્યકરો પર કર્યા આકરા પ્રહાર
ધાર્મિક સામગ્રીના ગેરકાયદે વેચાણનો આરોપ
મંદિર સંચાલકોના જણાવ્યા મુજબ બજારમાં "કિંગ ઓફ સાળંગપુર"ના નામે નકલી મૂર્તિઓ, ફોટોગ્રાફ્સ, સુવર્ણ વાઘા, માળાઓ, દોરા, તિલક અને અન્ય ધાર્મિક સામગ્રીનું વેચાણ થઈ રહ્યું હતું. આ સામગ્રીને અધિકૃત હોવાનું દર્શાવીને ભક્તોને ભ્રમિત કરવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.
ટ્રસ્ટનું કહેવું છે કે આવા વેપારથી ભક્તો વિશ્વાસમાં આવી જતા હતા અને ઘણીવાર અસલી તથા નકલી સામગ્રી વચ્ચેનો તફાવત જાણી શકતા નહોતા. પરિણામે સંસ્થાની પ્રતિષ્ઠા અને ભક્તોની આસ્થા બંનેને નુકસાન પહોંચતું હતું.
આ પણ વાંચો: મોરબીથી શરૂ થયેલી ચિંગારી હવે રાજ્યવ્યાપી આંદોલન બનશે! : આજે ગાંધીનગર ગજવશે ખેડૂતોની 'ટ્રેક્ટર રેલી'
ચીનથી નકલી મૂર્તિઓ મંગાવવાના આક્ષેપ
સંસ્થાએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવતા જણાવ્યું છે કે કેટલાક વેપારીઓ દ્વારા ચીન સહિતના વિદેશી સ્ત્રોતોમાંથી મૂર્તિઓ તૈયાર કરાવીને તેને "કિંગ ઓફ સાળંગપુર" સાથે જોડાયેલી હોવાનું કહી વેચાણ કરવામાં આવતું હતું. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આ પ્રકારની પ્રવૃત્તિઓ માત્ર વ્યાપારી હેતુસર નહીં પરંતુ ધાર્મિક પવિત્રતાને પણ અસર કરતી હતી. સંસ્થાનું માનવું છે કે ભક્તોને અસલી અને અધિકૃત પ્રતિમાની ઓળખ મળી રહે તે માટે કાનૂની સુરક્ષા જરૂરી બની હતી.
કાનૂની સલાહ બાદ લેવાયો નિર્ણય
મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ વિવિધ ફરિયાદો અને ભક્તો પાસેથી મળેલા પ્રતિસાદ બાદ કાનૂની નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી. ત્યારબાદ "કિંગ ઓફ સાળંગપુર" પ્રતિમા, તેના વિશિષ્ટ સુવર્ણ વાઘા અને સંસ્થાના લોગોને ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ સુરક્ષા હેઠળ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે આ પગલું કોઈ વ્યક્તિ અથવા ધાર્મિક સંસ્થાને રોકવા માટે નહીં, પરંતુ ટ્રેડમાર્ક ચોરી, નકલી ઉત્પાદનો અને ઓનલાઈન છેતરપિંડી સામે રક્ષણ મેળવવા માટે લેવામાં આવ્યું છે.
સનાતન ધર્મની એકતા જળવાઈ રહે તેવી અપીલ
સાળંગપુર મંદિર ટ્રસ્ટે અંતે તમામ સંતો, ભક્તો અને સમાજના આગેવાનોને અપીલ કરી છે કે આ મુદ્દાને લઈને ગેરસમજ ફેલાવવામાં ન આવે. સંસ્થાએ જણાવ્યું છે કે સનાતન ધર્મની એકતા અને ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહે તે સૌથી મહત્વનું છે.
ટ્રસ્ટના નિવેદન અનુસાર કોપીરાઈટ અને ટ્રેડમાર્કનો હેતુ માત્ર ભક્તોને છેતરપિંડીથી બચાવવાનો છે. હનુમાનજીના નામ, ભક્તિ અથવા પૂજા સાથે તેનો કોઈ સંબંધ નથી. સંસ્થાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભગવાન પર કોઈનો અધિકાર નથી અને હોઈ પણ શકતો નથી.






