Gujarat Local Body Election 2026: ગુજરાતમાં પંચાયત-પાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે. ત્યારે ભાજપે ઉમેદવારોની પસંદગી માટે ખાસ રણનીતિ બનાવી છે. હાલમાં જ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્માએ જણાવ્યું હતુંકે, દરેક વોર્ડમાં 4 ઉમેવારો નક્કી કરવા માટે 12-12 નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા બાદ આ નામોની પેનલ તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ પ્રદેશ કક્ષાએ ભાજપની ચૂંટણી સમિતિ સાથે પરામર્શ કર્યા પછી ભાજપની સંકલ સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામો પર અંતિમ મહોર મારવામાં આવે છે.
આ રીતે પદ્ધતિસર ભાજપ દ્વારા ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં આવે છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત તમામ મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં આજ પ્રકારે ભાજપ દ્વારા વોર્ડ દીઠ 12-12 નામોની પેનલ તૈયાર કરી ત્યાર પછી એમાંથી અંતિમ 4-4 નામો નક્કી કરવામાં આવશે. વોર્ડ દીઠ 12 નામોની પેનલ તૈયાર કરીને તેમાંમાંથી અંતિમ 4 ઉમેદવારો પસંદ કરવાની પદ્ધતિ ભાજપની ચૂંટણી રણનીતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે.
અમદાવાદ મહાનગરપાલિકા માટે શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમદાવાદ મહાનગરપાલિકા માટે શહેર ભાજપે સંકલન સમિતિની બેઠક બોલાવી છે. જેમાં વિધાનસભા મુજબ આવતા વોર્ડના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવી રહ્યા છે. આજે 5 એપ્રિલે બીજા દિવસે પણ સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં પશ્ચિમ વિસ્તારના નામો માટે ચર્ચા કરાશે. એક વોર્ડમાં 12 નામની પેનલ તૈયાર કરાશે. આજથી ભાજપે પ્રચારની શરૂઆત કરી દીધી છે અને ઘરે ઘરે પત્રિકા વિતરણ શરૂ કરાયું છે.
ગુજરાતની 17 મહાનગરપાલિકાઓની યાદી (જાન્યુઆરી 2025 મુજબ):
અગાઉની 8 મહાનગરપાલિકા:
1. અમદાવાદ
2. સુરત
3. વડોદરા
4. રાજકોટ
5. ભાવનગર
6. જામનગર
7. જૂનાગઢ
8. ગાંધીનગર
નવી 9 મહાનગરપાલિકા (1 જાન્યુઆરી 2025થી):
9. મહેસાણા
10. ગાંધીધામ
11. વાપી
12. નવસારી
13. આણંદ
14. સુરેન્દ્રનગર
15. નડિયાદ
16. મોરબી
17. પોરબંદર
આ નવી રચના બાદ, આ શહેરોના વહીવટ માટે કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ : જાણો શું છે આચાર સંહિતા, જાહેરાતોથી લઈને રેલી સુધી શું કરી શકાય અને શું નહીં?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમજીએ મહાનગરપાલિકાઓનું રાજકીય ગણિતઃ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર. ગુજરાતની જૂની 8 મહાનગરપાલિકાઓ પૈકી ગાંધીનગર અને જૂનાગઢને બાદ કરતા આ 6 જૂની મહાનગરપાલિકા છે જેમાં હાલ ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત 9 નવી મહાનગરપાલિકામાં પણ પહેલીવાર ચૂંટણી યોજાવાની છે. જૂની જે છ મહાનગરપાલિકા છે જેમાં અમદાવાદ-રાજકોટમાં 20 વર્ષથી અને સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં 30 વર્ષથી સત્તા મળી નથી. 2027 વિધાનસભાની સેમિફાઈનલ સમાન ગણાતી 2026ની ચૂંટણીમાં જીત મેળવવાનો પાર્ટી માટે મોટો પડકાર રહેશે. જ્યારે 1 જાન્યુઆરી 2025થી ગુજરાતમાં મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર સહિત કુલ 9 નવી મહાનગરપાલિકાઓને સરકારે મંજૂરી આપી દીધી છે. આમ હાલ ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકાઓ છે.
આ પણ વાંચોઃ શું હોય છે સેન્સ લેવાની પ્રક્રિયા? : દર વખતે ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો કેમ કરે છે Sense Process?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કેમ કહેવાય છે સત્તાની સેમિફાઇનલ?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને 2027ની વિધાનસભા ચૂંટણીની “સેમિફાઇનલ” તરીકે જોવામાં આવી રહી છે. ભાજપ માટે આ ચૂંટણી પોતાની સત્તા જાળવી રાખવાની અને નવી મહાનગરપાલિકાઓમાં પકડ બનાવવાની તક છે. સાથે જ, કોંગ્રેસ અને અન્ય પક્ષો માટે પણ ભાજપને પડકાર આપવાનો આ એક મોટો અવસર છે. ઉમેદવાર પસંદગીથી લઈને પ્રચાર સુધી ભાજપે જે માઈક્રો-પ્લાનિંગ અપનાવ્યું છે, તે ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
વોર્ડ દીઠ 12 નામોની પેનલ અને તેમાંમાંથી 4 ઉમેદવારો પસંદ કરવાની પદ્ધતિ ભાજપની સંગઠિત અને વ્યૂહાત્મક તૈયારીને દર્શાવે છે. પરંતુ બીજી તરફ વડોદરા જેવા શહેરોમાં જોવા મળતા આંતરિક અસંતોષ પક્ષ માટે ચિંતાજનક બની શકે છે. આ ચૂંટણીમાં ભાજપની આ નવી રણનીતિ કેટલી સફળ થાય છે તે પરિણામો આવ્યા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલ માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે.





