ગુજરાતમાં ચોમાસા પૂર્વે ગરમીનું જોર હજુ યથાવત રહેવાનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી કેટલાક દિવસ સુધી 40 થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના તટીય વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે અસહ્ય ઉકળાટનો અનુભવ થઈ શકે છે. દિવસ ઉપરાંત રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાવાની શક્યતા વચ્ચે લોકોને રાત્રે પણ ગરમીનો અહેસાસ થશે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે 25 મેથી 31 મે સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાનું અનુમાન છે. તેમના જણાવ્યા અનુસાર 25 થી 28 મે દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, જ્યારે ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.
અમદાવાદમાં 42 ડિગ્રીની આસપાસ તાપમાન
હવામાન વિભાગ મુજબ અમદાવાદમાં આજે મુખ્યત્વે સ્વચ્છ આકાશ રહેવાની શક્યતા છે અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ શકે છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ ગરમીનો પ્રભાવ યથાવત રહ્યો છે.
નોંધાયેલા મહત્તમ તાપમાન મુજબ અમદાવાદમાં 42.2 ડિગ્રી, ગાંધીનગરમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 41.9 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી અને અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં પણ ગરમીના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં લૂંટ બાદ યુવકની ચપ્પુના ઘા મારી હત્યા : રાંદેર વિસ્તારમાં ચકચાર
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ વધશે
હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના તટીય વિસ્તારો માટે ઉકળાટ અંગે ચેતવણી આપી છે. 25 થી 28 મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધતા ગરમી વધુ અસહ્ય બની શકે છે. દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો 20 થી 25 નોટની ગતિએ ફૂંકાવાની શક્યતા છે, જેના કારણે ગરમી અને ભેજનું સંયોજન લોકો માટે વધુ અસ્વસ્થતા ઊભી કરી શકે છે.
તબીબોનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં હીટ સ્ટ્રોક, ડિહાઈડ્રેશન અને થાક જેવી સમસ્યાઓનું જોખમ વધી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા લોકો માટે બપોરના સમયમાં સાવચેતી રાખવી જરૂરી બની જાય છે.
રાત્રે પણ ગરમીનો અહેસાસ
આ વખતે દિવસ દરમિયાન માત્ર તાપમાન જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ ગરમીનો પ્રભાવ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર ગરમ પવનોને કારણે નાઈટ ટેમ્પરેચરમાં ખાસ ઘટાડો નહીં થાય, જેના કારણે લોકોને રાત્રે પણ ઉકળાટ અનુભવાશે.
આ પણ વાંચો: કચ્છમાં AAP નેતાની મુશ્કેલી વધી : સંજય બાપટ સહિત ત્રણની ખંડણી અને લૂંટના ગુનામાં ધરપકડ
શહેરોમાં ખાસ કરીને કોંક્રિટ અને ટ્રાફિકના કારણે ‘હીટ આઇલેન્ડ ઈફેક્ટ’ સર્જાતો હોવાથી રાત્રિ દરમિયાન તાપમાન વધુ અનુભવાય છે. એર કન્ડિશનર અને કુલરનો ઉપયોગ વધતા વીજ વપરાશમાં પણ વધારો નોંધાઈ શકે છે.
ચોમાસા અંગે શું કહે છે હવામાન વિભાગ?
દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની પ્રગતિ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, કોમોરિન વિસ્તાર, દક્ષિણ-મધ્ય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.
જો કે હાલ ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા દર્શાવવામાં આવી નથી. આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાનું અનુમાન છે. હવામાન વિભાગે જણાવ્યું કે પંજાબથી ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર સુધી 1.5 કિમી ઊંચાઈએ ટ્રફ સર્જાઈ છે, જ્યારે 28 મેના રોજ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચો: 'લવ ગુરુ' બ્લેકમેલિંગ ગેંગનો સાગરીત ઝડપાયો : સોશિયલ મીડિયા મારફતે જ્યોતિષના નામે મહિલાઓને ટાર્ગેટ કરાતી
ગરમીથી બચવા શું રાખશો સાવચેતી?
ગરમી અને ઉકળાટની સ્થિતિ વચ્ચે તબીબો અને આરોગ્ય નિષ્ણાતો દ્વારા લોકોને પૂરતું પાણી પીવાનું, સીધા સૂર્યપ્રકાશથી બચવાનું અને બપોર દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. હળવા કપડાં પહેરવા, ORS અને પ્રવાહી પદાર્થોનું સેવન વધારવું અને બાળકો તથા વૃદ્ધોની ખાસ કાળજી રાખવી જરૂરી ગણાવવામાં આવી રહી છે.






