Home Gujarat Surat Surat Rander Young Man After Robbery Case

સુરતમાં લૂંટ બાદ યુવકની ચપ્પુના ઘા મારી હત્યા : રાંદેર વિસ્તારમાં ચકચાર

રાંદેર પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: May 25, 2026, 07:52 AM IST

સુરતના રાંદેર વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. રાત્રિના સમયે અજાણ્યા હુમલાખોરે 33 વર્ષીય અમર પંજવાણી નામના યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂર હત્યા કરી નાખી હતી. મૃતક ગેરેજ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તેના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણ્યા હુમલાખોર સામે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમોને કામે લગાડી છે.

રાત્રે દોઢ વાગ્યે હુમલો

પ્રાથમિક માહિતી મુજબ ઘટના રાંદેર વિસ્તારમાં આવેલા રામનગર નજીક અંબે બંગલોઝ પાસે બની હતી. ACP એમ.બી. શેખે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, “આજ રોજ રાત્રિના દોઢ વાગ્યાના સુમારે અમર નામના વ્યક્તિનું મર્ડર થયેલ છે. હાલ ફરિયાદી દ્વારા મર્ડરનું કારણ અગમ્ય હોવાનું જણાવાયું છે.”

પોલીસ અનુસાર હુમલો એટલો ઘાતક હતો કે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા તેને સારવાર માટે ખસેડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું હતું.

પરિવાર પર આફત

મૃતક અમર પંજવાણી સુરતમાં ગેરેજ ચલાવી પરિવારનું ભરણપોષણ કરતો હતો. પરિવારના મુખ્ય કમાઉ સભ્યના મોતથી પરિવાર આર્થિક અને માનસિક સંકટમાં મુકાયો છે. માહિતી મુજબ અમરના પરિવારમાં હવે માત્ર વૃદ્ધ માતા અને એક ભાઈ જ બચ્યા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અમર મહેનતુ અને સામાન્ય જીવન જીવતો યુવક હતો. તેની હત્યાના સમાચાર મળતાં જ વિસ્તારના લોકોમાં પણ રોષ અને શોકની લાગણી જોવા મળી હતી.

કચ્છમાં AAP નેતાની મુશ્કેલી વધી: સંજય બાપટ સહિત ત્રણની ખંડણી અને લૂંટના ગુનામાં ધરપકડ

લૂંટ પછી હત્યાની આશંકા

પ્રાથમિક તબક્કે પોલીસે લૂંટના એંગલથી પણ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે. જોકે સત્તાવાર રીતે હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. પોલીસ આસપાસના CCTV ફૂટેજ, મોબાઇલ ડેટા અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે આરોપીની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

ACP એમ.બી. શેખે જણાવ્યું કે, “મર્ડરનું ચોક્કસ કારણ જાણવા અને આરોપીની શોધખોળ કરવા માટે રાંદેર પોલીસ સ્ટેશન તેમજ અડાજણ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કાર્યરત છે.”

તપાસ દરમિયાન પોલીસ મૃતકની છેલ્લી હિલચાલ, કોની સાથે સંપર્કમાં હતો અને ઘટનાસ્થળ નજીક શંકાસ્પદ ગતિવિધિઓની પણ તપાસ કરી રહી છે.

'આ તો પબ્લિકને મારી નાંખવાની વાત': પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી કંટાળેલા લોકોએ ઠાલવ્યો રોષ

શહેરમાં કાયદો વ્યવસ્થાને લઈને પ્રશ્નો

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ અને હત્યા જેવી ઘટનાઓમાં વધારો થતો હોવાની ચર્ચા વચ્ચે આ ઘટના ફરી કાયદો વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કરી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે જાહેર વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ અંગે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

પોલીસ હવે ઝડપથી આરોપીને પકડવા માટે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈ રહી છે. ઘટનામાં એકથી વધુ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now