રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને 7 એપ્રિલે રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનજીવન પર અસર પડી શકે છે.
આ જિલ્લાઓમાં આવશે વરસાદ
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, હિંમતનગર અને પંચમહાલ જિલ્લામાં 7 અને 8 એપ્રિલ દરમિયાન વાતાવરણમાં અચાનક પલટો આવશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ અને પવન સાથે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના માણસા, વિરમગામ અને સાણંદ જેવા વિસ્તારોમાં પણ હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
આગાહી મુજબ આ વરસાદ માત્ર સામાન્ય નહીં પરંતુ તેજ પવન સાથે આવી શકે છે, જેના કારણે તાપમાનમાં તાત્કાલિક ઘટાડો નોંધાશે. જોકે આ માવઠું ટૂંકા ગાળાનું રહેશે.
15 એપ્રિલથી ગરમીનો નવો રાઉન્ડ
અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતાં જણાવ્યું કે 15 એપ્રિલથી રાજ્યમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાન ધીમે ધીમે વધશે. જોકે 16 એપ્રિલ આસપાસ પશ્ચિમ વિક્ષેપના કારણે ગરમીમાં થોડી રાહત મળશે. 20 એપ્રિલની આસપાસ ગરમી સાથે પ્રી-મોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે. 26 એપ્રિલ સુધીમાં ગરમી કાળઝાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતના દરિયાકાંઠે હાઈ-એલર્ટ : જામનગર બાદ કચ્છમાં પણ મરીન ટાસ્ક ફોર્સનું કડક પેટ્રોલિંગ, જાણો શું છે ખતરો
આગામી સમયગાળા માટે પણ કેટલીક મહત્વપૂર્ણ તારીખો નોંધવા જેવી છે. 11 થી 20 મે દરમિયાન આંધી અને વંટોળ સાથે વરસાદ પડી શકે છે. 17 મેના રોજ અરબ સાગરમાં વાવાઝોડું સર્જાવાની શક્યતા છે, જ્યારે 20 એપ્રિલથી જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં પણ ચક્રવાતી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. 24 મે થી 24 જૂન દરમિયાન વરસાદી પ્રવૃત્તિઓ વધવાની શક્યતા છે અને 8 જૂન આસપાસ દરિયામાં પવનની દિશામાં ફેરફાર જોવા મળશે.
આ રીતે રાજ્યમાં આવનારા દિવસોમાં હવામાનમાં સતત બદલાવ જોવા મળશે, જેમાં વરસાદ, ગરમી અને વાવાઝોડા જેવી પરિસ્થિતિઓનું મિશ્રણ જોવા મળી શકે છે. લોકોને સાવચેત રહેવાની અને હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવાની સલાહ આપવામાં આવી છે.




