Home Gujarat Ahmedabad Ahmedabad Cyber Crime Love Guru Blackmail Gang Arrest

'લવ ગુરુ' બ્લેકમેલિંગ ગેંગનો સાગરીત ઝડપાયો : સોશિયલ મીડિયા મારફતે જ્યોતિષના નામે મહિલાઓને ટાર્ગેટ કરાતી

આરોપીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 25, 2026, 10:35 AM IST

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ‘Mission Cyber Rakshika’ અંતર્ગત મહિલાઓની સુરક્ષા અને સાયબર શોષણ સામે મોટી કાર્યવાહી કરતા આંતરરાજ્ય બ્લેકમેલિંગ ગેંગના વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર નકલી આધ્યાત્મિક અને જ્યોતિષ એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી અને બ્લેકમેલિંગ કરતી આ ટોળકીનો વધુ એક સભ્યને પોલીસે ઝડપી લીધો છે.

સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા રાજસ્થાનના જયપુર ખાતેથી આરોપી વિકાસ પોખરાજ ભાર્ગવની ધરપકડ કરવામાં આવી છે. આરોપીને અમદાવાદ લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ જ ગુનામાં અગાઉ રજનીશ ભાર્ગવ નામના આરોપીની બિકાનેરથી ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી ઓળખ બનાવી લોકોને જાળમાં ફસાવતા હતા. તેઓ 'astrologer_pooja_kinnar_maa', 'kinnargurumatasushilaji' અને 'acharya_vikasshastri' જેવા ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ચલાવતા હતા. આ એકાઉન્ટ્સ મારફતે 'લવ પ્રોબ્લેમ', 'વશીકરણ', 'જ્યોતિષ ઉપાય' અને વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલની જાહેરાતો કરીને ખાસ કરીને 18થી 35 વર્ષની મહિલાઓ અને યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા.

વશીકરણ અને જ્યોતિષના નામે ફસાવી શરૂ થતું બ્લેકમેલિંગ

તપાસ મુજબ આરોપીઓ પહેલેથી જ સોશિયલ મીડિયા પર ‘એડ બૂસ્ટિંગ’ કરીને પોતાના એકાઉન્ટ વધુ લોકો સુધી પહોંચાડતા હતા. ત્યારબાદ પ્રેમ સંબંધ, લગ્નજીવન અથવા વ્યક્તિગત સમસ્યાઓના ઉકેલની લાલચ આપી ભોગ બનનારનો વિશ્વાસ જીતવામાં આવતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ ‘વિધિ’ અથવા ‘વશીકરણ પ્રક્રિયા’ના બહાને પીડિતોના ફોટા મંગાવતા હતા. ત્યારબાદ તે ફોટાઓને એડિટ અથવા મોર્ફ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી શરૂ કરવામાં આવતી હતી.

આરોપીઓની કાર્યપદ્ધતિ વધુ ચોંકાવનારી ત્યારે બની જ્યારે તપાસમાં સામે આવ્યું કે વશીકરણ વિધિના નામે તેઓ વ્હોટ્સએપ વીડિયો કોલ કરતા અને ભોગ બનનારને નગ્ન થવા માટે દબાણ કરતા હતા. આખી પ્રક્રિયાનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું.

આ પણ વાંચો: સુરતમાં લૂંટ બાદ યુવકની ચપ્પુના ઘા મારી હત્યા : રાંદેર વિસ્તારમાં ચકચાર

2 વર્ષમાં 60 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન

સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસમાં આ ટોળકીના વિવિધ બેંક ખાતાઓમાં છેલ્લા બે વર્ષ દરમિયાન અંદાજે 60 લાખ રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું છે. પોલીસને શંકા છે કે આ રકમ દેશના વિવિધ રાજ્યોમાંથી બ્લેકમેલિંગ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી.

તપાસમાં અત્યાર સુધીમાં 65થી વધુ લોકો આ ટોળકીની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. માત્ર છેલ્લા એક મહિનામાં જ આરોપીઓએ આશરે 300 જેટલા મોબાઈલ નંબરો પર સંપર્ક કરી લોકોને જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદની એક મહિલાની ફરિયાદના આધારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીઓએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 1,43,951 પડાવી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: કચ્છમાં AAP નેતાની મુશ્કેલી વધી : સંજય બાપટ સહિત ત્રણની ખંડણી અને લૂંટના ગુનામાં ધરપકડ

સાયબર ક્રાઈમ બ્રાંચની જનતાને અપીલ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે લોકોને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો અને આકર્ષક જાહેરાતોથી સાવચેત રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને ‘વશીકરણ’, ‘પ્રેમ સમસ્યા ઉકેલ’, ‘જ્યોતિષ ઉપાય’ અથવા ‘ગુપ્ત વિધિ’ જેવા દાવાઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now