Home Gujarat Gujarat Ats Arrest Punjab Grenade Case 2026

ગુજરાત ATS નું મોટું ઓપરેશન : પંજાબ ગ્રેનેડ સ્મગલિંગ કેસનો મુખ્ય આરોપી ડીસાના ઢાબામાંથી ઝડપાયો!

ગુજરાત ATS અને SOG એ પકડેલો આરોપી
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 05, 2026, 12:04 PM IST

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને બનાસકાંઠા એસ.ઓ.જી. (SOG) એ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પંજાબના ચકચારી ગ્રેનેડ સ્મગલિંગ કેસના મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટીની ગેંગ સાથે જોડાયેલો આરોપી બિક્રમજીતસિંઘ લાંબા સમયથી વોન્ટેડ હતો, જે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એક ઢાબામાં મજૂરી કરીને છુપાયો હતો.

આતંકી નેટવર્ક અને કામગીરી

પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે પકડાયેલ આરોપી બિક્રમજીતસિંઘ પાકિસ્તાની ગેંગસ્ટર સહેજાદ ભટ્ટી અને આબિદ જટ્ટ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો. સહેજાદ ભટ્ટી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે કામ કરે છે અને ભારતમાં આતંકવાદી પ્રવૃતિઓ ફેલાવવાનું કામ કરે છે. બિક્રમજીતસિંઘ પંજાબના સ્થાનિક યુવાનોને ગેંગમાં ભરતી કરવાનું અને સુરક્ષા એજન્સીઓ પર ગ્રેનેડ હુમલા કરવાનું કાવતરું ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો.

કેવી રીતે ઝડપાયો આરોપી?

પંજાબ પોલીસ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે ગુજરાત ATS એ ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પોતાની ઓળખ છુપાવીને ડીસાના એક ઢાબામાં છૂટક મજૂરી કરી રહ્યો છે. ATS અને બનાસકાંઠા SOG ટીમે વોચ ગોઠવીને તેને દબોચી લીધો હતો અને વધુ તપાસ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના દરિયાકાંઠે હાઈ-એલર્ટ : જામનગર બાદ કચ્છમાં પણ મરીન ટાસ્ક ફોર્સનું કડક પેટ્રોલિંગ, જાણો શું છે ખતરો

પંજાબ પોલીસને સોંપવાની તજવીજ

આરોપી બિક્રમજીતસિંઘ વિરુદ્ધ અમૃતસરના સ્પેશિયલ ઓપરેશનલ સેલ (SSOC) ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. પંજાબ પોલીસે અગાઉ આ કેસમાં અન્ય આરોપીઓની ધરપકડ કરી હતી, પરંતુ બિક્રમજીત ફરાર હતો. હાલ ગુજરાત પોલીસે આ ધરપકડ અંગે પંજાબ પોલીસને જાણ કરી છે અને તેને ટ્રાન્સફર વોરંટથી સોંપવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now