ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પશુપાલકો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ડેરી ફાર્મ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ 25 થી 50 દુધાળા પશુઓના આધુનિક ડેરી ફાર્મ સ્થાપવા માટે આર્થિક સહાય આપવામાં આવશે. ખાસ કરીને ગીર અને કાંકરેજ જેવી દેશી જાતીની ગાયો આધારિત ડેરી ફાર્મને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
પશુપાલન ક્ષેત્રમાં આધુનિકીકરણ, દૂધ ઉત્પાદન વધારવું અને ગ્રામ્ય યુવાનોને રોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો સરકારનો મુખ્ય હેતુ હોવાનું જણાવવામાં આવ્યું છે. યોજના હેઠળ વ્યાજ સહાયથી લઈને બાંધકામ, વીમા અને આધુનિક સાધનો માટે પણ સહાય આપવામાં આવશે.
31 મે સુધી કરી શકાશે ઓનલાઇન અરજી
આ યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા 1 મે 2026થી શરૂ થઈ ચૂકી છે અને 31 મે 2026 સુધી ચાલુ રહેશે. લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો અને સ્વસહાય જૂથોએ i-Khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે યોજના હેઠળ ફક્ત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) માન્ય બેંક અથવા નાણાકીય સંસ્થામાંથી વર્ષ 2026-27 દરમિયાન લેવામાં આવેલા ધિરાણ પર જ વ્યાજ સહાય મળશે. એટલે કે અરજદારે પહેલા બેંકમાંથી લોન મંજૂર કરાવવી ફરજિયાત રહેશે અને ત્યારબાદ જ i-Khedut પોર્ટલ પર અરજી કરી શકાશે.
ગુજરાતની કેસરની સુગંધથી મહેક્યું લંડન હીથ્રો એરપોર્ટ: સાત સમંદર પાર વધ્યો ગુજરાતી કેરીનો દબદબો, હવે ખેડૂતો કમાશે ડૉલર અને પાઉન્ડ
અરજી માટેનો સત્તાવાર પોર્ટલ: i-Khedut Portal
વ્યાજ સહાયથી લઈને બાંધકામ સુધી મળશે લાભ
યોજનામાં પશુ ખરીદી માટે મહત્વપૂર્ણ સહાય આપવામાં આવશે. બેંક દ્વારા મંજૂર કરાયેલા ધિરાણ અથવા નાબાર્ડ (NABARD) દ્વારા નક્કી કરાયેલા યુનિટ કોસ્ટમાંથી જે રકમ ઓછી હશે તેના આધારે 7.5 ટકા વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી આપવામાં આવશે.
તે ઉપરાંત ડેરી ફાર્મના શેડ અને બાંધકામ માટે થયેલા ખર્ચ પર પણ સહાય આપવામાં આવશે. સરકાર દ્વારા કુલ ખર્ચના 50 ટકા મુજબ સહાય મળશે. પ્રતિ પશુ મહત્તમ 10 હજાર રૂપિયાની મર્યાદામાં 50 પશુઓ માટે કુલ 5 લાખ રૂપિયા સુધીની સહાય મળી શકશે.
કાંતિલાલની કમાલ! મોરબીમાં 10 લાખ વૃક્ષો વાવી ઉભું કર્યું ‘નમો વન’: જાણો 1200 વીઘા પડતર જમીનથી હરિયાળા વન સુધીની પ્રેરણાદાયી સફર
પશુ વીમા અને આધુનિક સાધનો માટે પણ સહાય
પશુપાલકોને પશુઓના ત્રણ વર્ષના વીમા પ્રીમિયમ પર પણ સહાય આપવામાં આવશે. વીમા પ્રીમિયમના 75 ટકા મુજબ પ્રતિ પશુ મહત્તમ 3,600 રૂપિયા સુધી સહાય મળશે. આ લાભ વધુમાં વધુ 50 પશુઓ માટે કુલ 1.80 લાખ રૂપિયાની મર્યાદામાં મળશે.
આ ઉપરાંત આધુનિક ડેરી વ્યવસ્થાપન માટે જરૂરી સાધનો ખરીદવા પર પણ સરકાર સહાય આપશે. જેમાં ઇલેક્ટ્રિક ચાફકટર, ફોગર યુનિટ અને મિલ્કિંગ મશીન જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સાધનો માટે યુનિટ કોસ્ટના 75 ટકા મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
ગીર અને કાંકરેજ જાતિના પશુઓને પ્રાથમિકતા
રાજ્ય સરકાર દ્વારા ગીર અને કાંકરેજ જેવી દેશી જાતિના પશુઓના સંવર્ધન અને પ્રોત્સાહન પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ આવી જાતિના પશુઓ આધારિત ડેરી ફાર્મને પ્રાથમિકતા આપવામાં આવશે.
પશુપાલન નિષ્ણાતોના મતે ગીર અને કાંકરેજ જાતિની ગાયો ઊંચી દૂધ ઉત્પાદન ક્ષમતા અને અનુકૂળતા માટે જાણીતી હોવાથી ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ બની શકે છે.
એક એકરમાં લાખોની આવક!: આ ફળ નસીબ બદલી નાખશે ખેડૂતોનું ભાગ્ય! જાણો ખેતીનું સંપૂર્ણ ગણિત
ગ્રામ્ય સ્વરોજગારી માટે મહત્વપૂર્ણ યોજના
રાજ્યમાં ડેરી ઉદ્યોગ ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધારસ્તંભ માનવામાં આવે છે. સરકારની આ યોજના નાના અને મધ્યમ પશુપાલકો માટે મોટી તક સાબિત થઈ શકે છે. ખાસ કરીને યુવાનો અને મહિલાઓના સ્વસહાય જૂથો માટે આ યોજના આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું બની શકે છે.
સરકાર દ્વારા અરજદારોને સમયમર્યાદા પહેલા ઓનલાઇન અરજી પૂર્ણ કરવાની અને જરૂરી દસ્તાવેજો તૈયાર રાખવાની સલાહ આપવામાં આવી છે.





