Gujarat Farmer Relly: રાજ્યના ખેડૂતો હવે પોતાના હક અને અધિકાર માટે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. ખાનગી વીજ કંપનીઓની કથિત દાદાગીરી અને જોહુકમી સામે સમગ્ર ગુજરાતના ખેડૂતોએ મોરચો માંડ્યો છે. આ આક્રોશના ભાગરૂપે આજે ગાંધીનગર સુધી એક વિશાળ 'ખેડૂત અધિકાર યાત્રા' એટલે કે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના જેતપર ગામથી શરૂ થયેલી વિરોધની ચિંગારી હવે સમગ્ર રાજ્યમાં પ્રસરી ગઈ છે અને હજારો ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે.
NEET કૌભાંડમાં વધુ 3ની ધરપકડ : ટેલિગ્રામ પર પેપર વેચવાના નામે લાખોની કરાઈ ઠગાઈ
શું છે સમગ્ર વિવાદ? ખેડૂતો રોષે ભરાયા?
ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ખાનગી વીજ કંપનીઓ વિકાસના નામે તેમના ખેતરોમાં યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ હાઈટેન્શન (હેવી વીજલાઈન) ના થાંભલા ઊભા કરી રહી છે. ખેડૂતોની સંમતિ લીધા વિના કંપનીઓ જમીનમાં ઘૂસી જાય છે. ખેડૂતોનો આરોપ છે કે સ્થાનિક તંત્ર અને પોલીસને સાથે રાખીને ખેડૂતોને ડરાવવામાં-ધમકાવવામાં આવે છે. મોરબીના જેતપર ગામે વીજ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે બળજબરી કરાતા વિરોધ કરી રહેલા નિર્દોષ ખેડૂતો, મહિલાઓ અને બાળકો પર પણ લાઠીઓ વરસાવવામાં આવી હતી, જેણે આ આંદોલનમાં ઘી હોમવાનું કામ કર્યું છે. અમે વિકાસના વિરોધી નથી, પણ અમારી કિંમતી જમીનોનું યોગ્ય વળતર મળવું જ જોઈએ. પોલીસને આગળ ધરીને ખેડૂતોનો અવાજ દબાવી શકાય નહીં."
વિરમગામ હાઇવેથી ગાંધીનગર કૂચ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આજે સવારે 9 વાગ્યાથી 'ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ'ના નેજા હેઠળ આ લડત પ્રબળ બની છે. વિરમગામ હાઇવે પર મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે એકઠા થયા છે.
વીજળીના બિલમાં વધારો કોણ નક્કી કરે છે? : જાણો વીજ દર વધવા પાછળના મુખ્ય કારણો
રેલીનો રૂટ અને સંભવિત ઘર્ષણ
1. રેલી વિરમગામથી નીકળી શાંતિપુરા સર્કલ થઈને ઓગણજ સભા સ્થળે પહોંચશે.
2. પોલીસ તંત્ર દ્વારા માત્ર ઓગણજ સુધીની જ મંજૂરી આપવામાં આવી છે.
3. ઓગણજ ખાતે સભા પૂર્ણ થયા બાદ જો ખેડૂતો ગાંધીનગર તરફ આગળ વધવાનો પ્રયાસ કરશે, તો પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થવાની પૂરેપૂરી સંભાવના છે.
દક્ષિણ ગુજરાત, મોરબી અને સુરેન્દ્રનગરથી ખેડૂતોનો ઘોડાપૂર
આ આંદોલન માત્ર એક વિસ્તાર પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોનો ટેકો મળી રહ્યો છે. રવિવાર સવારથી જ મોરબી જિલ્લામાંથી 400થી વધુ ટ્રેક્ટરો સાથે ખેડૂતોનો કાફલો ગાંધીનગર જવા રવાના થયો હતો. દક્ષિણ ગુજરાતમાંથી પણ ખેડૂતો ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા. રવિવારે અંકલેશ્વર ખાતે પોલીસે ખેડૂત આગેવાનોની અટકાયત કરતા મામલો ગરમાયો હતો. ભારે વિરોધ બાદ પોલીસે તેમને બે કલાકમાં મુક્ત કરવા પડ્યા હતા. આજે દક્ષિણ ગુજરાતમાંથી 200 જેટલી મોટરો (ગાડીઓ) નો કાફલો પણ આ રેલીમાં જોડાશે.
માત્ર વીજલાઈન નહીં, ખેડૂતોના અન્ય પ્રશ્નો પણ ગાજશે
ખેડૂત નેતાઓના જણાવ્યા મુજબ, આ યાત્રા માત્ર પાવર ગ્રીડના અન્યાય સામે જ નથી, પરંતુ ગુજરાતના ખેડૂતો લાંબા સમયથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેનો આક્રોશ આજે ગાંધીનગરમાં જોવા મળશે.
જમીન માપણીમાં થયેલી ગેરરીતિઓ.
પાક સંબંધિત વળતર અને વીમાના પ્રશ્નો.
પશુપાલકો માટે દૂધના ભાવ વધારાની માંગ.
બજારમાં મળતા નકલી બિયારણ અને ખાતરના સતત વધતા ભાવ.
‘કાજલ હિન્દુસ્તાનીને અધૂરી માહિતી છે’ : વિનુ મોરડિયાના બચાવમાં આવ્યા ભાજપના નેતા સ્વાતિ સોસા
સરકારને છેલ્લું અલ્ટીમેટમ
ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે આ ટ્રેક્ટર રેલી એ સરકાર માટે એક 'અલ્ટીમેટમ' છે. જો સરકાર હજુ પણ ખેડૂતોની વાત શાંતિથી નહીં સાંભળે અને ખાનગી કંપનીઓની દાદાગીરી પર લગામ નહીં લગાવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર અને વ્યાપક સ્વરૂપ ધારણ કરશે. હાલ તો આખી છાવણી ઓગણજ સભા સ્થળ તરફ આગળ વધી રહી છે અને ગાંધીનગર સચિવાલયમાં પણ આ હલચલને પગલે દોડધામ મચી ગઈ છે.






