Vadodara SSG Hospital Controversy: રાજ્યની સૌથી મોટી સરકારી હોસ્પિટલોમાંની એક ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG Hospital) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. મૃતદેહોની જાળવણી અને કોલ્ડ રૂમ વ્યવસ્થાને લઈને હોસ્પિટલ તંત્ર દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયે ભારે ચર્ચા જગાવી હતી. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ (PM રૂમ)માં રાખવામાં આવતા મૃતદેહોની સ્થિતિ અંગે અગાઉથી જ સવાલો ઊભા થઈ રહ્યા હતા, ત્યારે હોસ્પિટલ પ્રશાસન દ્વારા મૃતકોના પરિવારજનો પાસેથી એક વિવાદાસ્પદ સંમતિ પત્રક ભરાવવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ફોર્મમાં ટેકનિકલ ખામી, વીજ પુરવઠો ખોરવાઈ જવો અથવા અન્ય કારણોસર જો કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ બગડી જાય તો તેની જવાબદારી હોસ્પિટલ કે, સ્ટાફની રહેશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવી હતી. આ માહિતી બહાર આવતા જ સોશિયલ મીડિયા સહિત વિવિધ સ્તરે ભારે વિરોધ શરૂ થયો હતો. આખરે સરકારની દખલગીરી અને લોકોના આક્રોશ બાદ હોસ્પિટલ પ્રશાસનને નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે.
મૃતદેહોની જાળવણી મુદ્દે અગાઉ પણ ઉઠ્યા હતા સવાલ
તાજેતરમાં SSG હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલા કેટલાક મૃતદેહો યોગ્ય તાપમાન અને જાળવણીના અભાવે બગડી ગયા હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. આ ઘટનાએ હોસ્પિટલની વ્યવસ્થા અને દેખરેખ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા. આ વિવાદ વચ્ચે હોસ્પિટલ તંત્રએ જવાબદારીમાંથી બચવા માટે મૃતકોના સ્વજનો પાસેથી સંમતિ પત્રક ભરાવવાનું શરૂ કર્યું હોવાનું સામે આવ્યું હતું. આ પગલાને લઈને આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો અને સામાજિક વર્તુળોમાં પણ આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું હતું.
ફોર્મમાં શું લખાયું હતું?
હોસ્પિટલ દ્વારા તૈયાર કરાયેલા ફોર્મમાં જણાવાયું હતું કે, ટેકનિકલ કારણોસર, વધુ તાપમાન, વીજળી જતી રહેવા અથવા કુદરતી આફત જેવી પરિસ્થિતિ સર્જાય અને તેના કારણે કોલ્ડ રૂમમાં રાખેલો મૃતદેહ બગડી જાય તો તેની જવાબદારી હોસ્પિટલ તંત્ર કે સ્ટાફની રહેશે નહીં. આ પ્રકારની જોગવાઈ સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરીને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે ત્યારે તેની જાળવણીની જવાબદારીમાંથી તંત્ર કેવી રીતે મુક્ત થઈ શકે?
આ પણ વાંચો: વડોદરાની SSGમાં હોબાળો: 2 દિવસમાં જ કોહવાયો મૃત દેહ, બેદરકારી છતા સ્ટાફની ઉદ્ધાતાઈનો આક્ષેપ
સોશિયલ મીડિયા પર ભારે વિરોધ
વિવાદિત ફોર્મની નકલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. અનેક યુઝર્સે હોસ્પિટલના આ નિર્ણયને અસંવેદનશીલ ગણાવ્યો હતો. ખાસ કરીને પોતાના સ્વજનોને ગુમાવ્યાના દુઃખમાં રહેલા પરિવારો પાસે આવું ફોર્મ ભરાવવું માનવતાવિહિન પગલું હોવાનું કહેવામાં આવ્યું હતું. સામાજિક કાર્યકરો અને નાગરિક સંગઠનોએ પણ હોસ્પિટલ પ્રશાસનના આ વલણની ટીકા કરી હતી અને તાત્કાલિક નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી.
સરકારની ફટકાર બાદ હોસ્પિટલ તંત્ર ઝૂક્યું
મામલો ચર્ચાનો વિષય બનતા રાજ્ય સરકાર પણ સક્રિય થઈ હતી. ગાંધીનગર સ્તરે આ મુદ્દે ગંભીર નોંધ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સરકાર તરફથી મળેલી કડક સૂચનાઓ બાદ હોસ્પિટલ તંત્રએ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કર્યો હતો. આખરે હોસ્પિટલ પ્રશાસને સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી કે, મૃતદેહ બગડવાની સ્થિતિમાં જવાબદારી ન લેવાનો નિર્ણય હવે અમલમાં રહેશે નહીં અને વિવાદિત ફોર્મ તાત્કાલિક અસરથી પાછું ખેંચી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: વડોદરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક!: રેલવે સ્ટેશનપાસે મોડી રાત્રે જીવલેણ હુમલો, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
હવે કોલ્ડ રૂમની જવાબદારી હોસ્પિટલની જ રહેશે
નવો નિર્ણય જાહેર કરતાં હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે કે કોલ્ડ રૂમ અને મૃતદેહોની જાળવણીની સંપૂર્ણ જવાબદારી અગાઉની જેમ હોસ્પિટલની જ રહેશે. તમામ ટેકનિકલ અને વહીવટી વ્યવસ્થાઓ સુચારુ રીતે જળવાઈ રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓની જાળવણી, જવાબદારી અને દર્દીઓ તેમજ તેમના પરિવારજનો પ્રત્યેની સંવેદનશીલતાને લઈને ફરી એકવાર ચર્ચા જગાવી છે.
આરોગ્ય વ્યવસ્થામાં જવાબદારીનું મહત્વ
નિષ્ણાતોનું માનવું છે કે આરોગ્ય સંસ્થાઓમાં માત્ર સારવાર જ નહીં પરંતુ મૃત્યુ બાદની પ્રક્રિયાઓમાં પણ માનવતા અને જવાબદારીનું પાલન થવું જરૂરી છે. ખાસ કરીને મૃતદેહોની જાળવણી જેવી સંવેદનશીલ બાબતોમાં કોઈપણ પ્રકારની બેદરકારી અથવા જવાબદારી ટાળવાનો પ્રયાસ જાહેર વિશ્વાસને નુકસાન પહોંચાડી શકે છે. SSG હોસ્પિટલનો આ વિવાદ હવે ભલે સમાપ્ત થયો હોય, પરંતુ આ ઘટનાએ સરકારી આરોગ્ય તંત્ર માટે અનેક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કર્યા છે.






