Home Agriculture Kantilal Amrutiya Namo Van Morbi 10 Lakh Trees

કાંતિલાલની કમાલ! મોરબીમાં 10 લાખ વૃક્ષો વાવી ઉભું કર્યું ‘નમો વન’ : જાણો 1200 વીઘા પડતર જમીનથી હરિયાળા વન સુધીની પ્રેરણાદાયી સફર

Namo Van Morbi
Published by: Suman Dabhi
Last Updated: May 25, 2026, 08:34 AM IST

Namo Van Morbi: એક સમયનો વેરાન અને સૂકો વિસ્તાર આજે હરિયાળીથી છલકાય રહ્યો છે. મોરબીના મચ્છુ ડેમ (2)ના કાંઠે ઉભું થયેલું ‘નમો વન’ માત્ર વૃક્ષારોપણ પ્રોજેક્ટ નથી, પરંતુ માનવી અને પ્રકૃતિ વચ્ચેના સંબંધને ફરી જીવંત બનાવવાનો એક અનોખો પ્રયાસ છે. આ ભગીરથ કાર્ય પાછળ છે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની અડગ ઇચ્છાશક્તિ, જેમણે કેન્સર જેવી ગંભીર બીમારી વચ્ચે પણ પ્રકૃતિ માટેનું કાર્ય અટકવા દીધું નથી.

ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ પંક્તિ - "વિશાળે જગ વિસ્તારે, નથી એક જ માનવી…" - મોરબીમાં સાકાર બની હોય તેવી અનુભૂતિ આજે ‘નમો વન’માં પ્રવેશતા થાય છે. મચ્છુ ડેમ (2)ના કિનારે આવેલી શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની 1200 વીઘા જમીન પર માત્ર 37 દિવસમાં 10 લાખ વૃક્ષો વાવીને જે હરિયાળું કવચ ઉભું કરવામાં આવ્યું છે, તે ગુજરાતના પર્યાવરણ ઇતિહાસમાં એક અનોખું પાનું ઉમેરે છે.

રાજ્યના શ્રમમંત્રી કાંતિલાલ અમૃતિયા, જેને મોરબીમાં પ્રેમથી “કાનાભાઈ” તરીકે ઓળખવામાં આવે છે, માત્ર રાજકારણી તરીકે નહીં પરંતુ પ્રકૃતિપ્રેમી તરીકે પણ હવે ઓળખ મેળવતા થયા છે. મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમની લાંબી સંકળાયેલીએ તેમને પર્યાવરણ માટે કંઈક વિશાળ કરવાની પ્રેરણા આપી.

1200 વીઘાની પડતર જમીનથી હરિયાળા વન સુધીનો સફર

મચ્છુ ડેમ નજીકની આ જમીન અગાઉ સૂકી અને પડતર ગણાતી હતી. વરસાદ સિવાય અહીં જીવનનું ખાસ કોઈ ચિહ્ન દેખાતું નહોતું. પરંતુ કાંતિલાલ અમૃતિયાએ આ વિસ્તારને હરિયાળો બનાવવાનો સંકલ્પ કર્યો.

આ અભિયાન માત્ર વૃક્ષો વાવવાનું નહોતું. પહેલાં જમીન સમથળ કરવામાં આવી, પછી બહારથી સારી ગુણવત્તાની માટી મંગાવવામાં આવી. હજારો ટન છાણિયું ખાતર નાખીને જમીનને ફળદ્રુપ બનાવવામાં આવી. સમગ્ર વિસ્તારને રફ ફેન્સિંગથી સુરક્ષિત કરાયો જેથી પશુઓથી રોપાઓને નુકસાન ન થાય.

આ સમગ્ર કામગીરીમાં સદભાવના વૃદ્ધાશ્રમ જેવી સંસ્થાને પણ જોડવામાં આવી. રોજના અંદાજે 500 લોકો કામે જોડાતા અને 25 થી 30 હજાર વૃક્ષો વાવવામાં આવતા. સતત 37 દિવસ સુધી ચાલેલા આ અભિયાન પછી આખા વિસ્તારમાં 10 લાખ વૃક્ષો ઉભાં થઈ ગયાં.

આજની તારીખે આ રોપાઓ માત્ર છોડ નથી રહ્યા, પરંતુ મોટા થતા વૃક્ષો રૂપે મચ્છુ કાંઠાને હરિયાળો બનાવતા જોવા મળે છે.

વડાપ્રધાનના જન્મદિવસે થયું ‘નમો વન’નું લોકાર્પણ

17 સપ્ટેમ્બર 2025ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે આ વિશાળ વન કવચનું લોકાર્પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

‘નમો વન’ તરીકે ઓળખ અપાયેલા આ પ્રોજેક્ટને ગુજરાતના સૌથી મોટા વન કવચ તરીકે રજૂ કરવામાં આવ્યું. પર્યાવરણ સંરક્ષણ અને જળસંચયને સાથે જોડતા આ અભિયાનને રાજ્યસ્તરે વિશેષ માન્યતા મળી.

મચ્છુ ડેમના કાંઠે અગાઉ બનાવાયેલા આઠ જેટલા ચેકડેમોએ પણ આ વિસ્તારમાં પાણી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી. પાણી ઉપલબ્ધ રહેતાં વૃક્ષોના વિકાસમાં સરળતા મળી અને સમગ્ર વિસ્તારનું માઇક્રો-ક્લાઇમેટ બદલાતું દેખાઈ રહ્યું છે.

મુખ્યમંત્રીનો વિશેષ રસ, ‘આઇકોનિક રોડ’ માટે 3 કરોડની ગ્રાન્ટ

તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર ‘નમો વન’ની મુલાકાતે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે વન વિસ્તાર સુધી સરળ પહોંચ માટે ખાસ આઇકોનિક રોડ બનાવવાની જાહેરાત કરી.

રાજ્ય સરકાર દ્વારા આ માર્ગ માટે રૂ. 3 કરોડની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ રોડ તૈયાર થયા બાદ મોરબી અને આસપાસના લોકો માટે ‘નમો વન’ માત્ર પર્યાવરણ પ્રોજેક્ટ નહીં પરંતુ પ્રાકૃતિક પ્રવાસન અને જનજાગૃતિનું કેન્દ્ર બની શકે છે.

પર્યાવરણપ્રેમીઓ માને છે કે આવા પ્રોજેક્ટ શહેરોના વધતા તાપમાન અને પ્રદૂષણ સામે કુદરતી રક્ષણરૂપ સાબિત થઈ શકે છે.

કેન્સર સામેની લડાઈ વચ્ચે પણ અટક્યા નહીં

64 વર્ષીય કાંતિલાલ અમૃતિયાના જીવનમાં તાજેતરમાં એક મોટો પડકાર આવ્યો હતો જ્યારે તેમને કેન્સરનું નિદાન થયું. સર્જરી બાદ તેમણે કિમોથેરાપીની સારવાર શરૂ કરી અને હાલ ઇમ્યુનોથેરાપી લઈ રહ્યા છે.

પરંતુ શારીરિક મુશ્કેલીઓ છતાં તેમણે જાહેર જીવન અને પર્યાવરણ અભિયાનથી અંતર રાખ્યું નથી. તેઓ માને છે કે કુદરતે તેમને બીજું જીવન આપ્યું છે અને હવે તે જીવન પ્રકૃતિને સમર્પિત કરવું જોઈએ.

તેમણે જાહેરમાં કહ્યું છે કે હવે તેઓ પ્રાકૃતિક ખેતી અને વૃક્ષારોપણ અંગે વધુ જાગૃતિ ફેલાવવા માંગે છે. મચ્છુ ડેમ આસપાસની વધુ સરકારી જમીન પર પણ આવું જ વિશાળ વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.

છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા કાંતિલાલ અમૃતિયાનો આ અભિગમ રાજકારણની બહાર જઈ સમાજ માટે લાંબા ગાળાની દ્રષ્ટિ રજૂ કરે છે.

આ પણ વાંચો: ગુજરાતની કેસરની સુગંધથી મહેક્યું લંડન હીથ્રો એરપોર્ટ : સાત સમંદર પાર વધ્યો ગુજરાતી કેરીનો દબદબો, હવે ખેડૂતો કમાશે ડૉલર અને પાઉન્ડ

કેમ મહત્વપૂર્ણ છે ‘નમો વન’?

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધતા તાપમાન, પાણીની અછત અને પર્યાવરણ પ્રદૂષણ વચ્ચે મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હવે માત્ર સામાજિક સેવા નહીં પરંતુ જરૂરિયાત બની ગયું છે.

‘નમો વન’ જેવા પ્રોજેક્ટો અનેક રીતે લાભકારી બની શકે છે:

સ્થાનિક તાપમાન ઘટાડવામાં મદદ

વરસાદી પાણીના સંગ્રહમાં વધારો

જમીન ધોવાણ અટકાવવામાં મદદ

પક્ષીઓ અને જંગલી જીવ માટે કુદરતી આશ્રય

કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સહાય

વિશેષજ્ઞો માને છે કે જો આવા પ્રયોગો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ થાય તો લાંબા ગાળે પર્યાવરણ સંતુલન જાળવવામાં મોટો ફાયદો થઈ શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now