ગુજરાતમાં NCPની આક્રમક એન્ટ્રી
તમામ બેઠકો પર ચૂંટણી લડશે NCP
આ તારીખે જાહેર થશે ઉમેદવારોના નામ
Gujarat Political Updates: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય જંગ વધુ રસપ્રદ બનતો જઈ રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ વચ્ચેની સીધી ટક્કર વચ્ચે હવે આમ આદમી પાર્ટી ઉપરાંત હવે NCPએ પણ આક્રમક રણનીતિ અપનાવી છે. રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય લઈને NCPએ ગુજરાતની ચૂંટણીમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે.
NCPનો સૌથી મોટો નિર્ણય:
ગુજરાત NCPએ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંપૂર્ણ શક્તિ સાથે ઉતરવાનો નિર્ણય લીધો છે. પાર્ટી રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. આ નિર્ણય દર્શાવે છે કે NCP હવે માત્ર સહયોગી પક્ષ તરીકે નહીં પરંતુ સ્વતંત્ર રાજકીય શક્તિ તરીકે ઉભરી આવવાનો પ્રયાસ કરી રહી છે. અમદાવાદમાં જ NCP તમામ 48 વોર્ડની 192 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે, જે પાર્ટીના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ પગલું છે.
નિકુલસિંહ તોમર ફરી મેદાનમાંઃ
ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમર અમદાવાદની કુબેરનગર બેઠક પરથી ચૂંટણી લડશે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની ચૂંટણીમાં ઉમેદવારી કરીને ગુજરાત NCPના પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમર પોતાની રાજકીય કારકિર્દીને આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, તેમની ઉમેદવારીને પાર્ટી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન માનવામાં આવી રહ્યો છે, કારણ કે તેઓ રાજ્યમાં NCPનો મુખ્ય ચહેરો છે.
વિધાનસભા ચૂંટણીનો અનુભવ
અગાઉ વિધાનસભા ચૂંટણીમાં અમદાવાદની નરોડા બેઠક પર કોંગ્રેસ અને NCP વચ્ચે સેટિંગ થયું હતું. ત્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ન ઉતારી NCPના નિકુલસિંહ તોમરને ટેકો આપ્યો હતો. પરંતુ તે ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો. પાયલ કુકરાણી સામે તોમરને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સ્થાનિક ચૂંટણીમાં તેઓ ફરી એકવાર પોતાની રાજકીય જમીન મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ શું હોય છે સેન્સ લેવાની પ્રક્રિયા? : દર વખતે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો કેમ કરે છે Sense Process?
ઉમેદવારોની યાદી ક્યારે આવશે?
આજે ઉમેદવારોની પસંદગીને લઈને પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરની આગેવાનીમાં NCPની બેઠક મળી હતી. જેમાં નક્કી કરાયું છેકે, પાર્ટી દ્વારા અમદાવાદના ઉમેદવારોની પ્રથમ યાદી આવતીકાલે જાહેર થવાની શક્યતા છે. બાકીના જિલ્લાઓ અને શહેરોના ઉમેદવારોની યાદી 8 એપ્રિલથી તબક્કાવાર જાહેર કરવામાં આવશે. આ રીતે NCP આયોજનબદ્ધ રીતે સમગ્ર રાજ્યમાં પોતાની હાજરી નોંધાવવાનો પ્રયાસ કરી રહી છે. આજે અમદાવાદના મેઘાણીનગર ખાતે NCP કાર્યાલયમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરત, વડોદરા અને દક્ષિણ ગુજરાતના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવી. પાર્ટી સંગઠનને મજબૂત બનાવવા માટે પ્રદેશ સ્તરે સતત બેઠક અને સંકલન કરવામાં આવી રહ્યું છે, જે દર્શાવે છે કે NCP ચૂંટણીને ગંભીરતાથી લઈ રહી છે.
આ પણ વાંચોઃ ચૂંટણીમાં ભાજપ વોર્ડ દીઠ તૈયાર કરશે 12 નામોની પેનલ : જાણો 12 માંથી કેવી રીતે નક્કી કરવામાં આવશે 4-4 નામો
ભાજપ-કોંગ્રેસ સામે ત્રીજો વિકલ્પ?
ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળે છે. પરંતુ NCPના આ નિર્ણયથી ત્રિકોણીય મુકાબલો ઉભો થઈ શકે છે. NCPના ઉમેદવારો ઊભા રહેતા ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મતવિભાગ થવાની શક્યતા છે, જે સીધો અસર ભાજપ અને કોંગ્રેસ બંને પર પડી શકે છે. આ પરિસ્થિતિમાં NCP “કિંગમેકર”ની ભૂમિકા ભજવી શકે છે.
કેમ મહત્વપૂર્ણ છે NCPનો આ દાવ?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણીની તૈયારી તરીકે જોવામાં આવે છે. NCP માટે આ ચૂંટણી પોતાનું અસ્તિત્વ જાળવવાની અને રાજ્યમાં રાજકીય સ્થાન મજબૂત કરવાની તક છે. જો પાર્ટી કેટલાક વિસ્તારોમાં સારો પ્રદર્શન કરે છે, તો તે ભવિષ્યમાં મોટા રાજકીય ગઠબંધનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સાથે જ, નિકુલસિંહ તોમર માટે આ ચૂંટણી વ્યક્તિગત રીતે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમની રાજકીય કારકિર્દી માટે આ એક અગત્યની કસોટી બની શકે છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા NCPએ સંપૂર્ણ શક્તિ સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. તમામ બેઠકો પર ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય પાર્ટીની આક્રમક રણનીતિ દર્શાવે છે. હવે જોવાનું રહેશે કે NCP આ ચૂંટણીમાં કેટલો પ્રભાવ પાડી શકે છે અને ભાજપ-કોંગ્રેસના રાજકીય સમીકરણમાં કેટલો ફેરફાર લાવી શકે છે.





