Home Gujarat Gujarat Fishermen Warning July 2026 Strong Winds

ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે 5 દિવસની ચેતવણી : 45 થી 55 કિમીની ઝડપે ફૂંકાશે પવન, દરિયો ન ખેડવાની સલાહ

ગાન્ડો થયેલો દરીયો
Image Credit: AI
Published by: Chintan Chavda
Last Updated: Jul 16, 2026, 10:47 AM IST

ગુજરાતના દરિયાકાંઠે આગામી પાંચ દિવસ દરમિયાન પવનની ગતિમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારો માટે મહત્વપૂર્ણ ચેતવણી જાહેર કરી છે. 16 જુલાઈથી 20 જુલાઈ 2026 સુધીના સમયગાળા માટે જાહેર કરવામાં આવેલી એડવાઇઝરી અનુસાર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની તેમજ કેટલાક દિવસોમાં તેની ગતિ વધીને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે તીવ્ર દબાણ તફાવત (Steep Pressure Gradient) સર્જાવાના કારણે દરિયામાં પવનની તીવ્રતા વધી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને નિર્ધારિત દિવસોમાં દરિયો ન ખેડવાની સ્પષ્ટ સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: કૃષિ ક્ષેત્રે ગુજરાતની મોટી સિદ્ધિ : મુખ્યમંત્રી સમક્ષ રજૂ થયો રાષ્ટ્રીય એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ

ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બંદરો માટે ખાસ ચેતવણી

ચેતવણી અનુસાર ઉત્તર ગુજરાતના જખાઉ, માંડવી (કચ્છ), મુન્દ્રા, ન્યૂ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર) અને પોરબંદર સહિતના બંદરો પાસે પ્રથમ દિવસે 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે 18 થી 20 જુલાઈ દરમિયાન 45થી 55 કિમીની ઝડપ સાથે 65 કિમી પ્રતિ કલાક સુધીના ઝોકાવાળા પવનો ફૂંકાવાની શક્યતા છે.

તે જ રીતે દક્ષિણ ગુજરાતના મૂળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ દરિયાકાંઠા માટે પણ સમાન પ્રકારની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પ્રથમ દિવસે તીવ્ર પવન રહેશે અને 18થી 20 જુલાઈ દરમિયાન 65 કિમી પ્રતિ કલાક સુધીના ઝોકાવાળા પવનની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: આવી ગયો PM કિસાનના 24 માં હપ્તાની આતુરતાનો અંત! : ક્યારે એકાઉન્ટમાં આવશે રૂપિયા? જાણો તમામ માહિતી

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

હવામાન વિભાગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં ચેતવણી જાહેર કરવામાં આવી છે તે વિસ્તારોમાં નિર્ધારિત દિવસો દરમિયાન માછીમારોએ દરિયો ખેડવો નહીં. દરિયામાં રહેલા માછીમારોને પણ શક્ય તેટલી વહેલી તકે સુરક્ષિત બંદરો પર પરત ફરવાની સલાહ આપવામાં આવી છે.

એડવાઇઝરીમાં ખુલ્લા અરબી સમુદ્રના વિસ્તારોમાં પણ સોમાલિયા અને ઓમાનના દરિયાકાંઠા નજીક તેમજ પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને 65 કિમી સુધીના ઝોકા રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે હાલ INCOIS દ્વારા હાઇ વેવ અથવા સ્વેલ સર્જ માટે કોઈ અલગ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now