Fake Ghee Alert: અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા તત્વો હવે નિર્દોષ નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે. શહેરના નિકોલ વિસ્તારમાં આરોગ્ય વિભાગે બાતમીના આધારે દરોડા પાડીને નકલી ઘી બનાવવાનું એક મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. નવાઈની વાત એ છે કે, આ આખું કૌભાંડ કોઈ ફેક્ટરીમાં નહીં પરંતુ એક રહેણાંક મકાનમાં ગુપ્ત રીતે ચાલી રહ્યું હતું. મંગલમૂર્તિ બ્રાન્ડના નામે પેકિંગ કરીને આ નકલી ઘી બજારમાં વેચવા માટે તૈયાર કરવામાં આવતું હતું.
આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે, ભેળસેળિયાઓ વેજીટેબલ ફેટ અને પામોલિન તેલનું રાસાયણિક મિશ્રણ કરીને ડુપ્લીકેટ ઘી તૈયાર કરતા હતા. દેખાવમાં અસલી ઘી જેવું જ લાગતું આ ઘી લોકોના શરીર માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે. દરોડા દરમિયાન અધિકારીઓએ અંદાજે 500 કિલો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત આશરે 1.60 લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. વિભાગે હાલમાં આ સમગ્ર ખાદ્ય એકમને સીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
રહેણાંક મકાનમાં ચાલતી હતી નકલી ઘીની ફેક્ટરી
નિકોલના એક સામાન્ય રહેણાંક મકાનમાં ઘી બનાવવાની પ્રક્રિયા જોઈને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. મકાનની અંદર મોટા વાસણોમાં પામોલિન તેલ અને વેજીટેબલ ફેટને મિક્સ કરીને તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે એસેન્સ ઉમેરવામાં આવતું હતું. આ પ્રકારે કોઈ પણ જાતના હાઈજીન વગર બિનઆરોગ્યપ્રદ રીતે ઘી તૈયાર કરીને તેને આકર્ષક પેકિંગમાં ભરવામાં આવતું હતું જેથી ગ્રાહકોને અસલી અને નકલી વચ્ચેનો તફાવત ખબર ન પડે.

'મંગલમૂર્તિ' બ્રાન્ડના નામે થતું હતું પેકિંગ
ભેળસેળિયાઓ ગ્રાહકોને છેતરવા માટે 'મંગલમૂર્તિ' (Mangalmurti) નામની બ્રાન્ડનો ઉપયોગ કરતા હતા. બજારમાં જાણીતી બ્રાન્ડ જેવું જ પેકિંગ અને નામ હોવાથી સામાન્ય લોકો છેતરાઈ જતા હતા. આરોગ્ય વિભાગે સ્થળ પરથી આ બ્રાન્ડના ખાલી ડબ્બા, પેકિંગ મશીનરી અને લેબલ પણ જપ્ત કર્યા છે. અધિકારીઓએ શંકા વ્યક્ત કરી છે કે આ ઘી શહેરના અનેક નાના વેપારીઓ અને ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું હતું.
રૂપિયા 1.60 લાખનો જથ્થો સીઝ, નમૂના લેબોરેટરીમાં મોકલાયા
દરોડા દરમિયાન કુલ 500 કિલો જેટલું નકલી ઘી અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જથ્થાની કુલ કિંમત 1.60 લાખ રૂપિયા છે. આરોગ્ય વિભાગે ઘીના નમૂના લઈ તેને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો રિપોર્ટમાં ઘી ખાવાલાયક નહીં હોવાનું સાબિત થશે, તો જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી અને ભારે દંડ ફટકારવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી : વટવા કેસનો ફરાર આરોપી ઝડપાયો!





