Gir Somnath: ગુજરાત ભાજપમાં આંતરિક જૂથબંધી અને અસંતોષ ફરી એકવાર જાહેરમાં સપાટી પર આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામાં યોજાયેલા એક જાહેર સમારોહમાં તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગા બારડનો દબાયેલો આક્રોશ ફાટી નીકળ્યો હતો. તેમણે નામ લીધા વિના ભાજપના જ સ્થાનિક નેતૃત્વ અને વહીવટી તંત્ર સામે સીધો મોરચો માંડતા કહ્યું કે, "જો અહીં બેઠેલા લોકો મને કહેશે તો, હું અત્યારે જ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ."
સન્માન સમારોહમાં જ ઠાલવ્યો ઉભરો
બાદલપરા ગામ ખાતે રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર હતા. મંચ પરથી બોલતા ભગા બારડે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે, સરકારમાં તેમના કામો થવા દેવામાં આવતા નથી અને જાણીજોઈને બધા જ વિકાસકામો અટકાવી દેવામાં આવી રહ્યા છે. ભાજપની આંતરિક જૂથબંધી એટલી હદે વકરી ગઈ છે કે ધારાસભ્યના કામોમાં પક્ષના જ લોકો અડચણ ઊભી કરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
"હું મારી રીતે કામ કરવા ટેવાયેલો છું"
ભગા બારડે પોતાના વિરોધીઓને આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે હું મારી રીતે કામ કરવા ટેવાયેલો છું. એ લોકો ધારે છે એવી રીતે મારાથી કામ નહીં થાય. ચૂંટણી પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભગા બારડના આ તેવર સ્પષ્ટ કરે છે કે તેમને હવે કેસરીયો રંગ માફક આવી રહ્યો નથી અને ભાજપથી તેમનો મોહભંગ થઈ ચૂક્યો છે.
2027ની ચૂંટણી અંગે વિવાદાસ્પદ નિવેદન
જાહેર મંચ પરથી પડકાર ફેંકતા ધારાસભ્યએ કહ્યું કે, "અહીંયા હાજર લોકોમાંથી 50 ટકા લોકો જો મને કહેશે, તો હું અત્યારે જ રાજીનામું ધરી દઈશ." આ સાથે જ તેમણે સ્થાનિક સ્તરની રાજકીય નબળાઈ સ્વીકારતા હોય તેમ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, 2027ની વિધાનસભાની ચૂંટણી તો આ પંચાયતની ચૂંટણીમાં જ લડાઈ ગઈ છે. ભગા બારડના આ નિવેદન બાદ ગીર સોમનાથ સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપની આંતરકલહ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.






