રાજકોટ સહિત રાજ્યભરમાં આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવતા સામાન્ય જનતામાં ભારે અસંતોષ અને ચિંતા જોવા મળી રહી છે. પહેલેથી જ વધતી મોંઘવારી અને મર્યાદિત આવક વચ્ચે જીવતા મધ્યમવર્ગીય પરિવારો માટે આ ભાવ વધારો વધુ એક આર્થિક ઝટકો બની રહ્યો છે.
માહિતી અનુસાર, આજના નવા દરો બાદ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹2.61નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹2.71નો વધારો નોંધાયો છે. સતત વધી રહેલા ઈંધણના ભાવો હવે માત્ર વાહનચાલકો પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ તેનો સીધો પ્રભાવ સામાન્ય લોકોના દૈનિક જીવન અને ઘરખર્ચ પર પણ જોવા મળી રહ્યો છે.
રાજકોટના અનેક વાહનચાલકો અને નાગરિકોએ આ વધારાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. લોકોનું કહેવું છે કે હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલ વગર જીવનની ગતિ શક્ય નથી. રોજિંદા કામકાજ, ઓફિસ, વ્યવસાય, ખેતી અને ટ્રાન્સપોર્ટેશન સહિત લગભગ દરેક ક્ષેત્ર ઈંધણ પર આધારિત હોવાથી આવા વધારા સામાન્ય લોકો માટે ભારે બની રહ્યાં છે.
મુકેશભાઈ મહેતા નામના વ્યક્તિએ કહ્યું આ તો લોકોને મારી નાંખવાનાં ધંધા છે. વારંવાર ભાવ વધારાથી સીધી અસર પડી રહી છે. માંઘવારી ઘટવી જોઈએ, રાજકોટના લોકો કોઈ બોલવા તૈયાર નથી 200 રૂપિયાનું પેટ્રોલ આપે તો પણ ભરાવા તૈયાર થઈ જાય એમ છે. હડતાળ કરો તો ખબર પડી જાય. આ તો કોઈ બોલવા જ તૈયર નથી.
ગોવિંદ ચૌહાણ નામના વ્યક્તિએ કહ્યું, ખૂબ જતકલિફ પડી રહી છે. ખેડૂતોને ડીઝલની લાઈનમાં ઉભુ રહેવું પડે છે. હવે ઘઉંના ભાવ વધારી દો....
ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા મોંઘવારી વધુ વધવાની ભીતિ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો માત્ર વાહનચાલકોને જ અસર કરતો નથી, પરંતુ સમગ્ર અર્થવ્યવસ્થા પર તેની સીધી અસર પડે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા બજારમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વધી જાય છે.
ખાસ કરીને શાકભાજી, દૂધ, અનાજ, ફળો અને રોજિંદા ઉપયોગની વસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થતાં વેપારીઓ પણ વધેલો ખર્ચ ગ્રાહકો પર નાખતા હોય છે. જેના કારણે આગામી દિવસોમાં બજારમાં વધુ મોંઘવારી જોવા મળી શકે છે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટના કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કે ઈંધણના સતત વધતા ભાવોને કારણે માલસામાનની હેરફેરનો ખર્ચ વધી રહ્યો છે. જો આ સ્થિતિ યથાવત રહેશે તો નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે.
મધ્યમવર્ગ પર સૌથી વધુ અસર
મધ્યમવર્ગીય અને નોકરીયાત પરિવારો માટે આ ભાવ વધારો વધુ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી કરી શકે છે. એક તરફ આવકમાં ખાસ વધારો થતો નથી, જ્યારે બીજી તરફ રોજિંદા ખર્ચ સતત વધી રહ્યા છે. ઘરભાડું, શિક્ષણ, આરોગ્ય અને ખાદ્યપદાર્થોના વધતા ખર્ચ વચ્ચે હવે ઈંધણના વધેલા ભાવો પણ બજેટ ખોરવી રહ્યા છે.
ઘણા લોકોનું કહેવું છે કે દર મહિને વાહન માટેનો ખર્ચ હવે નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. ખાસ કરીને જે લોકો રોજ લાંબા અંતર સુધી મુસાફરી કરે છે અથવા વ્યવસાય માટે વાહન પર નિર્ભર છે, તેમના માટે આ વધારાનો સીધો આર્થિક પ્રભાવ પડશે.
વિશ્લેષકોના મતે, ઈંધણના ભાવમાં સતત વધારો થતો રહેશે તો તેની અસર બજારની ખરીદ શક્તિ પર પણ પડી શકે છે. સામાન્ય લોકો જરૂરી ખર્ચ સિવાય અન્ય ખર્ચ ઘટાડવા મજબૂર બની શકે છે, જેનો અસર વેપાર અને બજારની ગતિ પર પણ જોવા મળી શકે છે.
સરકાર સામે રાહતની માંગ ઉઠી
ભાવ વધારા બાદ અનેક વિસ્તારોમાં લોકો દ્વારા સરકાર પાસે રાહત આપવાની માંગ ઉઠી રહી છે. નાગરિકોનું કહેવું છે કે સતત વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપવામાં આવે તો સામાન્ય લોકોને થોડી સહાય મળી શકે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ અને સરકારી નીતિઓને આધારે ઈંધણના દરોમાં વધુ ફેરફાર થઈ શકે છે. હાલ માટે તો વધેલા ભાવોએ સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી છે.





